________________
૩૬
ગાથા - ૬
અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.
ભક્તિના વીસ દોહરા
ભક્ત કહે છે કે ભલે હું આવો પામર છું પણ હે પ્રભુ ! તમારી શક્તિ અને પ્રભાવ તો અલૌકિક છે. ત્રણે કાળમાં દુર્લભ એવા આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુની પ્રાપ્તિ થઈ છે, તેનો વિચાર આવતા સાધકને ઉલ્લાસ થાય છે કે અહો ! અનાદિ કાળમાં જેનો યોગ હું શોધતો હતો એ યોગ મને વર્તમાનમાં પ્રાપ્ત થઈ ગયો. જેને સત્પુરુષ મળ્યા એને સંસાર રૂપી વનને પાર કરવાનો ચોખ્ખો ધોરીમાર્ગ મળ્યો. આથી મુમુક્ષુની બધી મૂંઝવણ ટળી જાય છે અને અંદરમાં પ્રફુલ્લિતતા આવે છે. કોઈ માણસ પોતાના ગામ જવા જંગલમાંથી પસાર થતો હોય અને અંધારું થઈ જાય, રસ્તો ભૂલી જાય અને ચારે બાજુ ભટકે એટલે એને થાય કે હવે મારે બચવું હોય તો કોઈ ઝાડ ઉપર ચઢી જઉં, નહીં તો આ જંગલમાં હિંસક પશુઓ મારો નાશ કરી નાખશે. એમ વિચારી ઝાડ ઉપર ચઢી જાય છે. વીજળીનો ઝબકારો થતા તેને બહાર એક સડક દેખાઈ. તેને થયું કે ઓહો ! રસ્તો તો આ જ છે. હવે રાતે મારે ચાલવું નથી, પણ રસ્તો મળી ગયો છે. હવે મારે ચાલવાનું જ છે. તેમ જ્ઞાનીપુરુષ મળ્યા પછી સાધકને રસ્તો તો મળી જાય છે, બસ હવે એને ચાલવાનું જ છે. એટલે તેને પ્રફુલ્લિતતા આવે છે. નિગ્રંથ રત્નત્રયધારી મુનિઓનો યોગ થયો એ મહાપુણ્યથી થયો છે. એનું માહાત્મ્ય અપાર છે. ગમે તે ગતિ થાય પણ જો એનું શરણ સાચું છે તો અવશ્ય જીવ મોક્ષે પહોંચી જાય છે.
આવા કાળમાં પરમકૃપાળુદેવ જેવા જ્ઞાની મળ્યા એ આપણું અહોભાગ્ય કહેવાય. હવે એમનું એક પણ વચન જો જીવ ખરા હૃદયથી આરાધે તો એનું અવશ્ય કલ્યાણ થાય. એક વચનની, એક આજ્ઞાની પણ સમ્યક્ આરાધના થાય તો યાવત્ મોક્ષ થાય એમ આગમવચન છે. પુરુષાર્થ જોઈએ. પ્રમાદ કરે તો કાર્ય ન થાય. સત્પુરુષ મળ્યા પછી જીવનો પુરુષાર્થ વધી જાય. એની લૌકિક પ્રવૃત્તિઓ અને લૌકિક કાર્યો ઘણા અંશે ઘટી જાય. આત્માના લક્ષ સહિત સત્પુરુષ ઉપર પ્રેમ વધતો જાય. જેટલા જેટલા અંશે પ્રેમ વધે તેટલા તેટલા અંશે બોધનું પરિણમન થાય. પરમકૃપાળુદેવે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક-૨૦૦ માં લખ્યું છે કે સત્પુરુષની ભક્તિ અને એમના પ્રત્યેની શ્રદ્ધા દૃઢ થાય ત્યારે બોધનું પરિણમન થાય. જેને જેના પ્રત્યેની શ્રદ્ધા હોય એનો બોધ જ એને પરિણમન પામે. ભલે કેવળજ્ઞાની પુરુષ હોય પણ એના પ્રત્યે એને શ્રદ્ધા ના