________________
ભક્તામર સ્તોત્રનો રચનાસમય
અને સર્જનકશા
શ્રી માનતુંગસૂરિજીના સમયના વિષયમાં વિવિધ મતમતાંતરો પ્રવર્તે છે. વિદ્વાનો હજી સુધી કોઈ એક નિર્ણય પર નથી પહોંચી શક્યા કે તેઓ કયા રાજાના સમયમાં થયા અને તેમના સમકાલીન કવિઓ કોણ હતા ? વિદેશી વિદ્વાન શ્રી ક્વેકનબોઝે શ્વેતામ્બર પટ્ટાવલીઓના આધાર પર તેમનો સમય ઈ. સ. ૩૦૦ કે તેની આસપાસનો માની લીધો હતો. પરંતુ જે કિંવદંતીઓ એમને ઉજ્જયનીના રાજા ભોજના સમકાલીન માને છે તે તેમને ૧૧મી સદીના પૂર્વાર્ધમાં થયા હશે તેવું બતાવે છે. કારણ કે ભોજનો સમયકાળ ૧૧મી સદીના પૂર્વાર્ધ છે.
ભોજરાજાના સમકાલીનતાના સંદર્ભમાં જોઈએ તો ભોજ નામના ઘણા રાજાઓ થયા છે. ભારતીય કથાઓમાં વિક્રમાદિત્ય અને ભોજને સંસ્કૃત કવિઓના આશ્રયદાતા અને સંસ્કૃત સાહિત્યના કવિ-લેખક માન્યા છે.
ભારતીય ઇતિહાસમાં જોવા મળે છે કે હર્ષ પછી તેના યશસ્વી, પુત્ર મુંજે ઈ. સ. ૭૪, વિક્રમ સંવત ૧૦૩૧માં માલવની રાજગાદી સંભાળી તે મહાન યોદ્ધો તો હતો સાથે સાથે કલાસાહિત્યનો સંરક્ષક પણ હતો. તેણે ધારા નગરીમાં અનેક તળાવો ખોદાવ્યાં હતાં. તેની સભામાં પદ્મગુપ્ત, ધનંજય, ધનિક અને હલાયુધ જેવા ખ્યાતનામ સાહિત્યકારો હતા. મુંજ પછી સિંધુરાજ ગાદી પર આવ્યો. તેનો શાસનકાળ અલ્પ હતો. તેના પછી તેનો પુત્ર પરમારરાજ ભોજ ઈ. સ. ૧૦૦૮માં ગાદી પર આવ્યો. આ રાજકુળનો સર્વશક્તિમાન અને યશસ્વી રાજા હતો. ભોજ પણ વિદ્યારસિક રાજા હતો.