________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઈતિહાસ
શ્રી અરિહંત પરમાત્માનું નામ મહામંગલકારી છે. તેમની મૂર્તિ સ્વરૂપે થતી સ્થાપના પણ મંગલકારી છે. અર્થાત્ જિનમૂર્તિ એ સાધક માટેનું પુષ્ટ આલંબન છે. આ જિનમૂર્તિને સાક્ષાત્ જિનસ્વરૂપ માનીને તેની વિવિધ પ્રકારે ભક્તિ કરનારા ઘણા વિદ્વાનો થયા છે, અને ભક્તિ દ્વારા તેના ભાગ્યનાં દ્વાર ઊઘડ્યાં છે અને મોક્ષ રૂપે લક્ષ્મીને વરવાની ઉત્કૃષ્ટ સોપાનશ્રેણી તેમને લાધી છે.
ભક્તિનું મૂળ સ્વરૂપ સ્તોત્ર છે તે તેનું પ્રારંભિક રૂપ પણ છે, અને શાશ્વત સ્વરૂપ પણ છે. આ મહત્ત્વપૂર્ણ ઉપયોગિતા સમયની ગતિની સાથે ન ઓછી થઈ છે. અને ન થશે. જિનેશ્વરદેવનું વર્ણન કરતાં કાવ્યની રચના કરે છે તે જ ભાવભીના લલિત સ્તુતિ સ્તોત્રોનું રૂપ લઈ લે છે. આવી સ્તોત્રરચના, સ્તોત્રપાઠમાં મન-વચન-કાયાની એકાગ્રતા સ્વયંસિદ્ધ થાય છે. વિશેષ કરીને મન અને વચનની એકાગ્રતા સિદ્ધ થાય છે. કહેવામાં પણ આવ્યું છે કે જીભની સાર્થકતા એમાં જ છે, કે તે શ્રી જિનેશ્વરદેવની સ્તુતિમાં પ્રવૃત્ત રહે.
આચાર્ય સમન્તભદ્ર સ્તુતિ-સ્તોત્રને કુશળ પરિણામ લાવનાર, સુંદર ફળ આપનાર તરીકે વર્ણવતાં જણાવે છે કે,
સ્તુતિ સ્તોતુ સાધોઃ કુશલપરિણામાય સ સદા અવેન્યા વા સ્તુત્યઃ ફલમપિ, તતસ્તસ્ય ચ સતઃ ||૧૧૬ll"
જિનેશ્વરદેવના ગુણોના વર્ણનની સ્તુતિ કરતાં સ્તોત્રો હોય તે ઉત્તમ સ્તોત્ર બને છે. શ્રી હરિભદ્રસૂરિએ પંચાશકમાં સ્તવન સ્તોત્ર અંગે સુંદર વિવેચન કરેલું છે.