________________
35
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના સ્તુ ધાતુમાંથી બનેલ સ્તોત્રનો અર્થ થાય, જેમની સ્તુતિ કરાય તે સ્તોત્ર' (સ્તુયતે અનેન કૃતિ સ્તોત્રમ્). જૈનાચાર્ય શાંતિસૂરિ સ્તવ અને સ્તોત્રનો ભેદ બતાવે છે. સ્તવ ગંભીર, અર્થસંપન્ન અને સંસ્કૃતમાં રચાયેલું હોય છે તથા સ્તોત્રની રચના વિવિધ છંદ દ્વારા પ્રાકૃત ભાષામાં થાય છે. કેટલીક કૃતિઓ વિશે આ વિધાન સાચું છે. પરંતુ બધે જ આ જોવા મળતું નથી. તેથી આવો ભેદ યથાર્થ નથી. વળી ભાષાને આધારે આવો ભેદ વૈજ્ઞાનિક નથી. સ્તોત્ર કવિઓ તો સ્તવ, સ્તવન, સ્તુતિ અને સ્તોત્ર એ ચારેય શબ્દોને યથાર્થ (સમાનાર્થી) માની પોતાની કૃતિને ગમે તે એક નામ આપે છે.
જૈન ધર્મમાં રચાયેલ કાવ્યપ્રકારોમાં સંસ્કૃત સાહિત્યના સ્તોત્રપ્રકારની સાથે સંબંધ ધરાવતો લઘુ કાવ્યપ્રકાર એ સ્તુતિ છે એવું ઘણા વિદ્વાનો માને છે. સંસ્કૃત ભાષાના ‘સ્તુ' ધાતુ ઉપરથી ઊતરી આવેલો સ્તુતિ શબ્દ છે. જેનો અર્થ પ્રશંસા કરવી, ઇષ્ટદેવનાં ગુણગાન ગાવાં એવો થાય છે. તેવી જ રીતે સ્તવ, સ્તવન પણ સ્તોત્રના સમાનાર્થી શબ્દો છે. સ્તોત્ર એ સ્તુતિ કરતાં મોટા પ્રકારનું કાવ્ય હોય છે. સ્તોત્રનું સ્વરૂપ મોટું હોય છે. સંસ્કૃત ભાષામાં રચાયેલા સ્તોત્રમાં અષ્ટક, દશક, પંચાશિકા, શતક, અષ્ટોત્તર શતક, દ્વાત્રિશિંકા, પંચાશિંકા, સહસ્રનામમાળા વગેરે ભિન્ન ભિન્ન પઘસંખ્યા હોય છે. સ્તોત્રરચનામાં ભક્તહૃદયની લાગણીઓ અને ભક્તિભાવ ઉપરાંત પ્રભુના ગુણોની યશગાથા ગાવામાં આવે છે.
જૈન ધર્મના અનુયાયીઓમાં સ્તોત્રની રચના અનેક રૂપમાં થઈ છે. મુનિરાજોએ પોતાના સાધુજીવનની સાર્થકતા અને વિદ્યાનો ઉત્તમ ઉપયોગ સ્તોત્રરચનામાં જ માન્યો છે, એમ કહેવાય તો પણ અતિશયોક્તિ ન ગણાય. તેથી જ જૈન સ્તોત્રસમુચ્ચય’, ‘સ્તોત્ર સંદોહ’, ‘પ્રકરણ રત્નાકર’ વગેરે પ્રકાશિત અને કેટલાક અપ્રકાશિત ગ્રંથોને જોતાં તેમાં આલંકારિક સ્તુતિઓ, ચિત્રબંધમય સ્તુતિઓ, મંત્ર-યંત્ર-તંત્ર, યોગ, ભેષજ, અભાણકગર્ભસ્તુતિઓ તથા વિવિધ ભાષાત્મક સ્તુતિઓ મળી આવે છે. અન્ય સંપ્રદાય કરતાં આ સ્તુતિઓમાં કેટલીક વિશેષતાઓ હોય છે. તેમાં સૌથી વધારે વૈશિષ્ટય હોય છે, શૃંગા૨૨સનો અભાવ તેમજ હિંસાને લગતાં વર્ણનો પણ તેમાં હોતાં નથી. એટલે યથાર્થમાં સ્તુતિના જેટલા પ્રકારો હોઈ શકે, તે બધા અહીં સ્તોત્રોમાં મળી જાય - તે સવિશેષ ગૌરવપ્રદ છે.
જૈન સાહિત્યમાં રચાયેલા સ્તોત્રમાં વૈવિધ્ય જોવા મળે છે. આ વૈવિધ્ય ભાષાની દૃષ્ટિએ અર્થાત્ સ્તોત્રમાં ઉપયોગમાં લેવામાં આવેલા અલંકારો, છંદો, વિવિધ પ્રકારની સ્તુતિઓ, મંત્ર-તંત્ર-યંત્ર, યોગક, ભેષક આદિ ભિન્ન ભિન્ન પ્રકારનાં હોય છે. પરંતુ અંતે તો તેમાં પ્રભુનાં જ ગુણગાનો અને મહિમાનું વર્ણન કરવામાં અવ્યું હોય છે. આ સર્વેમાં એક વિશેષતા જોવા મળે છે તે છે સ્તોત્રોમાં શૃંગા૨૨સનો સંપૂર્ણ અભાવ, કારણ પ્રભુ મોહ-માયાનાં બંધનોથી પર છે. અહીં તીર્થંકરપ્રભુની દાસ્યભાવે, લઘુતાભાવે પ્રાર્થના કરવામાં આવે છે. તે ઉપરાંત આ સ્તોત્રોમાં