________________
ભક્તિના વીસ દોહરા
પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ હો અવિચળ સુખવાસ. ઋષભ.
– શ્રી દેવચંદ્રજી કૃત ઋષભજિન સ્તવન સંસારના પદાર્થો પ્રત્યે જે સ્નેહ છે એ પલટાઈને ભગવાન પ્રત્યે થઈ જાય તો કામ થઈ જાય.
તબ કારજ સિદ્ધ બને આપનો,
રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો. જેમ અગ્નિનો એક તણખો લાખો મણ રૂને બાળી નાખે, તેમ એક અંશ પણ સાચો સ્નેહ આવે તો એ ઘણા કર્મોનો નાશ કરી નાંખે. અનાદિ કાળના કર્મોનો બોજો આપણા માથે છે. ઘણું કામ કરવાનું છે. માટે સત્પરુષ અને પરમાત્મા ઉપર ખૂબ “ભાવ” આવવો જોઈએ. એનો પ્રભાવ આવવો જોઈએ. બધુંય બળ આમાં લગાડવું પડશે. સિંહનો શિકાર કરવા નીકળે અને સસલાથી ગભરાય તો શું કામ થાય? એમ સંસારના બંધનો તોડવા બળ, હિંમત, પુરુષાર્થ જોઈએ તે નથી.
ન મળે પરમ પ્રભાવ. એક અંશ પણ સાચો સ્નેહ પરમાત્મા પ્રત્યે આવે, તો અનાદિ કાળમાં જે કામ નથી થયું તે આ ભવમાં મુહૂર્ત માત્રમાં થઈ જાય. એક અંશ એટલે બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, સિંહણ બચ્ચું એક, એકે હજારા. બકરાના લાખ બચ્ચા હોય તો પણ સિંહ પાસે કંઈ કામ ન આવે, પણ એક સિંહનું બચ્ચું હજાર બકરાને ભગાડી દે. તેમ પરમાત્મા પ્રત્યે જેને એક અંશ પણ સ્નેહ આવ્યો તે હજારો વર્ષોના કે અનેક ભવોના કર્મોને બાળીને ભૂકો કરી નાખે. આટલી પરમાત્માના સ્નેહમાં શક્તિ રહેલી છે. આ ભક્તિમાર્ગ છે.
પરમકૃપાળુદેવે લખ્યું છે કે ભગવાન મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. ભક્તિ આવે તો મુક્તિ આવે જ. કારણ કે મુક્તિ એ ભક્તિની દાસી છે. આવું ભગવાનનું માહાસ્ય આવવું જોઈએ અથવા પોતાના શુદ્ધાત્માનું માહાસ્ય આવવું જોઈએ. જેનું ચિંતન ના થઈ શકે એવો અચિંત્ય ચિંતામણિ તે આત્મા છે.
આત્મા કે પરમાત્મા ચિંતવનમાં આવી શકે એવા નથી. એ બાવન અક્ષરથી બહાર છે. એ શબ્દાતીત છે, અક્ષરાતીત છે, વિકલ્પાતીત છે, મનાતીત છે, સર્વાતીત છે. દષ્ટિ જાગવી જોઈએ, પાત્રતા આવવી જોઈએ. અંદરમાં પરમાત્મા પ્રત્યે તીવ્ર ભાવ આવવો જોઈએ. તો જગતના જીવો માટે જે અઘરું કામ છે તે એના માટે સહેલું થાય છે.