________________
290 * || ભક્તામર તુર્થ્ય નમઃ ।।
વિવેચન : ગાથા ૩૩
અનેક જન્મોની આરાધના દરમ્યાન સમ્યક્ દર્શન પ્રગટ્યા બાદ “સવિ જીવ કરું શાસન ૨સી'' જેવા ઉત્કૃષ્ટ પરમ વિશુદ્ધિના ભાવોથી તીર્થંકર નામકર્મનો બંધ કરેલો તેનો કેવળજ્ઞાન બાદ ઉદય થાય છે. સૌધર્મેન્દ્ર દ્વારા સમવસરણની રચના થાય છે. શ્રી જિનેશ્વર ભગવંતના વિશિષ્ટ પ્રતિહાર્યો તથા તેમના વિહાર સમયનું વર્ણન કર્યા પછી હવે સ્તોત્રકાર સૂરિજી પ્રભુની ધર્મોપદેશ વિધિ કેવી અપૂર્વ અને ભવ્ય હોય છે તેનું વર્ણન કરે છે.
સ્તોત્રકા૨ માનતુંગસૂરિજી સમવસરણની રચના કેવી હોય છે તેનું વર્ણન કરતાં કહે છે કે, હે ભગવાન ! તમે જ્યારે ધર્મોપદેશના આપવાના હો ત્યારે દેવો દ્વારા ચાર યોજન પ્રમાણભૂમિમાં અદ્ભુત સમવસરણની રચના થાય છે. ગોળાકાર સમવસરણની ચારે બાજુ ઘુલીશાલ કોટની અંદર, નીચે જમીન પર નદીની રેતની જગ્યાએ રત્નોનાં ઝીણાં (રેતી જેવાં) ૨જકણો પથરાયેલાં હોય છે. તે કોટ સોનાના સ્તંભ અને મણિરત્નોનાં તોરણોથી શોભતા હોય છે. ચાર બાજુ ચાર દરવાજા હોય છે. તેમાં પ્રવેશ કરવા ચાર બાજુ ચાર પ્રવેશદ્વાર આગળ આરસપહાણ તેમજ રત્નજડિત અત્યંત ઊંચા ચાર માનસ્તંભ હોય છે. દરેક માનસ્તંભમાં ચારે બાજુ જિનેન્દ્ર ભગવાનની સુવર્ણની પ્રતિમાઓ હોય છે. આ માનસ્તંભને ઇન્દ્રે રચેલો હોવાથી તેને ઇન્દ્રધ્વજ નામથી ઓળખવામાં આવે છે.
સમવસરણમાં એક ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો એમ ત્રણ ગઢ હોય છે. પહેલો ગઢ રૂપાનો, બીજો ગઢ સોનાનો અને ત્રીજો ગઢ રત્નજડિત હોય છે. પ્રભુ જ્યારે એ સમવસરણમાં દેવોએ રચેલા ઊંચા અશોકવૃક્ષની નીચે મણિમય રત્નજડિત સોનાના સિંહાસન પર બિરાજે છે ત્યારે દેવતાઓ દ્વારા પ્રભુની ચારે બાજુ ઊભા રહી અત્યંત ભક્તિભાવપૂર્વક ક્રમબદ્ધપણે નીચેથી ઉપરની તરફ બંને બાજુ ચામર વીંઝાય છે. મસ્તકની ઉપર અતિ દેદીપ્યમાન એવાં ત્રણ છત્ર ધરાય છે. આકાશમાં દેવો અતિશય મધુર ઓમકારના ધ્વનિ સાથે સાડાબાર કરોડ દેવદુંદુભિ, વાજિંત્રો વગાડે છે. જે ધર્મરાજ્યની સ્થાપનાની ઘોષણાપૂર્વક જગતના જીવોને ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવાનો અપૂર્વ લહાવો લેવા આમંત્રણ આપે છે. આખા સમવસરણમાં આકાશમાંથી દેવો દ્વારા સુગંધી પંચરંગી પુષ્પોની વૃષ્ટિ થાય છે. પ્રભુના મસ્તકની પાછળ તેજનું સંવરણ કરનારું તેજસ્વી ગોળાકાર ભામંડળ રચાય છે. એ સમયે પ્રભુ ચતુર્મુખ દેખાય છે. અર્થાત્ પ્રભુની ચારે બાજુ નર-નારી, દેવદેવીઓ, પશુ-પક્ષીઓનો જે સમૂહ બેઠેલો હોય છે તેને તમે સન્મુખ દેખાઓ છો. એ સમયની પ્રભુની વાણીની મધુરતા નિરાળી હોય છે. તે વાણી વડે જે ઉપદેશ આપવામાં આવે છે તે સર્વ જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે છે. એ સમયે અહિંસા અને વિશ્વપ્રેમનું વાતાવરણ એટલું જોરદાર હોય છે કે પ્રભુના સમવસરણમાં હરણની પાસે સિંહ, સાપની પાસે નોળિયો, ઉંદર પાસે બિલાડી, ગાયની પાસે વાઘ આ બધા એકબીજાની પાસે આવી જાય તો પણ ચૂપચાપ બેસી જાય છે. તે સમયે તેમને પોતાના ભક્ષ્ય એવાં પ્રાણીઓને મારવાની વૃત્તિ બિલકુલ થતી નથી. જન્મજાત વેર છોડી એકબીજાની પાસે મૈત્રીભાવથી બેસી જાય છે.