________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 277 વિવેચન : ગાથા ૨૮
આ શ્લોકમાં પ્રભુના બાહ્ય વૈભવને રજૂ કરવામાં આવ્યો છે. તેમના આઠ અતિશયો એ અષ્ટ પ્રતિહાર્યો છે. આ અષ્ટ મહાપ્રતિહાર્યોને પરમાત્માની આરાધનાનું મુખ્ય પ્રતીક માનીને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રભુના આ અતિશયો માટે “વૈભવ' શબ્દ વપરાયો છે. વૈભવ' શબ્દ ઘણો ચિત્ત-આકર્ષક છે. એના મૂળમાં ‘વિભુ શબ્દ છુપાયેલો છે. આપણે વૈભવ તરીકેની કલ્પના કરીએ છીએ તે માત્ર વ્યવહારિક સ્તર ઉપર આધારિત હોય છે. અને આવી પરિકલ્પનાઓ કરતાં વિશેષતઃ આપણે વિભુને ભૂલી જઈએ છીએ. વૈભવને સમજવા માટે તો વિભુને સમજવો અતિઆવશ્યક છે. વૈભવ પ્રાપ્ત કરવા માટે વિભુ બનવું જરૂરી છે. વિભુ બનીને જ વૈભવ પ્રાપ્ત કરી શકાય છે.
આ સંદર્ભે ડૉ. સાધ્વીજી દિવ્યપ્રભાશ્રીજી જણાવે છે કે, “વૈભવ એ છે : આંતરિક અને બાહ્ય. વિકાસ પામેલા આંતરિક વૈભવ બાહ્ય વૈભવને પ્રગટ કરે છે. સામાન્ય રીતે બાહ્ય વૈભવ નિર્મુલ્ય હોય છે. તે પણ આંતરિક વૈભવ એ બાહ્ય વૈભવનું મૂલ્યાંકન પણ વધારી દે છે. પરમાત્મા માટે પરમાત્માપણું સ્વયં એક વૈભવ છે.”
પ્રભુના વૈભવ માટે પ્રતિહાર્ય નામ પ્રસિદ્ધ છે. તીર્થકરોને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ ઇન્દ્રદેવો આવીને આઠ પ્રતિહાર્યોની નિમણુંક કરે છે જે આ પ્રમાણે છે :
(૧) અશોકવૃક્ષ (૨) દિવ્ય પુષ્પવૃષ્ટિ (૩) દિવ્ય ધ્વનિ (૪) દેવદુંદુભિ (૫) સિંહાસન (૬) ભામંડળ (૭) ચામર (૮) છત્ર.
આ આઠે પ્રતિહાર્યો નિયમિત રૂપે પ્રભુની સાથે જ રહે છે. કેવળજ્ઞાની થયા પછી પ્રભુ સમવસરણમાં બેસીને દેશના આપે છે. આ અદ્ભુત ભવ્ય એવા સમવસરણની રચના ઇન્દ્રો અને દેવો સાથે મળીને કરે છે. સમવસરણમાં રત્નના ગઢ અને મણિરત્નના કાંગરા આદિની રચના હોય છે. માનસ્તંભ હોય છે. ચારે બાજુ દરવાજા હોય છે. આવી ભવ્ય રચના કરે છે અને એ આખા સમવસરણની મધ્યમાં દેવો તીર્થંકર પ્રભુને બેસવા માટે સિંહાસનની રચના કરે છે અને તે સિંહાસન દેવો રચિત અશોકવૃક્ષની નીચે રાખવામાં આવ્યું હોય છે. આ અશોકવૃક્ષની રચના એ પ્રભુનો એક અતિશય છે.
આ શ્લોકમાં અશોકવૃક્ષની છાયામાં સિંહાસન પર બિરાજેલ દેશના આપતાં પ્રભુ કેવાં લાગે છે તે સૂરિજીએ વર્ણવ્યું છે. પ્રભુ કેવળજ્ઞાન પછી સમવસરણમાં બિરાજે છે ત્યારે તેમના ઉપર તેમના દેહથી બાર ગણું ઊંચું દિવ્ય અશોકવૃક્ષ હોય છે. આ વૃક્ષ વનસ્પતિકાયનું વૃક્ષ નથી, પરંતુ એ દિવ્ય પુદ્ગલોની અદ્ભુત રચના છે. એ જમીનને અડ્યા વગર અધ્ધર અને મૂળ વગરનું હોય છે.