________________
119
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ આવી રહ્યું છે તે શ્રી જિનેશ્વરદેવ સ્વયં શાંતિરસની મૂર્તિ છે. તેથી જ આવાં ભક્તિ-૫૨ક કાવ્યસ્તોત્રોમાં શાંતિરસની પ્રધાનતા જોવા મળે છે. અહીં શૃંગા૨૨સ, વી૨૨સ જેવા અન્ય ૨સોને ક્યાંય સ્થાન નથી. તેનું પણ કારણ છે કે શ્રી જિનેશ્વરદેવ રાગદ્વેષથી રહિત છે. તેમણે તો ઘાતી-અઘાતી કર્મનો સંપૂર્ણ નાશ કરેલો છે. તેથી મોહ-માયા-રાગ-દ્વેષ-ક્રોધ-લોભ ઇત્યાદિને અહીંયાં કોઈ જ સ્થાન નથી, આવા શ્રી અરિહંત પરમાત્મા કોઈને કંઈ જ આપતા નથી અને કોઈની પાસેથી કંઈ જ લેતા નથી. છતાં ભક્તકવિ તેની પાસે યાચના કરે છે. આ યાચના કોઈ પણ પ્રકારના ભોતિક સુખની યાચના નથી પરંતુ શાશ્વત સુખની યાચના ભક્ત દ્વારા કરવામાં આવે છે. અર્થાત્, ભવભ્રમણની ભ્રમણામાંથી સર્વદા મુક્તિ મેળવી મોક્ષસુખની વાંચ્છના કરવામાં આવી છે. આવી યાચના કરતી વખતે હંમેશાં પોતાના માટે લઘુતાભાવ અને પોતાના આરાધ્યદેવ પ્રત્યે ગુરુતાપૂજ્યભાવ રાખે છે. અર્થાત્ પોતાને ન્યૂન અને પોતાના દેવને ઉત્કૃષ્ટ વર્ણવે છે. તે દ્વારા પ્રભુસ્વરૂપનો મહિમા વર્ણવીને તેઓ જે પદને, જે સ્થાનને પામેલા છે તે મેળવવાની તીવ્રતમ ઇચ્છા પ્રકટ કરે છે. શાશ્વત સુખ મેળવતાં પહેલાં અને પછી પ્રભુ જે ગુણોને પામેલા છે તે ગુણો પોતાના સ્વગ્રહી થાય અને તે દ્વારા ભક્ત પોતે પણ સાધકની સાથે સાથે સાધ્ય બનવા માટેની યાચના કરે છે.
܀
શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનો મહિમા ભક્તકવિઓએ વિવિધ પ્રકારનાં વિશેષણો, ગુણવાચક નામો વડે વર્ણવ્યો છે. સૌધર્મેન્દ્ર જેવા મહાન શ્રુતજ્ઞાતાએ ‘શક્રસ્તવ’ (નમુત્યુણ)માં ૪૮ ગુણવાચક શબ્દોથી ભગવાનની સ્તુતિ કરી છે. તથા હરિવંશપુરાણમાં ઇન્દ્રએ નેમિનાથ ભગવાનની સ્તુતિ ભગવાનના ૪૮ ગુણવાચક શબ્દસમૂહથી ૧૫ શ્લોકમાં કરી છે. આવા અનંત ગુણોના ભંડાર શ્રી જિનેશ્વરદેવનું નામસ્મરણ કરવાથી મળતી ફળસિદ્ધિનું વર્ણન પણ દરેક સ્તોત્રકારે પોતાની કૃતિમાં કરેલું જ હોય છે. તદુપરાંત સ્તવન-સ્તોત્ર એ મહાપ્રભાવશાળી છે તેની યથાર્થતા પુરવાર કરતું ઉદાહરણ આપણને ઉત્તરાધ્યયન સ્તોત્રમાં શિષ્યે પૂછેલા પ્રશ્નના ભગવાને આપેલા ઉત્તરમાંથી મળી આવે છે. સ્તોત્રથી કયા પ્રકારનો લાભ મેળવે છે? તે પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ણાવે છે કે, “જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિનો લાભ પ્રાપ્ત થાય છે.” અર્થાત્ જ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે, અને આ રત્નત્રયી જ જીવાત્માને મોક્ષગામી બનાવે છે.
આ રત્નત્રયીને પ્રાપ્ત કરવા માટે જિનભક્તિ કરવી અતિ આવશ્યક છે. જિનભક્તિ વગર કોઈ પણ પ્રકારના સુખની પ્રાપ્તિ થતી નથી. જૈનાચાર્યો, શાસ્ત્રકારો, ભક્તકવિઓએ આ જિનભક્તિનાં વિવિધ અંગ અને પ્રકાર જણાવ્યાં છે. વિવિધતાપૂર્વકની ભક્તિમાં આચાર્યો, પૂજ્યપાદોએ અનુરાગને જ ભક્તિ તરીકે વર્ણવેલ છે. પ્રભુ પ્રત્યેનો સાચો અનુરાગ જ ભક્તિ છે અને એકાગ્રચિત્ત, નિષ્કામ, નિશ્કલ, નિસ્વાર્થ અને ભક્તિભાવપૂર્વકની ભક્તિ જ ભક્તિ છે. આવી ભક્તિ દશ પ્રકારે શાસ્ત્રકારોએ વર્ણવી છે. સિદ્ધ-ભક્તિ, આચાર્ય-ભક્તિ, પંચપરમેષ્ઠીભક્તિ, યોગી-ભક્તિ, નન્દિશ્વર-ભક્તિ, શાંત-ભક્તિ, શ્રુત-ભક્તિ, ચારિત્ર-ભક્તિ, ચૈત્ય-ભક્તિ, નિર્વાણ-ભક્તિ. આ દશ ભક્તિ વર્ણવી છે. કેટલાકે તીર્થંકર-ભક્તિ અને સમાધિ-ભક્તિ પણ વર્ણવી