________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 235 જગતના જીવો સૂર્યનો ઉદય થતાં પ્રકાશ મેળવી શકે છે અને સૂર્ય અસ્ત થતાં સર્વત્ર અંધકાર ફેલાઈ જાય છે. અસ્ત પામ્યા પછી રાત્રિના સમયમાં સૂર્ય પ્રકાશ પાથરી શકતો નથી. એટલે કે સૂર્ય અંધકારનો નાશ થોડા સમય પૂરતો જ કરી શકે છે. પરંતુ હે પ્રભુ ! કેવળજ્ઞાનરૂપી સૂર્ય આપનામાં ઉદય પામેલો છે. તે કદી અસ્ત પામતો નથી, કારણ કે સર્વજ્ઞ જ્ઞાનરૂપી કેવળજ્ઞાન પૂર્ણ સ્વરૂપે પ્રભુને પ્રાપ્ત થયેલું છે. તેથી તેનો અભાવ થતો નથી. તેથી પ્રભુનું પ્રકાશમાન થવું શાશ્વત છે, નિત્ય છે અને ધ્રુવ સમાન અવિચલિત છે. એટલે કે કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી જ્ઞાનાવરણીયરૂપ ઘાતી કર્મનું આવરણ રહ્યું નહિ તેથી તેના ઉદય અને અસ્તનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આથી જ તે શાશ્વત સૂર્ય છે. એકવાર પ્રભુના તેજરૂપી સૂર્યએ અંધકારનો નાશ કર્યો ત્યાં ક્યારેય પણ અજ્ઞાનરૂપી અંધકાર ફરીથી વ્યાપી શકતો નથી. એટલે કે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ફરીથી થતો નથી અને રાત્રિના અંધકારરૂપ અજ્ઞાનતાના વમળમાં પ્રભુરૂપ સૂર્ય અટવાતો નથી તથા અસ્ત પામતો નથી, સદાય ઉદય પામેલો રહી પ્રકાશ ફેલાવતો રહે છે.
રાહુના ગ્રહણથી સૂર્ય ગ્રસિત થાય છે. અમુક-અમુક સમયે રાહુ વડે તેનું ગ્રહણ થાય છે. અર્થાત્ સમયે-સમયે રાહુ નામનો ગ્રહ સૂર્યને ગળે છે જેને સૂર્યગ્રહણ તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. જ્યારે જ્યારે રાહુ – સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે ત્યારે સૂર્યગ્રહણ થયું તેમ કહેવાય છે. આવા સમયે સૂર્ય સાવ નિસ્તેજ બની જાય છે અને પૃથ્વી ઉપર અંધકાર છવાઈ જાય છે. સૂરિજી કહે છે કે શ્રી જિનેશ્વરદેવને રાહુ ગ્રસી શકતો નથી. તેમણે મોહકર્મને ક્ષીણ કરી દીધાં છે તેથી દુષ્કૃત્યરૂપ રાહુ તેમને ગ્રસી શકતો નથી. ગ્રહનો પ્રભાવ પડે છે પણ તે ત્યારે જ શક્ય છે કે ભીતર આત્મામાં કોઈ મોહકર્મરૂપ કાળાશનું આવરણ હોય. પરંતુ પ્રભુએ તો બધાં જ ઘાતી કર્મનું વિલોપન કર્યું છે, તેથી રાહુગ્રાસનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આથી તેઓ હંમેશાં ઉજ્વળ, કાંતિમાન અને સંપૂર્ણ પ્રકાશિત હોય છે. તાત્પર્ય કે પ્રભુએ મોહનીય કર્મનો ઘાત કરી દીધો છે તેથી કોઈ પણ રાહુ તેમને ગ્રસી શકતો નથી.
આકાશમાં ઘનઘોર વાદળ ઘેરાઈ વળે તો સૂર્યનો પ્રકાશ રૂંધાઈ જાય છે. આ સૂર્યના પ્રકાશને રૂંધનારું રાહુ પછીનું બીજું તત્ત્વ છે. ઘણી વાર વર્ષાઋતુમાં દિવસો સુધી આકાશમાં વાદળાં છવાયેલા હોય છે. ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર પૂર્ણ રીતે પહોંચી શકતો નથી. અર્થાત્ વાદળાં વડે સૂર્યનો પ્રકાશ આચ્છાદિત થઈ જાય છે. હે પ્રભુ ! આપ તો અનિરુદ્ધ છો. આત્મા પર લાગેલાં કર્મના આવરણરૂપી વાદળોનો અંશ માત્ર આપના તેજને રોકી નથી શકતો. અર્થાત્ પ્રભુ સર્વદા કર્મરહિત છે. તેમનો તેજરૂપી સૂર્ય ત્રણે લોકને શાશ્વત પ્રકાશિત કરે છે.
સૂર્ય ત્રણે લોકને એકસાથે પ્રકાશિત નથી કરી શકતો, તેથી જ લોકના કેટલાક વિભાગમાં દિવસ તો કેટલાક વિભાગમાં રાત્રિ હોય છે. આ ઉપરાંત સૂર્યનો પ્રકાશ સૃષ્ટિના દરેક વિભાગમાં પૂર્ણપણે પહોંચી શકતો નથી. કેટલાક વિભાગમાં છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ હોય છે. જ્યારે શ્રી જિનેશ્વરદેવનો પ્રભાવસૂર્ય સમગ્ર લોકાલોકને એકસાથે જ પ્રકાશિત કરે છે.
ડૉ. સરયૂ મહેતા લખે છે કે, “સૂર્ય જેમ ગંદકી, રોગ અંધકાર વગેરે અનિષ્ટોને દૂર કરવાનું