________________
૧૩
ભક્તિના વીસ દોહરા. વર્ષથી ૨૦ દોહરા બોલીએ, પણ આમાંનો એકે દોષ કાઢીએ નહીં અને ઉપરથી આ ૩૬ દોષમાં બીજા પ દોષ ઉમેરીએ તો આ દોહરા બોલવાનો અર્થ શો? આ ભક્તિનો અર્થ શું રહ્યો ? એ રૂઢિ પ્રમાણે ભક્તિ કરી ગયો, કે મેં નિત્યક્રમની આજ્ઞા લીધી છે એટલા માટે મારે આ આજ્ઞાભક્તિનો ક્રમ કરવાનો છે. પણ શેના માટે આ ક્રમ કરવો છે? બસ બોલી જવું એટલે બોલી જવું! છ પદનો પત્ર બોલી ગયા, આત્મસિદ્ધિ બોલી ગયા, અપૂર્વ અવસર બોલી ગયા, પણ શેના માટે બોલવાનું છે? એનું પ્રયોજન શું છે? એમાં પારમાર્થિક હેતુ શું છે? દરેક સાધના પાછળનો પારમાર્થિક હેતુ આપણે ચૂકી જઈએ તો એ બધી સાધના રૂઢિગત બની જાય છે.
નથી લઘુતા કે દીનતા. લઘુતા એટલે નમ્રતા અને દીનતા એટલે વિનયપણું. હે પ્રભુ! હજી હું અક્કડ અને અભિમાની છું. મારામાં નમ્રતાનો હજી સાચો અંશ પ્રગટ થયો નથી. જ્યાં જઉં ત્યાં હું કાંઈક છું, I am something, એમ જીવ બતાવે છે, એ લઘુતા નથી. માટે લઘુ બનો. ગિરનારની પરિક્રમામાં એકઝીણા બાવાની મઢી છે. ત્યાં ઘોર જંગલમાં એ મઢી આવેલ છે. હું બે - ત્રણ વખત એ પરિક્રમામાં જઈ આવ્યો છું અને ત્યાં ગિરનારમાં પહેલા હું ઘણો રહેલો છું. ત્યાં ત્રણ ચાર બાપુ હતા. એ બધા ચલમ પીતા. મેં એક બાપુને પૂછયું કે આ જગ્યાનું નામ ઝીણા બાવાની મઢી કેમ પડ્યું? એનું નામ ઝીણો હતું કે શું ? એમણે મને પૂછ્યું કે સાહેબ! તમને ખબર નથી?' મેં કીધું કે “ના, એટલે તો પૂછું છું. એટલે એમણે કહ્યું કે એક વખત બે મહાત્માઓ વચ્ચે વિવાદ થયો હતો. તેમાં એક કહે કે હું લઘુ છું, બીજા કહે કે હું લઘુ છું. એક મહાત્માએ બીજા મહાત્માને કહ્યું કે તું કેટલો લઘુ છે તે મને બતાવ. તો એ મહાત્માએ કહ્યું કે આ ચલમમાં બહાર મોટો ભાગ હોય છે તેમાંથી ઘુસીને ચલમની પાછળ રહેલ નાના કાણાંમાંથી હું નીકળી શકું એટલો લઘુ હું છું. ચલમમાંથી નીકળી શકે તેવી યોગશક્તિ તેમણે પ્રગટ કરી હતી. તો બીજા મહાત્મા કહે કે હું એટલો લઉં છું કે તમને દેખાઈશ જ નહીં. એમ કહીને બેઠા બેઠા જ અદૃશ્ય થઈ ગયા. એટલે આ બંને મહાત્માના ઝીણાપણાના કારણે આ મઢીનું નામ ઝીણા બાવાની મઢી પડ્યું છે.
લઘુતા એ ભક્તિનો એક પ્રકાર છે. ભક્ત હંમેશાં લઘુ બની જાય છે. નવધા ભક્તિમાં એક લઘુતા ભક્તિ છે.
શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ.
– શ્રી બનારસીદાસજી કૃત શ્રી સમયસાર નાટક