________________
૨૬
ભક્તિના વીસ દોહરા
તો નવતત્ત્વની વાત જ વિસ્તારથી મળવાની છે. આત્મા અને અનાત્માની વાત, આત્મા કેમ બંધાયો અને કેમ મુક્ત થાય – આ જ વાત કોઈપણ સત્સંગમાં હશે. ખોટી વાતોના અનેક પ્રકાર હશે. એક આત્માની જ વાતને બે-ચા૨-પાંચ વાર સાંભળીને હવે પ્રયોગ કરો. જે સ્થળ અનુકૂળ હોય ત્યાં જઈ તેનો તમે પ્રયોગ કરો, વારંવાર પ્રયોગ કરો. અનાદિ કાળના અજ્ઞાનના કુસંસ્કારો પડેલા છે, તેને સાંફ કરતા થોડી વાર લાગશે, પણ એ ધોવાઈ જશે.
સાચી વસ્તુ આવે તો ખોટી વસ્તુ લાંબો સમય ટકી શકે નહીં. હીરો મળે તો કોઈ કાચને સંગ્રહે નહીં. ભલે અત્યાર સુધી તેણે કાચને હીરો માનીને સંગ્રહ કર્યો હોય, પણ સાચો હીરો હાથમાં આવે અને ઓળખાણ થાય તો તે કાચને ફેંકી દે છે. તેમ જેને સાચો સત્સંગ મળ્યો, આત્માનો બોધ મળ્યો, આસવ-બંધના કારણો સમજમાં આવ્યા તેને આસ્રવ-બંધના કારણથી નિવર્તવાનો પુરુષાર્થ ચોવીસ કલાક રહેવાનો. ગમે ત્યાં કાર્ય તો આ એક જ કરવાનું છે કે જેનાથી આસ્રવ અને બંધ થાય છે તેવા કારણોનો ત્યાગ કરવો, એવા સંયોગનો ત્યાગ કરવો અને ઉપયોગને બહારથી વાળી, અંતર્મુખ કરી, અંદરમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો. બળ ખૂટે ત્યારે સત્સંગ સાંભળવો કે કોઈ સત્શાસ્ત્રનું વાંચન કરવું. વારંવાર પુરુષાર્થ કરવાથી આત્માનું બળ વધતું જાય છે અને જીવ ક્રમે કરીને કાર્યને સિદ્ધ કર્યા વગર રહેતો નથી. બસ “જ્ઞાનસ્ય તમ્ વિરતિ:” જ્ઞાનનું ફળ વીતરાગતા છે. ઉપયોગ દ્વારા સ્વરૂપમાં સ્થિરતા થવી તે છે. વારંવાર વાંચન કર્યું, વિચાર કર્યો, સાંભળ્યું, ચિંતવન કર્યું, મનન કર્યું, દઢ કર્યું તો હવે તેનું ફળ આવવું જોઈએ. હવે અંદરની વીતરાગતા વધવી જોઈએ. નાની નાની બાબતોમાં જે આપણે કટ કટ કરતા, ઉશ્કેરાઈ જતા, આકુળવ્યાકુળ થઈ જતા કે અશાંત થઈ જતા તે બધું હવે બંધ થઈ જવું જોઈએ. સમજવું જોઈએ કે આ બધા કર્મના ઉદય છે એટલે એવા નિમિત્તો મળે છે અને એ નિમિત્તના કારણે આવું વર્તન થાય છે. જો તે સમયે હું શાંતિ ન રાખું તો પાછા નવા કર્મ બાંધું છું. મારું કર્તવ્ય છે કે મારા બાંધેલા આવ્યા છે તેને મારે સમતાભાવે ખપાવવાના છે.
જે કોઈ સાચો સાધક હોય એને કોઈ ફરિયાદ જ નથી હોતી કે આણે આમ કર્યું માટે મારે આમ કરવું પડ્યું, આણે આમ ન કર્યું હોત તો હું આમ ન કરત. અરે ભાઈ ! જેને જે કરવું હોય તે કરે. તારો ઉદય હતો તેમાં તે નિમિત્ત થયા. હવે તારે છૂટવું છે કે પાછું બંધાવું છે ? છૂટવું હોય તો હવે ફરિયાદ બંધ કર અને તારા સમતાભાવની વૃદ્ધિ કર. બીજાના દોષો પ્રત્યે દૃષ્ટિ મૂકીશ નહીં. તારા દોષ જો અને આ નિમિત્તે એ દોષોને કાઢવાનો તને મોકો મળ્યો છે. તો તારા દોષો કાઢ. આ પ્રેક્ટીકલ સાધના છે. ડગલે ને પગલે જ્યાં જશો ત્યાં બધે તમારી ચકાસણી