________________
514 ભક્તામર તુલ્ય નમઃ |
આ ભક્તામર સ્તોત્રનું પઠન શુદ્ધ ઉચ્ચારથી જ થવું જોઈએ. શબ્દોનાં આંદોલનો વ્યવસ્થિત હોય તો તેનો લાભ મળે છે. આવી રીતે પઠન થતું હોય છે તેના લાભ છે, પરંતુ અલ્પ છે. અર્થસહિત સ્તોત્ર શીખવું તે જરૂરી છે. અર્થનું જ્ઞાન મળે પછી પ્રત્યેક શ્લોકનો ઉચ્ચાર કરતી વખતે અર્થને સ્મરણમાં લાવવો જોઈએ. તેનો ઘણો લાભ છે, અને તેનાથી કોમળ ભાવો જાગ્રત થાય છે. સંગીતના સૂરોમાં ગાન થાય તો તેમાં માધુર્ય ભળે છે અને ભાવો વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે ભક્તામર કે કોઈ પણ સ્તોત્રનું પઠન થવું જોઈએ, તેવો આદર્શ દરેક ભક્તના હૃદયમાં હોવો જોઈએ.
આ સ્તોત્રમાં દરેક શ્લોકનો અર્થ સ્પષ્ટ કરવા માટે ઘણાં સચિત્ર પુસ્તકોમાં તેનું અનુરૂપ ચિત્ર આપવામાં આવ્યું છે. આ ચિત્રનો ધ્યાન માટે ઉપયોગ થઈ શકે છે. મનમાં ચિત્રની કલ્પના કરવી તે કલ્પનાશક્તિનો પ્રયોગ છે. કલ્પના કરીને મન સમક્ષ ચિત્ર લાવી શકાય, તો ચિત્રનો ભાવ ઉત્પન્ન થાય જ છે. દીર્ઘ કાળના પ્રયાસથી કલ્પનાશક્તિ જાગ્રત થતાં ચિત્ર ખરેખર મન સમક્ષ ઊપસી આવે છે. પરંતુ સાધના માટે તેમ થવું જરૂરી નથી. સાધકે શ્રી આદિનાથ ભગવાનનું ચિત્ર મન સમક્ષ કલ્પને સ્તોત્ર બોલવું જોઈએ. શત્રુંજય ઉપર દાદાના દરબારમાં આપણે આ સ્તોત્ર દાદા સમક્ષ ગાઈ રહ્યાં છીએ તેવું ભાવચિત્ર ઊભું કરવું જોઈએ. આ સાધનાનો પ્રારંભ છે. પ્રત્યેક શ્લોકનું અલગ ભાવચિત્ર ઊભું થઈ શકે છે. મનમાં શ્લોકની સાથે તેનો અર્થ, તે અર્થને સ્પષ્ટ કરતું સ્તોત્રમાં આપવામાં આવેલાં વિવેચનોના આધાર લઈને મનમાં થતું અર્થચિંતન, તેને અનુરૂપ કોમળ ભાવોનો ઉદય તથા તે અર્થનું ભાવચિત્રમાં સંકલન થવું એટલે કે, સાધકે પોતાની જાતને ભૂલીને, સ્તોત્રમાં તન્મય થવું તે સાધનાનો આદર્શ છે.
સાધનામાં પ્રત્યેક શ્લોકમાં રહેલો સ્તુતિનો ભાવ અને શબ્દશક્તિ તથા ભાવચિત્ર નિર્માણ કરવાની શક્તિ આપણામાં રહેલી સુષુપ્ત ચિંતન કરવાની શક્તિને જાગ્રત કરે છે અને ચિત્તને ભાવનામાં એકાગ્ર કરે છે. પ્રત્યેક જીવના ઊંડાણમાં અને ગુપ્ત આત્મવિકાસ કરવાની ઝંખના પડેલી છે જેને અભીપ્સા કહેવાય છે. અભીપ્સાનું મંદ ફુરણ થાય ત્યારે ભક્તિનો ઉદય થાય અને સ્તોત્રપઠન કરવાની ઇચ્છા જાગે છે. આત્મવિકાસની એક યોજના આપણા માટે પ્રત્યેક જન્મમાં નિર્માણ થયેલી હોય છે તે વિશિષ્ટ અને આપણા સ્વભાવને અનુરૂપ હોય છે. પરંતુ અજ્ઞાનને વશ હોવાથી સાધના કર્યા વગર તે આપણાથી જાણી શકાતી નથી. પરંતુ કોઈ અજ્ઞાત પ્રેરણા આપણી પાસે વિકાસ માટે છૂટાછવાયા અધૂરા પ્રયાસો કરાવે છે. મંદ ઇચ્છા બળ ગ્રહણ કરે એટલે આતુરતા અને આતુરતામાં રહી ન શકાય તેવી પ્રભુમિલનની ઝંખનામાં પરિણમે છે. આ ઝંખના ઉત્કૃષ્ટ બને ત્યારે ભક્તિ કરનાર પવિત્ર થઈને ખરો ભક્ત બને છે. આતુરતા એ ભાવ છે, પ્રાર્થના એ તેની ભાષા છે. પ્રાર્થનામાં આપણા મનની ઊંડી ઇચ્છા એટલે કે પ્ર-અર્થ-ના આપણે પ્રભુને જણાવીએ છીએ. આ સ્તોત્ર આ દૃષ્ટિએ પ્રભુજી સાથે અંતરવાણીમાં થયેલો વાર્તાલાપ છે – પ્રાર્થના છે. તે આપણા માટે આવો વાર્તાલાપ, આપણી ભાષામાં, આપણી રીતે, આપણી કાલીઘેલી ભાષામાં કરવા માટેની પ્રેરણા અને સાધના છે. ભાવચિત્ર નિર્માણ કરીને તેમાં