________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ આમ રામચંદ્રસૂરિએ અલંકારોને મહત્ત્વ આપતાં વિરોધ, ઉપમા, દૃષ્ટાંત, અર્થાન્તરન્યાસ, વ્યતિરેક, અપહનુતિ વગેરે અલંકારો ગર્ભિત દ્વાત્રિંશિકાઓની રચના કરી, તેમના પછી થયેલા કવિ આસડ, મંત્રી પદ્મ તથા ધર્મઘોષસૂરિ આદિએ આ જ અલંકારપ્રવાહને વધારે વિકસિત કર્યો.
܀
109
(૨૧) જિનવલ્લભસૂરિ : વિક્રમની ૧૨મી સદીમાં થયેલા જિનવલ્લભસૂરિએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ૧૦૦ જેટલાં સ્તોત્રો રચ્યાં છે. તેમાં ‘પાર્શ્વનાથ સ્તવન', ‘પંચ કલ્યાણક સ્તોત્ર’, ‘વીર સ્તોત્ર’, ‘સ્તોત્ર પંચક’, ‘ચતુર્વિંશિકા જિન-સ્તુતિ’, ‘જિન વિજ્ઞપ્તિ’ ઇત્યાદિ ૧૦૦ જેટલા સ્તોત્રો રચ્યા છે.
ડૉ. જ્યોતિપ્રસાદ જેને જગવલ્લભસૂરિને ઈ. સ. ૧૧૧૦ના સમયનાં જણાવ્યા છે અને તેમની કૃતિઓમાં અજિત-શાંતિ લઘુસ્તવન’, ‘ભાવારિવારણ સ્તોત્ર’, ‘વીરસ્તવ’, ‘જિનકલ્યાણ સ્તોત્ર’ આદિને ગણાવ્યા છે.
પ્રાકૃતમાં ૨૦ શ્લોક પ્રમાણે પાર્શ્વનાથ સ્તવન તેમણે રચ્યું છે. તેનું ઉદાહ૨ણ આ પ્રમાણે છે. “જામ સામિ ! બહુભવવણેણ જમન્નાયા ક્યાઇ તુર્ગ । નાહં ના... પત્તો પત્તો પુણરુબભવો કિ ં ઇયરા ''
પાર્શ્વજિન સ્તોત્રમાં સ્રગ્ધરા છંદના નવ પદ્ય છે. તેમાં ભાવોને અનુરૂપ વર્ણાનુપ્રાસની છટા અને ન્યાત્મક પદાવલિઓનું નાદસોંદર્ય અનુભવી શકાય છે. જેમકે જેના નામમાત્રથી ત્રણેય જગતના ઉપદ્રવો શમી જાય છે તે પાર્શ્વનો મહિમા કવિએ આ સ્તોત્રમાં ગાયો છે.
જિનવલ્લભસૂરિનું પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પરનું આધિપત્ય તેમની રચનાઓમાં દૃષ્ટિગોચર થાય છે.
(૨૨) વસ્તુપાલ : રાજસ્થાન આબુમાં આવેલા વિખ્યાત વસ્તુપાલ-તેજપાલના દેરાસરો બંધાવનારા વસ્તુપાલ ૧૩મી સદીમાં થઈ ગયા. રાજપુરુષ હોવા છતાં તેમણે ઉત્કૃષ્ટ સ્તોત્રોની રચના કરી છે. શત્રુંજય ઉપર શ્રી આદિનાથ ભગવાનનાં દર્શન કરવાથી મળેલી પ્રેરણા રૂપે તેમણે સર્વપ્રથમ ૧૨ પદ્ય પ્રમાણવાળા ‘આદિનાથ સ્તોત્ર'ની રચના કરી. આ સ્તોત્રમાં મહાત્મા વસ્તુપાલે કવિ તરીકે ધાર્મિક વિષયોના પોતાના મનોરથો વ્યક્ત કર્યા છે. તેથી આ સ્તોત્રનું અપર નામ મનોરથમય' પણ છે.
વસ્તુપાલ વિરચિત ‘અમ્બિકા-સ્તવન’માં ૨૨મા તીર્થંક૨ શ્રી નેમિનાથ ભગવાનની શાસનદેવી અને તેમની જ્ઞાતિની કુલદેવી અમ્બિકાનું સ્તવન છે. તેમાં તેમણે દેવી અમ્બિકાને હિમાલયમાંથી જન્મેલી અને હેમવતી (શ્લોક ૧), પુરુષોત્તમ માનનીય (શ્લોક ૬) અને સરસ્વતી (શ્લોક ૯) જેવા જુદા જુદા સ્વરૂપે વર્ણવી છે. અહીં નવમા શ્લોકમાં તેમણે દેવી અમ્બિકા પાસે વરદાનની યાચના પણ કરી છે. અહીં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે ઉત્તરકાલીન દેવસમૂહમાં જૈન અને બ્રાહ્મણતત્ત્વોનું કેવા પ્રકારનું સંમિશ્રણ થતું હતું.