________________
256
।। ભક્તામર તુથ્થું નમઃ II
માને છે. આ મુનિજનો—જ્ઞાની પુરુષો જેમને મુક્તિ પામવી બહુ સરળ છે તેઓ પણ આપને પુરુષોત્તમ માને છે, તેનું કારણ એ છે કે હે પ્રભુ ! તમે સૂર્ય જેવી કાંતિવાળા અને સ્વપરપ્રકાશક છો. એટલે મોક્ષસુખ પામવું અને બીજાને પમાડવું બંને તમારા માટે સરળ છે. પ્રભુ ! તમે તમારા આત્માને પ્રકાશિત કર્યો છે અને અન્ય આત્માઓને પ્રકાશિત કરવાનો માર્ગ આપની પાસે છે. તાત્પર્ય કે સૂર્ય સમાન કાંતિને ધારણ કરનાર આપ સ્વયં દોષ રહિત છો અને અંધકાર પણ તમને સ્પર્શી શકતો નથી. અન્ય આત્માઓને પણ દોષ રહિત કરી, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી, તેનું નિજ સ્વરૂપ પ્રગટાવનાર પણ તમે જ છો. પ્રભુ તમે કેવળજ્ઞાન વડે અપૂર્વ પ્રકાશવંત છો, તેથી કોઈ પણ પ્રકારના મોહરૂપી કષાયો કે અંધકાર તમારી પાસે આવી શકે તેમ નથી. જેમ સૂર્યથી અંધકાર દૂર ને દૂર રહે છે તેમ આપને પણ અજ્ઞાનરૂપી અંધકાર સ્પર્શી શકતો નથી તેમ તમારા સાન્નિધ્યમાં આવનાર આત્માઓનો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે.
હે પ્રભુ ! તમારા આવા સામર્થ્યના કારણે તમારા ચરણના શરણમાં જે કોઈ આવે છે તે સહજતાથી મૃત્યુને જીતી શકે છે. તમારી ભાવભીની ભક્તિ કરનાર અંતઃકરણપૂર્વકની ઉપાસના ક૨ના૨ મૃત્યુને જીતી જાય છે. તે ભવભ્રમણની ભ્રમણામાંથી મુક્ત બનીને શાશ્વત સુખશિવપદને અવશ્ય પામી શકે છે. એટલે તમારા શરણમાં આવનાર, તમારા મોક્ષમાર્ગને અનુસરનાર આત્માના મલરૂપી ઘાતી-અઘાતી કર્મોનો સર્વથા ક્ષય થાય છે. અને મોક્ષગામી બન્યા પછી તેને જન્મ કે મૃત્યુ કશું જ રહેતું નથી તેથી જ આ સંસારની ભવભ્રમણામાંથી મુક્ત થવા માટે હે પ્રભુ ! તારું શરણું સ્વીકારવા જેવો બીજો કોઈ ઉત્તમ માર્ગ જણાતો નથી. અહીં સૂરિજીએ પ્રભુને ‘મુનીન્દ્ર' શબ્દથી સંબોધ્યા છે. પ્રભુને મુનીન્દ્ર શબ્દથી સંબોધીને સૂરિજી એમ કહેવા માગે છે કે, પ્રભુ પણ આ જ માર્ગ પર ચાલીને મોક્ષ પામ્યા અને તે પ્રમાણે અન્ય આત્માઓને ચાલવાની પ્રેરણા આપી, એટલે આવા જ માર્ગ પર ચાલવા માટેનો ઉપદેશ પ્રભુએ આપ્યો.
આચાર્યજીએ પ્રભુની ઉત્તમતા મોટા મોટા મુનિઓને અને સત્પુરુષોને પણ કેવી જણાઈ છે તે વર્ણવ્યું છે. એ દ્વારા પ્રભુનું વિશેષ મહાત્મ્ય પ્રગટાવ્યું છે, અને સાથે સાથે સર્વને સચોટ રીતે સમજાવ્યું છે કે તેમને પ્રભુ પ્રત્યે જે અનન્ય ભક્તિ પ્રગટી છે તે નિષ્કારણ કે અસ્થાને નથી. પણ પ્રત્યેક જીવે આદરવા યોગ્ય છે. જે કાર્ય મુનીન્દ્રો કરે તે જ કાર્ય કરવા તેઓ તત્પર બન્યા છે. માટે એ સ્તુત્ય છે. પ્રભુના પ્રભાવવાળી સ્તુતિ સજ્જનોને કેમ પ્રીતિનું નિમિત્ત બને છે તે અહીં સમજાય છે. પ્રભુની સ્તુતિથી જગતનાં દુઃખોનો નાશ થાય છે અને મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે અને એ દ્વારા પ્રભુને પમાય છે. પ્રભુને પામ્યા વિના મુક્તિ મળે નહિ અને ભક્તિ વિના પ્રભુ મળે નહિ, તેથી મુક્તિ માટે ભક્તિ આશીર્વાદરૂપ બને છે. વળી પ્રભુના પ્રભાવવાળી સ્તુતિ' એટલે એમ સમજાય છે કે પ્રભુ પ્રાપ્ત થયા છે. પ્રભુ પ્રાપ્ત થતાં દુઃખ દૂર ભાગે છે. તેથી જેને પ્રભુની પ્રાપ્તિ થઈ હોય તેણે રચેલી સ્તુતિ સજ્જનોને હર્ષનું નિમિત્ત
થાય છે.