________________
282 ભક્તામર તુલ્ય નમઃ || શિખા એટલે અગ્રભાગ, વિચિત્ર એટલે વિવિધ પરમાર્થના. આ શબ્દોની વ્યાખ્યાથી અભિપ્રેત છે કે મણિપુર ચક્ર જે નાભિમાં સ્થિર છે ત્યાંથી ભાવોનાં વિવિધ વિશેષ કિરણો પ્રકાશિત થઈને ઉપર તરફ આરોહણ કરે છે. આ કિરણોનો આગળનો ભાગ હૃદયને સ્પર્શીને સમગ્ર ચેતનામાં ફેલાઈ જાય છે. આવું આ ભક્તિભાવનું સિંહાસન જે નાભિમાં સ્થિર છે એના ઉપર ભક્તાત્મા પરમાત્માને સ્થાપિત કરે છે. હે પરમાત્મા ! આ રીતે આવા ભાવ-આસન ઉપર આપના બિરાજવાથી મારું નાભિમંડળરૂપ સિંહાસન અત્યંત સુશોભિત થઈ રહ્યું છે. હવે અહીંયાંથી નીકળનાર વિવિધ ભાવનાઓવાળાં કિરણો આપમય થઈને સંપૂર્ણ ચેતનામાં વ્યાપી રહ્યાં છે. પ્રભુ! સંપૂર્ણ આત્મપ્રદેશ પવિત્ર થઈ રહ્યો છે.
નાભિમાં મણિપુર ચક્ર સ્થિર છે અને ત્યાં ભક્તકવિ સૂરિજી પ્રભુને સ્થાપિત કરે છે. હવે અહીંયાથી નીકળનારાં કિરણો હૃદયને સ્પર્શીને આખા શરીરમાં ફેલાઈ રહ્યાં છે. જેના કારણે છે પ્રભુ ! મારામાંથી અજ્ઞાનરૂપી અંધકાર, પાપનાશ પામી રહ્યો છે અને સંપૂર્ણ આત્મપ્રદેશ પવિત્ર થઈ રહ્યો છે. પ્રભુને પોતાના સિંહાસન પર બિરાજમાન કરીને ભક્તાત્મા પ્રભુની દેશના સાંભળીને તે દ્વારા પોતાનાં કર્મો નાશ પામીને તે જીવો વિશેષ શોભાયમાન બને છે.
શ્રી જિનેશ્વરદેવ અશોકવૃક્ષ નીચે રત્નજડિત સિંહાસન પર બેસીને સમવસરણમાં દેશના આપે છે. તેથી અહીંયાં અષ્ટ મહાપ્રતિહાર્યમાંથી સિંહાસન પ્રતિહાર્યનું વર્ણન કરેલું છે.
શ્રી આદિનાથ ભગવાનના શરીરનો વર્ણ સુવર્ણ જેવો પીળો હતો. વર્તમાન અવસર્પિણી કાળમાં ચોવીશ તીર્થકરોમાં પદ્મ પ્રભુ અને વાસુપૂજ્ય સ્વામીના દેહનો વર્ણ રાતો હતો. ચંદ્રપ્રભુ અને સુવિધિનાથના દેહનો વર્ણ શ્વેત હતો. મલ્લિનાથ અને પાર્શ્વનાથના દેહનો વર્ણ નીલો એટલે વાદળી હતો. મુનિસુવ્રત અને નેમનાથના દેહનો વર્ણ શ્યામ હતો. અને બાકીના સોળ તીર્થકરોના શરીરનો વર્ણ સુવર્ણ જેવો પીળો હતો. શ્લોક ૩૦મો
कुन्दावदातचलचामरचारुशोभं, विभ्राजते तव वपुः कलधौतकान्तम् । उद्यच्छशाङ्कशुचिनिर्झरवारिधार
मुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ।।३०।। શોભે રૂડું શરીર પ્રભુજી સ્વર્ણ જેવું મજાનું વિંઝે જેને વિબુધ જનતા ચામરો એમ માનું દીસે છે જે વિમળ ઝરણું ચંદ્ર જેવું જ હોય, મેરુ કેરા શિખર સરખું સ્વર્ણ રૂપે ન હોય ? (૩૦)