________________
355
પદ્યસંખ્યાની સમસ્યા ડૉ. હર્મન યકોબીની માન્યતા એક તો એ છે કે કલ્યાણમંદિર સ્તોત્ર એ ભક્તામરના અનુકરણરૂપ છે. ભક્તામ૨નો ૩૯મો અને ૪૩મો શ્લોક વધારાનો છે. ૪૩મો શ્લોક વધારાનો છે કેમ કે ૩૪માથી ૪૨મા શ્લોક સુધીનાં પદ્યગત વર્ણનોનો એ નીરસ ઉપસંહાર છે અને ખરેખર કવિશ્રી માનતુંગસૂરિ આવો શ્લોક રચે જ નહિ. હર્મન યકોબી સૂચવે છે કે ‘કલ્યાણમંદિરમાં ૪૩મો શ્લોક જ વસંતતલિકા છંદમાં છે. એ આ વાતની પુષ્ટિ આપે છે. આથી ૪૩મું પઘ કલ્યાણમંદિરના કર્તા કુમુદચન્દ્રના સમય પછી જ દાખલ થયેલું હોવું જોઈએ ૩૯મો શ્લોક પણ સ્તોત્રકારની કૃતિ હોય એવું ભાસતું નથી કારણ કે ૩૮મા શ્લોકમાં પણ સુંદર રીતે વર્ણવેલા ભાવની એમાં નીરસ પુનરાવૃત્તિ છે. વળી પ્રત્યેક ભયના વર્ણન માટે એકેક પદ્ય રચનાર કવિ અંતિમ ભયના વર્ણન વખતે બે પઘો રચે એ વિચિત્ર લાગે છે. પરંતુ તેઓ ઉમેરે છે કે એટલું તો ખરું કે ૩૯મો શ્લોક પ્રક્ષિપ્ત હોય તો પણ તે કલ્યાણમંદિરના રચના સમયે તો વાસ્તવિક ગણાતો હશે.''
܀
પ્રો. હર્મન યકોબીએ ૪૩મા શ્લોકની નીરસ ઉપસંહારતાના કારણે વધારાનો સૂચવે છે તેનો વિચાર કરતાં શ્રી હીરાલાલ કાપડિયા જણાવે છે કે નિમઊણ સ્તોત્ર જે ભયહર સ્તોત્ર તરીકે પણ પ્રસિદ્ધ છે અને જેના કર્તા પણ શ્રી ભક્તામરના કર્તા શ્રી માનતુંગસૂરિ હોવા વિશે બે મત નથી. તેમાં પણ કયા કયા ભયોનું વર્ણન આવનાર છે તેનો પ્રારંભમાં નિર્દેશ કરવામાં આવ્યો નથી. કિન્તુ રોગાદિ આઠ ભયો પૈકી પ્રત્યેકનું બબ્બે ગાથા દ્વારા વર્ણન કરી આઠે ભયોની સૂચિ રૂપે અઢારમી ગાથા ઉ૫સંહારરૂપ આપવામાં આવી છે. ત્યારે શું આ પણ પ્રક્ષિપ્ત ગાથા છે ?’’
મુનિરાજ શ્રી વિનયવિજયજીએ પણ પોતાની કૃતિ શ્રી પાર્શ્વ ભક્તામરમાં ઉપસંહારરૂપ શૈલીનો ઉપયોગ કર્યો છે. એ વાતની નિમ્નલિખિત ૪૩મું પઘ સાક્ષી પૂરે છે ઃ
“दन्ती (?) मृगारिदववह्निभुजङ्गयुद्ध - वारीशदुष्टगदबन्धनजं भयौधम् । तस्यान्तरङ्गमपि नश्यति दुःखजलं यस्तावकं स्तवमिमं मतिमानधीते ।।”
આ પદ્યમાં તેમજ ઉપસંહારરૂપ અન્ય કોઈ પઘમાં પણ ડૉ. યકોબી જેવાને વિશેષ રસ નહિ પડે તો શું તેથી આને પણ પ્રક્ષિપ્ત ગણવા તૈયાર થવું એ ન્યાય છે ?
હવે ૩૯મા પદ્યની વાસ્તવિકતા વિચારીએ. એ વાત સાચી છે કે કવિરાજ કુંજરાદિ આઠ ભયો પૈકી સાત ભયોનાં વર્ણન માટે એકેક પઘ રચ્યું છે. જ્યારે સંગ્રામભયને માટે બે પઘો રચ્યાં છે. પરંતુ સંગ્રામ સિવાયના સાત ભયો વ્યક્તિગત છે. જ્યારે સંગ્રામ એ સમષ્ટિગત છે. અર્થાત્ વ્યાપકતાની દૃષ્ટિએ સંગ્રામની વિશિષ્ટતા છે. એ વાત સ્ફુટ કરવા માટે કવિરાજે બે પઘો રચ્યાં હોય એવી અત્રે કલ્પના થઈ શકે છે.
વળી પુનરાવૃત્તિકરૂપ દોષના સંબંધમાં પણ એવો ઇશારો થઈ શકે કે ૩૮મા પદ્યમાં સામાન્ય સંગ્રામનું વર્ણન છે. જ્યારે ૩૯મા વિશિષ્ટ સંગ્રામનું, ભયાનક-સંગ્રામનું, મહાવિગ્રહનું વર્ણન છે, એટલે સર્વથા પુનરાવૃત્તિ તો નથી જ. એ વર્ણન રસાત્મક છે કે નીરસ એ પરત્વે તજ્ઞો જે મત આપે તે ખરો.