________________
ભક્તિના વીસ દોહરા.
૧૫
જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો . અપૂર્વ. ૨૦
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - ‘અપૂર્વ અવસર હે પ્રભુ! આ પરમ સ્વરૂપનું હું શું વર્ણન કરું? એવું સ્વરૂપ આપે પ્રાપ્ત કર્યું છે અને મારે પણ તે પ્રાપ્ત કરવું છે. આ પ્રકારની અંતરંગ ભાવના ભક્ત પ્રાર્થના દ્વારા ભાવી રહ્યો છે. આ પરમાર્થ ભક્તિ છે, સાચી ભક્તિ છે. જગતના જીવો કરે છે તે બધી વ્યવહાર ભક્તિ છે.
જે જે આત્મજ્ઞાની પુરુષોએ ભજનોની, સ્તવનોની, પદોની રચના કરી છે તેની પાછળ પરમાર્થ હેતુ રહેલો હોય છે. જ્યારે જગતના અજ્ઞાની જીવો કાવ્યશક્તિ હોવાના કારણે ભજનો તો ખૂબ રચે છે, પરંતુ તેમાં પરમાર્થદષ્ટિ હોતી નથી. જ્ઞાનીના પદો અને અજ્ઞાનીના પદોમાં આ પ્રકારનો તફાવત તો રહેવાનો.
જ્ઞાની પુરુષોના પદો કે ભજનો ઓછા ગવાતા જોવા મળે છે. તેમાં પણ સમજીને ગાનારા તો બહુ જ થોડા જોવા મળે છે. જ્ઞાની પુરુષોના બોધ, લખાણ કે પદમાં જ્ઞાનદષ્ટિ રહેલી હોય છે, તેમજ તેમાં સિદ્ધાંત સમાયેલો હોય છે. એમાં ઘણાં સૂક્ષ્મ રહસ્યો વણી લીધેલા હોય છે. અજ્ઞાની જીવોની રચનામાં એ વણાટ હોતો નથી. કેમકે, તેને સ્વરૂપનું ભાન પ્રગટ થયું નથી.