________________
જિનભક્તિઃ 65
‘ભાવસ્તવ' કહી છે.
શ્રાવકાચારમાં આચાર્ય વસુનન્દિએ જણાવેલ પૂજાના પ્રકાર જેવા જ સ્તવનના ઉપરોક્ત છ પ્રકાર જણાવવામાં આવ્યા છે.
મુનિશ્રી ચતુરવિજયજી શ્રી વિજયસિંહાચાર્યના ‘નેમિસ્તવ’ને સૌથી વધારે પ્રાચીન માને છે. શ્રી સિદ્ધસેન દિવાકરનું ‘પાર્શ્વનાથ સ્તવન’ અને ‘શક્રસ્તવ (ગદ્ય)' પણ પ્રાચીન છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ‘વીર સ્તવ’ અને બપ્પભટ્ટસૂરિના ‘સાધારણ જિન સ્તવન’ પણ બહુ પ્રસિદ્ધ સ્તવ છે. કવિ ધનપાલે સંસ્કૃત-પ્રાકૃતમય ‘વીર સ્તવ’ની રચના કરી છે. આવા અનેક સ્તવની રચનાઓ જૈન સાહિત્યમાં સમાવિષ્ટ થયેલી છે.
૪. વંદના
‘મૂલાચાર'માં વટ્ટકેર વંદનાની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “તપગુરુ, શ્રુતગુરુ, ગુણગુરુ, દીક્ષાગુરુ અને રાધિકાગુરુને આદર-સન્માનથી મન-વચન-કાયાની શુદ્ધિથી મસ્તક નમાવીને પ્રણામ કરવા તે વંદના છે.’’
આવશ્યક સૂત્રમાં ભગવાન મહાવીરના મુખ્ય શિષ્યોને નમસ્કાર કરવાને જ વંદના કહી છે.''
ભગવાનના મુખ્ય શિષ્ય ગણધર કહેવાતા હતા. તેઓ જ પ્રભુની દિવ્યધ્વનિના વ્યાખ્યાતા હતા. તેમને ગુરુ તરીકે સન્માનિત કરવામાં આવતા હતા. તે રીતે આવશ્યક સૂત્રમાં ગુરુને માટે અર્પિત નમસ્કારને વંદના કહી છે.
ઉત્તરાધ્યયનના ઓગણત્રીસમા વ્યાખ્યાનમાં પ્રો. હર્મન યકોબીએ લખ્યું છે કે, “ગુરુને શ્રદ્ધા અર્પિત કરવી તે જ વંદના છે.”
શ્રી ધીરજલાલ ટોકરશી શાહનું મંતવ્ય આ પ્રમાણે છે : “ગુરુને નમસ્કાર કરવા, ગુરુનું બહુમાન કરવું, એમના સમાગમથી આત્માને જાગ્રત રાખવો અને સુસ્તી, લાપરવાહી કે વિપરીત
રીતે તેમની ઉપેક્ષા ન કરવી તે જ વંદના છે.”
વિવિધ વિદ્વાનોએ વંદનાની વ્યાખ્યા જુદી જુદી આપી છે છતાં તેનો નિચોડ તો એ જ છે કે કોઈ પણ મહાપુરુષને મસ્તક નમાવીને નમસ્કાર કરવા તે જ વંદના છે. આવા આદરણીય હોય તે ગુરુ જ હોય. જેના સહવાસથી આત્માની ઉન્નતિ થાય છે.
અરિહંત-વંદના : શ્રી જિનેશ્વરદેવ, અરિહંત પરમાત્મા એ આચાર્ય ઉપાધ્યાય કે અન્ય સાધુજન દરેકના ગુરુ છે, તેથી જ જિનેશ્વરની ભક્તિમાં પણ વંદનાનો પ્રયોગ થયો છે. શ્રી હરિભદ્રસૂરિએ ભગવાનની સમક્ષ શુદ્ધ મન-વચન-કાયાથી નમવાને જ વંદના કહી છે.
સર્વના ગુરુને પંચાંગ પ્રણિપાતપૂર્વકના નમસ્કાર કરવામાં આવે છે તે વંદના છે. આવી વંદના