________________
જિનભક્તિ
59
તપ, ત્યાગ, સંયમ, વૈરાગ્ય, દાન, દયા આદિ ગુણોનું પ્રાગટ્ય થાય છે. જેવી ભાવના તેવી સિદ્ધિ' અથવા તમે જેવી ભાવના ભાવો તેવી તમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી જિનેશ્વરદેવના ગુણોનું સતત મનન-ચિંતન કરવાથી ભક્તિ કરનાર ભક્તના હૃદયમાં પણ તેવા જ ગુણો પ્રકટવા લાગે છે. તાત્પર્ય કે આત્મા પરમાત્મા સ્વરૂપને જિનભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકે છે. આમ આત્માનો આધ્યાત્મિક વિકાસ સાધવા માટે જિનભક્તિ જેવું બીજું કોઈ ઉત્તમ સાધન નથી. આવી જિનભક્તિની પરિભાષા વિવિધ વિદ્વાનોએ આ પ્રમાણે આપી છે.
ભક્તિ શબ્દની વ્યાખ્યા જુદે જુદે સ્થળે જુદા જુદા સંદર્ભોમાં જુદી જુદી ક૨વામાં આવી છે. 'મન્' ધાતુથી ‘વિન્તર્’ પ્રત્યય આવવાથી ભક્તિ શબ્દ નિષ્પન્ન થાય છે. મણ્ ધાતુનો અર્થ છે સેવા કરવી, એટલે ભક્તિનો અર્થ છે સેવા.’
જેની સેવા કરવાની હોય તેના પ્રત્યે પ્રેમ હોય ત્યારે જ સાચી સેવા થાય છે. અર્થ કલ્પલતાવૃત્તિ'માં જણાવ્યા અનુસાર......
'મì: આન્તપ્રીતે:' ।
અર્થાત્ અહીં ભક્તિનો અર્થ આંતરપ્રેમ કરવામાં આવ્યો છે.
શાંડિલ્યસૂત્ર ભાષ્યમાં જણાવ્યું છે કે, “ઈશ્વ૨માં ૫૨મ અનુરાગ તે જ ભક્તિ. તે ઈશ્વરમાં પર એટલે સર્વોત્કૃષ્ટ જે અનુરાગ, જેને પ્રીતિ કહેવાય તેવો અનુરાગ. અતિ નિર્ભર એટલે બીજા રાગોનું વિસ્મરણ કરાવનાર તેમજ તેમના માહાત્મ્યના જ્ઞાનપૂર્વકનો સ્નેહ તે ભક્તિ છે.”
ગુણોના બહુમાનથી હૃદયમાં ઉત્પન્ન થતા પ્રીતિરસને ‘ભક્તિ' શબ્દથી દર્શાવવામાં આવે છે કે જે ગુણજન્ય પ્રીતિ હોય છે. તેમાં કોઈ જ સ્વાર્થ કે અન્ય બીજું કોઈ કારણ હોતું નથી.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પ્રાકૃત વ્યાકરણમાં, ભક્તિને જ શ્રદ્ધા કહી છે.'
અર્થાત્ શ્રી જિનેશ્વરદેવમાં રહેલી શ્રદ્ધા, નિષ્ઠા જ ભક્તિ છે. પ્રભુમાં રહેલી શ્રદ્ધા જ તેમની ભક્તિ કરવા માટેનું એક સાધન છે.
આચાર્ય પૂજ્યપાદ ભક્તિની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનમાં ભાવવિશુદ્ધિ યુક્ત અનુરાગ જ ભક્તિ છે.”
અરિહંત–આચાર્ય, કેવળી ભગવંતો પ્રત્યે તેમ જ પ્રવચનમાં ભાવશુદ્ધિ સાથે અનુરાગ હોય તો જ તે ભક્તિ છે. ભક્તિ સાથે અનુરાગ આવશ્યક છે. અનુરાગ વગર ભક્તિ શક્ય નથી. આમ શ્રદ્ધા પછી અનુરાગ પણ ભક્તિનું આવશ્યક સાધન છે.
અનુરાગ યુક્ત ભક્તિ વિશે ‘હરિભક્તિરસામૃતસિંધુ'માં લખ્યું છે કે, “ઇષ્ટમાં ઉત્પન્ન થયેલા સ્વાભાવિક અનુરાગને જ ભક્તિ કહેવાય છે.''