________________
322 ।। ભક્તામર તુલ્યું નમઃ II
પામનાર છે. તેવી ખાતરી આપણને આચાર્યજી પાસેથી પ્રાપ્ત થાય છે. તેમની બંધન અવસ્થા આ સ્તોત્રના પાઠ પછી મુક્તાવસ્થામાં પલટાઈ હતી. તે સર્વવિદિત છે અને એ જ એનું મુખ્યતમ મહાત્મ્ય છે.’’૬
ઘાતી કર્મ કે અઘાતી કર્મ કોઈ પણ પ્રકારના અશુભ કર્મનો ઉદય થાય તો તેમાંથી મુક્તિ મેળવવાનું એકમેવ સાધન પ્રભુનું સ્તવન, ગુણગાનનો પાઠ કરવાથી અશાતાવેદનીય અશુભકર્મ અવશ્ય નાશ પામે છે. સર્વ કોઈ જાણે છે કે શ્રી માનતુંગસૂરિજીને કોપાયમાન થયેલાં રાજાએ બેડીનાં બંધનોથી જકડીને બંદીવાન બનાવ્યા હતા. આ અશુભ કર્મોના ઉદયનો નાશ કરવા માટે તેમણે હૃદયમાં પ્રભુને સ્થાપી તેની સ્તવના કરવા રૂપે સ્તોત્રની રચના શરૂ કરી ત્યારે ન તો તે તેમના શરીરમાં હતા. ન બંદીગૃહમાં હતા. પરંતુ તેઓ તેમના આત્મામાં જ સ્થિત હતા. આવા ભાવથી સ્તોત્રની રચના-પાઠ કરવાથી બેડીના બંધનના ભયની અવસ્થા મુક્તાવસ્થામાં બદલાઈ ગઈ હતી. એ જ આ સ્તોત્રનું મહાત્મ્ય છે. અર્થાત્ પ્રભુના નામનું સ્મરણ અને તેમનામાં તદ્રુપતા, એકાત્મતા, એકાગ્રતાને કારણે સૂરિજીએ આવા અદ્ભુત સ્તોત્રની રચના કરી અને તેની ફળસિદ્ધિ સ્વરૂપે બંધનોમાંથી મુક્ત થયા.
શ્રીમાનતુંગસૂરિએ શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિના માધ્યમ દ્વારા અભયનો મંત્ર આપ્યો છે. આ મંત્રનો પાઠ કરવાથી ભયને દૂર કરી અભય બની શકાય છે.
ભય અને અભયને સમજાવતાં આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, “સૌથી મોટો ભય છે પ્રમાદ. સૌથી મોટું અભય છે અપ્રમાદ, જાગરૂકતા, ભગવાન મહાવીરે સાધનાનું સૌથી મોટું સૂત્ર આપ્યું અપ્રમાદ. અપ્રમત્ત વ્યક્તિને કોઈ ભય હોતો નથી. જ્યાં પણ પ્રમાદ હોય છે ત્યાં ભય પેદા થઈ જાય છે. અપ્રમાદ સૌથી મોટી સાધના છે અભયની. અપ્રમાદ એટલે અભય, અને પ્રમાદ એટલે ભય. ભય પ્રમાદમાંથી પેદા થાય છે અને અભય અપ્રમાદમાંથી પેદા થાય છે. આચાર્ય માનતુંગે અપ્રમત્તતાની સાધના માટે સંકેત આપ્યો છે અને તે સંકેત ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ બીજમંત્રોનું, આ શ્લોકોમાં ખૂબ મહત્ત્વ છે. જો તેમની સાધના બરાબર ચાલે, આરાધના બરાબર ચાલે તો પેલાં આઠ ભયની સાથે સાથે અન્ય ભયમાંથી પણ મુક્તિ પામી શકાય છે.’’૬૧
પ્રમાદ એ સૌથી મોટો ભય છે. કારણ પ્રમાદ એ અજ્ઞાનતાની નિશાની છે. જ્યારે અપ્રમાદજાગરૂકતા એ સૌથી મોટો અભય છે. અભયને પ્રાપ્ત કરવા માટે શ્રી માનતુંગસૂરિએ આદિનાથ ભગવાનની સ્તવના દ્વારા સ્તોત્રની રચના કરી છે. અને એ સ્તોત્રના શ્લોકો, બીજ- મંત્રો અપ્રમાદની-અભયની પરિસ્થિતિ નિર્માણ કરે છે. તેમણે આઠ ભયોનું વર્ણન કરી તેના નિવારણ માટે આઠ શ્લોકની રચના કરી છે. આ શ્લોકોની સાધના-આરાધના બરાબર ચાલે તો આઠ ભયોની સાથે અન્ય ભયોમાંથી પણ મુક્તિ પામી શકાય છે. સૂરિજીએ આઠ ભયોનું નિવારણ દર્શાવેલું છે. પરંતુ તેમણે પોતે નમિઊણ-ભયહર સ્તત્રમાં દર્શાવેલા આઠ ભયોમાં આ સ્તોત્રમાંના આઠ ભયોમાંથી બે પ્રકારના ભય જુદા પડે છે. એ બે ભયોમાં જલભયથી જલના પૂરનો ભય; અને