________________
473
'ભક્તામર સ્તોત્ર'માં મંત્ર – યંત્ર – તંત્ર અને અષ્ટકો આદિની ગણના થાય છે. જેનાચાર્યોનો મંત્રજપનો મુખ્ય હેતુ કર્મનિર્જરાનો હતો. જ્યારે બીજા લોકો ઐહિક ફળની આશાથી જ મંત્ર જપતા. જૈનોના મંત્ર તદ્દન પવિત્ર અને નિર્દોષ વિધિસાધ્ય હોવાથી મંત્રવાદ જૈન આચારોમાં વિકૃતિ ઉત્પન્ન કરી શક્યો નથી.
જૈન ગ્રંથકારોએ બે પ્રકારે મંત્ર અને વિદ્યાનો ભેદ બતાવ્યો છે. સ્ત્રીદેવતાધિષ્ઠિત તે વિદ્યા અને પુરુષાધિષ્ઠિત તે મંત્ર અથવા જેનો પાઠ કરવા માત્રથી જ કાર્યની સિદ્ધિ થાય તે મંત્ર અને જપ-હોમાદિવિધિ સાધ્ય તે વિદ્યા, એમ બે પ્રકારે મંત્ર અને વિદ્યાનો ભેદ જૈન ગ્રંથકારોએ બતાવ્યો છે.
વિદ્યા એ સ્ત્રીદેવીની ઉપાસના અર્થે છે, જ્યારે મંત્ર એ પુરુષ–દેવની ઉપાસના અર્થે છે. આવા મંત્ર કે વિદ્યાનું ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તેનું સતત મનન કરવામાં આવે છે. આ મનન કે જપ કેવી રીતે કરવો જોઈએ ? શ્રી રાજયશસૂરિ મહારાજ જણાવે છે કે “પુદ્ગલોની અનંતશક્તિ, સંકલ્પની મહાન શક્તિ અને આત્માની અનંત શક્તિ એક ધારામાં ગોઠવાય છે ત્યારે મંત્રો અગમ્ય અને અશક્ય કાર્ય કરી શકે છે.’૪
મંત્રશક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું કાર્ય સિદ્ધ થઈ શકે છે. આચાર્યોએ બનાવેલા એક એક અક્ષર મંત્ર સમાન હોય છે. આવા મંત્રનો પાઠ કરવાથી વાતાવરણની અંદર જે આંદોલનો ફેલાય છે. તેના પરિણામે એક વિશિષ્ટ પ્રકારની અસર ઉત્પન્ન થાય છે. અવધિજ્ઞાની દેવતાઓને પોતાના જ્ઞાનના કારણે સ્વર્ગમાં બેઠા બેઠા ખબર પડે છે કે કોઈ સાધક મંત્રનો પાઠ કરે છે અને મદદ માટે મને યાદ કરે છે. સાધકના યાદ કરતાં દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને સાધકની મનોવાંચ્છના પરિપૂર્ણ કરે છે.
ધર્મના બીજરૂપ મંત્ર છે. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અને જે માનવીનું મન સદાય સતત ધર્મમાં લીન હોય છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે.
જૈન શાસ્ત્રમાં મંત્રોનું અનાદિકાલથી પ્રચલન છે. મંત્રો ભક્તિ અને મુક્તિ, શ્રેય અને પ્રેયની સાધના–આરાધના કરી આપનારા હોવાથી જૈન શાસ્ત્રમાં ગૌરવભર્યું અને વિશિષ્ટ સ્થાન પામ્યા છે. તેથી કરીને કહેવાય છે કે જૈન આગમો જ મંત્રમય છે એવું વિધાન સત્ય પુરવાર થાય છે.
યંત્ર
જેટલા મંત્રો રચાયા છે તેટલાં જ યંત્રો પણ રચાયાં છે. ‘યમ્' ધાતુ અને ત્ર’ પ્રત્યય મળીને ‘યંત્ર' શબ્દ બન્યો છે. થમ્' એટલે સીમા અને ત્ર' એટલે રક્ષણ કરનાર. પ્રો. સી. વી. રાવળ યંત્રની વ્યાખ્યા આપતાં જણાવે છે કે યંત્ર ઇચ્છિત વસ્તુ આપે છે અને રક્ષણ પણ કરે છે. એક અર્થ એવો પણ થાય છે કે જે તેજ કે શક્તિઓનો પ્રાણોમાં સંચય થયેલો છે તેની વૃદ્ધિ કરવી તેને મુક્ત કરી યોગ્ય રસ્તે અને યોગ્ય રીતે વહેવા દેવી. યંત્ર શક્તિઓનો ભંડાર છે અને સાધક પોતાની સાધનાના બળ ઉપર તેમાંથી ઇચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.”પ