________________
234 છે // ભક્તામર તુલ્ય નમઃ | મહિમાવાળા ગરિ – છો તોવે – આ જગતમાં ભાવાર્થ :
હે મુનીશ્વર ! હે જિનેશ્વરદેવ ! આપનો એવો પ્રભાવ છે જેનો કદી અસ્ત થતો નથી કે રાહુ આપના પ્રભાવને ગ્રસી શકતો નથી. વાદળાંઓના સમૂહના આવરણથી એ મહાપ્રભાવ કદી રૂંધાતો નથી અને આપ તો એકીસાથે ત્રણેય ભુવનને પ્રકાશિત કરો છો તેથી આપ આ વિશ્વમાં સૂર્યના મહિમાથી પણ અધિક મહિમાવાળા છો. વિવેચનઃ ગાથા ૧૭
સ્તોત્રકાર સૂરિજીએ આગળના સોળમા શ્લોકમાં શ્રી જિનેશ્વરદેવના જ્ઞાનની દીપક સાથે તુલના કરી, સામાન્ય દીવા કરતાં પ્રભુના અંતરમાંથી સ્વયંભૂ રીતે પ્રગટતા દીપકને ઉચ્ચતમ બતાવ્યો છે. અર્થાત્ ઉપમાન સાથે શ્રી આદિનાથ ભગવાનની તુલના કરીને ઉપમાન કરતાં ઉપમેયને તેઓ વિશિષ્ટ સાબિત કરે છે. આ શ્લોકમાં પ્રભુના તેજને સૂર્ય રૂપે ઓળખાવી પછી તેનાથી વિશેષ સાબિત કર્યું છે.
જગતમાં સૂર્યનો મહિમા ઘણો છે. કેટલાક મનુષ્યો સૂર્યને મહાન, અતિ તેજસ્વી માની તેની વંદના-પૂજા-અર્ચના કરે છે. સ્તોત્રકાર સૂરિજીએ પ્રભુના તેજને સૂર્ય જેવું ગણાવ્યું છે. સૂર્ય પણ ત્રણે લોકને પ્રકાશિત કરે છે. પ્રભુ અને સૂર્યનું તેજ સમરૂપ છે. છતાં સૂર્યના તેજ કરતાં પ્રભુનું તેજ અલોકિકતાવાળું છે. સૂરિજીએ તેનું સુંદર અલંકારોથી યુક્ત વર્ણન કર્યું છે. સૂર્યને વિવિધ પ્રકારનાં વિઘ્નો નડે છે. તેની સામે પ્રભુના તેજને તેનાથી વિશિષ્ટ બતાવી તેની વિશેષતા સિદ્ધ કરી છે. ત્રણે જગતની અંદર રહેલા એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જે કોઈ જીવ પ્રભુને શરણે આવી તેનું નામ-સ્મરણ કરે છે તે જીવનાં પાપો હળવાં થાય છે.
સ્તોત્રકાર સૂરિજી કહે છે કે શ્રી જિનેન્દ્રદેવના પ્રભાવ આગળ સૂર્યનો પ્રભાવ લાંબા સમય સુધી ટકતો નથી. તેમણે સૂર્યના ચાર અભાવ દર્શાવ્યા છે :
(૧) સૂર્ય જગતને પ્રકાશિત કરે છે પરંતુ તે અસ્ત પણ થાય છે. (૨) સૂર્ય રાહુ વડે ગ્રસિત થાય છે. (૩) સૂર્યનો પ્રકાશ મર્યાદિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે. (૪) સૂર્ય ઘનઘોર વાદળ પાછળ ઢંકાઈ જાય છે.
સૂર્યની પ્રભુસ્વરૂપ સૂર્યની સાથે તુલના કરીને તેમની વિશિષ્ટતા બતાવી છે. સૂરિજી કહે છે કે, પ્રભુ સૂર્ય કરતાં પણ અધિક મહિમા ધારણ કરનાર છે. સૂર્યમાં જોવા મળતાં ચારેય અભાવ પ્રભુમાં સંપૂર્ણપણે વિદ્યમાન છે.