________________
ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ 507 પાદપૂર્તિરૂપ છે. તેમાં ઘણાખરા કવિઓએ મૂળ ભક્તામરનું ચતુર્થ ચરણ લઈને પાદપૂર્તિ કરેલી છે, તો કોઈએ પ્રથમ ચરણ લઈને પણ પાદપૂર્તિ કરેલી છે. ભક્તામર સ્તોત્ર'ને આધાર રાખી પાદપૂર્તિરૂપ જે કાવ્યો રચાયાં છે તેની સંખ્યા પણ આશ્ચર્યકારક છે. તેમાંથી વીર-ભક્તામર' અને નેમિ-ભક્તામર' પાદપૂર્તિરૂપ કાવ્યો આ પ્રમાણે છે. (૧) વીર-ભક્તામર
ખરતરગચ્છીય શ્રી વિજયહર્ષવાચકના શિષ્ય શ્રી ધર્મવર્ધનગણિએ વિક્રમ સંવત ૧૭૩૬માં ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ ૪૪ પદ્યવાળા આ કાવ્યની રચના કરેલી છે. આ કાવ્યોનો પ્રારંભ રાજયદ્ધિવૃદ્ધિ પદથી થતો હોવાથી તેના કર્તા તેને રાજયદ્ધિવૃદ્ધિ સ્તોત્ર' એ નામથી ઓળખાવે છે. આમ કરવામાં તેમણે ઉવસગ્ગહરસ્તોત્ર નમુર્ણ-સ્તોત્ર, સંસાર-દાવાનલની સ્તુતિ, ભક્તામર સ્તોત્ર, કલ્યાણમંદિર સ્તોત્ર આદિ નામો રાખવામાં જે હેતુ સમાયેલો છે તેનું અહીં અનુકરણ કર્યું હોય એવું લાગે છે. પરંતુ પાદપૂર્તિરૂપ કાવ્યનો વિષય શ્રી વીરપ્રભુનું ચરિત્ર હોવાથી તે “શ્રી વીર-ભક્તામર'ના નામથી પ્રસિદ્ધ થયેલ છે. આ કાવ્ય પર સ્વોપજ્ઞ ટીકા છે.
આ પાદપૂર્તિરૂપ કાવ્ય વીરપ્રભુના જીવનના મહત્ત્વના પ્રસંગો પર પ્રકાશ પાડે છે. આ કાવ્યમાં વીર પ્રભુના પૂર્વના ર૭ ભવો, તેમના વર્ધમાન નામની સાર્થકતા, વીર પ્રભુની બાલક્રિીડા વખતનું અલૌકિક પરાક્રમ, તેમનો નિશાળપ્રવેશનો પ્રસંગ પ્રભુએ દીક્ષા લીધી તે પૂર્વે તેમણે કરેલું સાંવત્સરિક વરસીદાન, તેમણે ચંડકૌશિકને કરેલો પ્રતિબોધ, ગૌશાળક ઉપર તેમણે શીતલેશ્યા મૂકીને કરેલો ઉપકાર, સંગમે કરેલા ઉપસર્ગોને ધૈર્યપૂર્વક સહન કરવાની શક્તિ, પ્રભુએ પ્રાપ્ત કરેલું કેવલજ્ઞાન, તેમનો ઉપદેશ-મહિમા, તેમની વાણીની મધુરતા, તેમનું અસાધારણ રૂપ, તેમની ભામંડળ આદિ વિભૂતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ વીર-ભક્તામર કાવ્ય શ્રી માનતુંગસૂરિએ રચેલા ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય હોવાથી તે સ્તોત્ર પણ વસંતતિલકા છંદમાં રચવામાં આવ્યું છે તેમજ આ કાવ્યમાં પાદપૂર્તિરૂપ અલંકારનું સ્થાન મુખ્ય છે. આમાં કર્તાએ અર્થાન્તરન્યાસ, વ્યતિરેક વગેરે અલંકારોનો પ્રયોગ પણ કર્યો છે. સાથે-સાથે અવ્યય, ઉપમાન અને ઉપમેય બંને લાગુ પડતાં પદોથી આ કાવ્ય અલંકૃત થયેલું છે.
આ સ્તોત્રના રચનાકાર શ્રી ધર્મવર્ધનગણિએ શ્રેણિક ચતુષ્પદી, લબ્ધિસ્વાધ્યાય, ચતુર્દશગુણસ્થાન વિચારગર્ભિત સુમતિજિનસ્તવન, સુરસુંદરીરાસ આદિ બીજી કૃતિઓ પણ રચી છે. (૨) શ્રી નેમિ-ભક્તામર
પૂર્ણિમા ગચ્છના શ્રી મહિમાપ્રભસૂરિના શિષ્યવર્ય શ્રી ભાવપ્રભસૂરિજીએ વિક્રમ સંવત ૧૭૮૪માં ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે આ કાવ્ય સ્વોપજ્ઞ ટીકા સહિત રચેલું છે. તેઓનું સૂરિપદ પૂર્વેનું નામ “ભાવરત્ન' હતું. પાછળથી જ્યારે તેઓ સૂરિપદ પામ્યા ત્યારે તેમનું ભાવપ્રભ' નામ રાખવામાં આવ્યું હતું.