________________
ભક્તિના વીસ દોહરા
૨૩ તેમની યોગ્યતા હતી. શબરીએ કાંઈ પુસ્તકો નહોતા વાંચ્યા કે તું રામની આવી ભક્તિ કરીશ અને આવી રાહ જોઈશ તો તારું કામ થશે. સહેજે સહેજે એને શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો, અર્પણતા હતી. એના માટે ભગવાન સર્વસ્વ હતા. બસ, મારું કામ એક જ કે ચોવીસ કલાક મારે તમારી સ્તુતિ કરવી અને તમને મળવાના ભાવ કરી, જમાડવાના ભાવ કરી હું મારા સ્થાને બેસું. હે પ્રભુ! તમને જ્યારે મને મળવાનો ભાવ થાય ત્યારે પધારજો . ના આવો તોય વાંધો નથી. ગોપીઓને શ્રીકૃષ્ણ વિરહભક્તિમાં પકવ્યા છે. એમ જ્ઞાની મળે કે ના મળે, પણ એને મળવાની ભાવના તમારી અંદરમાં રહે એ જ એમનો મેળાપ છે. તમારી અંદરમાં એ ભાવ રહેવો જોઈએ. ઓધવજી કૃષ્ણની પાસે રહેવા છતાં દૂર હતા અને ગોપીઓ દૂર હોવા છતાં કૃષ્ણ એમની પાસે હતા. વિરહમાં પણ જે સ્મરણમાં હોય છે તે પાસે હોય છે અને નજીકમાં પણ જેનું વિસ્મરણ હોય છે તે દૂર હોય છે.
કેવળ અર્પણતા નથી, કેવળ એટલે સંપૂર્ણ ભાવથી, સાચા હૃદયથી અર્પણતા કરવી એ ભક્તિમાર્ગની પરાકાષ્ઠા છે. જ્ઞાનમાર્ગમાં અક્કડતા આવી જતી હોવાથી અર્પણતા થઈ શકતી નથી. તેના અંદરમાં તો અહંકાર હોય છે કે બધું મારા સ્વરૂપના આશ્રયે જ પ્રાપ્ત થાય છે, પછી અર્પણતા શું? મારે તો આત્માને જ અર્પણ થવાનું છે, બીજા કોને થવાનું છે? અરે બાપુ! એ વાત માત્ર શુષ્ક જ્ઞાન કે બાહ્ય જ્ઞાન છે. જેની પાત્રતા નથી એ જીવોને અર્પણતા શું ચીજ છે તેનું સાચું ભાન આવી શકતું નથી.
અર્પણતા એ મહાન ભક્તિ છે. અર્પણતામાં પરમાત્માનું મિલન છે, અર્પણતા એ પરાભક્તિનું ચિહ્ન છે, અર્પણતા એ મારા-તારાનો ભેદ મટાડનારું છે, હું અને તું જુદા છીએ એવો ભેદ અર્પણતાવાળામાં રહેતો નથી.
નથી આશ્રય અનુયોગ. પરમાત્મા પ્રત્યે એકતા થવાથી અને તે આશ્રયભાવનો અનુયોગ વિચારવાથી પણ શુદ્ધ સ્વરૂપને પામી શકાય છે એમ અહીં કહે છે. યોગીશ્વર શ્રી આનંદઘનજી શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે કે,
બહિરાતમ તજી અંતર આતમા રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ-દાવ, સુજ્ઞાની.