________________
ભક્તિના વીસ દોહરા
૨૭
અને પરીક્ષા થવાની. કોઈપણ સ્થળ બાકાત નથી. તો ગમે ત્યાં જાવ, પણ તમે પ્રાપ્ત થયેલ બોધને અંદ૨માં મજબૂતપણે પકડી રાખો અને એ પ્રમાણે ચાલો, ભલે ગમે તેવા કર્મના ઉદય હોય. મહાપુરુષોને આપણા કરતાંય બળવાન કર્મો આવ્યા છે, તેને સમતાભાવ રાખીને ખપાવી દીધા છે, અબંધદશામાં વર્તીને નવા બાંધ્યા નથી અને જૂનાને સમતાભાવે ભોગવી લીધા છે. દરેકને કર્મ તો ભોગવવા જ પડશે ને ! આપણે કઈ વાડીના મૂળા કે - હું કંઈ ન ભોગવું. સાહેબ! મારે કોઈ કર્મનો ઉદય ન આવવો જોઈએ, હું આટલો ધર્મ કરું છું ને મારે આવે ? અરે ભાઈ ! તીર્થંકરને આવ્યા તો તું કંઈ વાડીનો મૂળો છો કે તને ન આવે ? આવવાના જ. આવવાથી ગભરાવાનું નથી, પણ એનો સમતાભાવે, સામનો કેવી રીતે કરવો એ શીખવાનું છે. જે કર્મો આવે તેને સમતાભાવે કેમ ખપાવવા, જેથી નવા બંધાય નહીં અને જૂના ખપી જાય, ખરી જાય અને જીવ કર્મથી મુક્ત થાય.
આવો બધો બોધ આપણને ક્યાં મળે ? સત્સંગમાં, જ્ઞાનીના વચનોમાં. વારંવાર એને વાંચવાથી આપણને પ્રેરણા મળતી જાય અને આપણું બળ વધતું જાય. બસ એ પ્રયોગ કરો. દરેકને પરીક્ષાકેન્દ્ર જુદા જુદા હોય છે. કોઈને ઘરમાં હોય છે, તો કોઈને બહારમાં હોય છે. ઘરમાંય જુદા જુદા પ્રકારે પરીક્ષા લેનાર ઘણા આવશે. તમારે નણંદ હશે તો એ આવશે, દેરાણી, જેઠાણી હશે તો એ આવશે, સાસુ હશે તો એ આવશે, બીજા કાકા, કાકીજી, ફૈબા, ફુઆજી જે કોઈ હશે એ બધાય આવશે, પણ તમારી જાગૃતિ હશે તો તમે તમારા આત્માનું રક્ષણ કરી શકશો.
આત્માનું રક્ષણ કરવું એ જ સાચી સાધના છે અને આત્માનું રક્ષણ પરમ સમતાભાવથી જ થાય. પરમકૃપાળુદેવે અશરણ ભાવનામાં મૂક્યું છે કે આ જીવનું શરણ એક માત્ર વીતરાગભાવ છે. આ જીવને બીજું કોઈ શરણ છે નહીં. બસ આ દૃઢ રાખવું અને ભૂલી જવાય ત્યાં વળી પાછા સત્સંગ સાંભળીને, આપેલા બોધને યાદ રાખીને પાછા જાગૃત થઈ જવું. ૧૦૦ વખત પડશો, ૧૦૧ મી વખત નહીં પડો, બાજી જીતી જશો. પડવાથી ગભરાવાનું નથી. પણ હવે મારે ઊભા થઈને પડવું નથી એવું બળ લાવવાનું છે.