________________
ભક્તિના વીસ દોહરા
૩૧
છે - આ બધી અજ્ઞાનતા કાઢી નાખવી તેનું નામ વિવેક. આવા વિવેકપૂર્વક જે જીવો જીવન જીવે છે તેને શાંતિ રહે છે. આઠે પહોર આનંદ રે. ગમે તેવી ઉથલપાથલો થઈ જાય તો પણ વિચલિત થતા નથી. ઘરમાં, દેહમાં, કુટુંબમાં કે દુનિયામાં આવો વિવેક જેને જાગૃત છે તેને શાંતિ છે. જીવમાં અશાંતિ દેખાય છે તે બતાવે છે કે આ જીવ ક્યાંક તત્ત્વદષ્ટિ ચૂક્યો છે. જ્યારે પણ આપણને અશાંતિ થાય છે ત્યારે તે બીજાના કારણે નથી થઈ. કોઈપણ બનાવની તત્ત્વથી ખતવણી ક૨વામાં આપણે ચૂક્યા છીએ. સાચી ખતવણી કરી નથી, પણ ઊંધી ખતવણી કરી છે. એટલે આપણને અશાંતિ આવી છે.
જીવ ક્યારેય પણ પોતાનો દોષ જોતો નથી, પોતાના દોષો બીજા પર નાખીને પોતે અઢાર દોષોથી રહિત નિર્દોષ હોય એમ છૂટી જાય છે. અશાંતિ આવી તો પ્રભુ તારો કંઈક દોષ છે ! કર્મનો ઉદય આવ્યો તો એ કર્મનો દોષ નથી, બીજા કોઈ નિમિત્ત આવ્યા એટલે નિમિત્તનો દોષ નથી. તારો દોષ એ છે કે એ બનાવમાં તેં જે તત્ત્વની ખતવણી કરી છે એ સિદ્ધાંતથી વિપરીત કરી છે. એટલે એના વિકલ્પ દ્વારા તને અંદરમાં અશાંતિ આવી છે. અને જ્યાં સુધી એમ કરીશું ત્યાં સુધી અશાંતિ આવશે. ભલે તું હજારો શાસ્ત્રો ભણેલો હોય કે ગમે તેટલો તપસ્વી, ત્યાગી કે ક્રિયાકાંડી હોય કે ગમે તેટલી ભક્તિ કે ધ્યાન કરનારો હોય. સિદ્ધાંતથી વિરુદ્ધ વિકલ્પ કર્યા તો અશાંતિ થવાની અને સિદ્ધાંત સમજીને ખતવણી કરે તો શાંતિ થશે. આનું નામ વિવેક કહેવાય. કહીએ છીએ ને કે ભાઈ ! વિવેક રાખતા શીખો. કેમ રહેતા શીખવું એનું નામ વિવેક. તો મોક્ષમાર્ગમાં પરમાર્થદષ્ટિથી જોતાં શીખો, એનું નામ વિવેક છે. વ્યવહાર દૃષ્ટિથી તો આખું જગત જુએ છે, પણ પ૨માર્થ દૃષ્ટિથી બધા બનાવોની ખતવણી કરો, એનું નામ વિવેક.
હું પામર શું કરી શકું ? પ્રશ્નાર્થ છે. હું શું કરી શકું ? ક૨વાના ભાવ ગમે તેટલા હોય તોય કરી શકે એમ નથી. પમાડવાના ભાવ ગમે તેટલા હોય તોય કોઈ કોઈને પમાડી શકે નહીં. એ પામવાના હોય, એની યોગ્યતા હોય તો પામે. યોગ્યતા ના હોય તો ના પણ પામે. આ જીવને તો એનુંય ટેન્શન કે હું કોઈને પણ પમાડી ના શક્યો. પણ ઉપાદાનની યોગ્યતા ન હોય તો કોઈપણ જીવ પામી ન શકે તેવો વિવેક રહેવો જોઈએ. વિવેક એટલે તત્ત્વની સાચી ખતવણી. દરેક બનાવમાં તત્ત્વ શું છે એ સમજો. પરમકૃપાળુદેવે કહ્યું છે,
તત્ત્વ રૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.
- શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૨