________________
238 ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
મુખનું ચડિયાતાપણું સાબિત કરે છે. બંને દૃષ્ટાંતોનો એક જ વિષય છે - ભગવાનની સર્વજ્ઞતા અને વીતરાગતા.
સૂર્ય અસ્ત થતાં ચંદ્ર રાત્રિના સમયે પોતાની શીતળ ચાંદની સાથે આછો પ્રકાશ ફેલાવવા માટે સર્વપ્રિય છે. સૂર્યના ઉગ્ર સ્વરૂપ કરતાં ચંદ્રની સૌમ્યતામાં સર્વજનો તેની ચાંદનીની શીતળતાનો આહ્લાદ માણી શકે છે. ચંદ્રનું કાર્ય જ હળવો પ્રકાશ અને શીતળ ચાંદની પ્રસરાવવાનું છે. ચંદ્રની શીતળ ચાંદની વાતાવરણને ખુશનુમા બનાવે છે. તેથી તે દરેક જણને પ્રિય છે. અહીં સૂરિજીએ પ્રભુના મુખને ચંદ્રમાની ઉપમા આપી છે. કારણ પ્રભુના મુખરૂપી ચંદ્ર પણ એવી જ શીતળતા ફેલાવવા માટે સર્વ પ્રિય થયેલ છે. પ્રભુ દરેક પ્રકારના કષાયો રાગ-દ્વેષ-મોહ-માયા-લોભ આદિનો નાશ કરી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવે છે. આ કાર્ય એવી સૌમ્ય અને શીતળતાથી કરે છે કે તેનું સ્તવન, સ્તુતિ કરનાર સાધકના મનમાં ચંદ્રની ચાંદનીની શીતળતા કરતાં વધુ શીતળતા છવાઈ જાય છે. અર્થાત્ પ્રભુની શીતળતા ચંદ્રની શીતળતા કરતાં વધુ ઉત્કૃષ્ટ કક્ષાએ છે તેનું નિરૂપણ અહીંયાં સૂરિજીએ કર્યું છે.
સૂરિજી કહે છે કે, હે પ્રભુ ! તમારા મુખકમલને મુખમંડલને હું એક અલૌકિક ચંદ્રમાની ઉપમા આપું તો યોગ્ય ગણાશે. કારણ કે લૌકિક ચંદ્રમા તો ઉદય પામે છે અને અસ્ત થાય છે. જ્યારે તમારો મુખરૂપી ચંદ્રમા નિત્ય ઉદિત રહે છે. વળી લૌકિક ચંદ્રમા સામાન્ય અંધકારનો નાશ કરે છે, જ્યારે તમારો મુખરૂપી ચંદ્રમા મિથ્યાત્વરૂપી મહાઅંધકારનો નાશ કરે છે. લૌકિક ચંદ્રમાની કાંતિ પૂર્ણિમા પછી ઓછી થતી જાય છે, ત્યારે તમારો મુખરૂપી ચંદ્રમા સદા પૂર્ણિમાની કાંતિ ધારણ કરે છે. વળી લૌકિક ચંદ્રને રાહુ પોતાના મુખથી ગળી જાય છે, ત્યારે તમારો મુખરૂપ ચંદ્રમા રાહુથી ગળી શકાય એવો નથી. લૌકિક ચંદ્રનો પ્રકાશ વાદળાંઓથી પરાભવ પામે છે, ત્યારે તમારા મુખરૂપી ચંદ્રનો પ્રકાશ વાદળાંઓથી પરાભવ પામતો નથી. તે જ રીતે લોકિક ચંદ્રમા વિશ્વના અમુક ભાગને પ્રકાશ આપે છે, ત્યારે તમારો મુખરૂપી ચંદ્રમા સમસ્ત વિશ્વને પ્રકાશ આપે છે આ રીતે હે પ્રભો ! તમારું મુખકમલ અલૌકિક ચંદ્રમાની શોભાને ધારણ કરે છે.
સૂરિજીએ પ્રભુના મુખને ચંદ્રમાની ઉપમા આપી છે. શરીરની અંગરચના જોઈએ તો, બધા અંગોમા મુખાકૃતિ એ મુખ્ય અંગ છે. માનવીની મુખાકૃતિ તેમજ તેના હાવભાવથી તેના મનમાં ચાલતા ભાવોની – ચારિત્રની જાણ થઈ શકે છે. નિર્દય-ક્રૂર જીવોની મુખાકૃતિ રૌદ્ર, ભયંકર અને બિહામણી હોય છે. જ્યારે દયાળુ, દાની, કરુણાસાગર અને જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધરાવનાર માનવીની મુખાકૃતિ સૌમ્ય-સરળ અને શાંતરસવાળી હોય છે. જેનો પ્રભાવ સામેની વ્યક્તિ પર પડે છે. પ્રભુની મુખાકૃતિ આવી જ હોય છે.
ભગવાને મોક્ષ માર્ગની આરાધના દરમ્યાન ‘સવિ જીવ કરું શાસન રસી' જેવા ઉત્કૃષ્ટ ભાવોથી બાંધેલ તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે છે અને તે દ્વારા સુંદર-મ્ય શાંતરસરૂપ મુખાકૃતિ હોય છે. સર્વ ઘાની અઘાતી કર્મનો નાશ થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તીર્થંકર નામપ્રકૃતિના