________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 275 (૧) મિથ્યાત્વદૃષ્ટિ જીવો જેમણે ભગવાનને જોયા નથી એટલે કે ભગવાનના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણ્યું નથી. તેઓ માત્ર અર્થ (ધનાદિ) અને કામ (પાંચ ઇન્દ્રિયના વિષયો)ના પુરુષાર્થમાં મગ્ન રહી, પ્રાપ્ત વિષયોમાં અભિમાનપૂર્વક મદોન્મત્ત બની સ્વચ્છંદ તેમજ નિઃશંકપણે વિચારી રહ્યા છે અને તેના ફળસ્વરૂપ જન્મ-મરણરૂપ સંસારપરિભ્રમણ કરતાં દુઃખી થઈ રહ્યા છે.
(૨) સમ્યગુદૃષ્ટિ જીવો જેમણે ભગવાનને જોયા છે એટલે કે ભગવાનના સ્વરૂપને જેમણે જાણ્યું છે તેઓ ધર્મ અને મોક્ષના પુરુષાર્થમાં મગ્ન રહી શ્રાવકની પડિમાઓ તેમજ પરમેશ્વરી, જિનદીક્ષા ગ્રહણ કરી સામાયિકભાવની વૃદ્ધિ કરતાં અંતે જન્મ-મરણનો નાશ કરી અનંત સુખસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ કરે છે. ટૂંકમાં ભગવાને કહેલ ચાર પુરુષાર્થ (ધર્મ-અર્થ-કામ અને મોક્ષ) જીવના ભાવમાં (અંતરંગ પરિણામમાં જ રહેલા છે. બાહ્ય પદાર્થો પોતપોતાના દ્રવ્ય-ગુણપર્યાયમાં સ્થિર છે - જીવના પર્યાયમાં નહિ અને આ બધું પ્રયત્નથી સાધ્ય છે.
મિથ્યાત્વ દૃષ્ટિવાળા જે જીવો છે તેમણે પ્રભુના સમ્યગુ સ્વરૂપને જાણ્યું નથી. અર્થાત્ પ્રભુએ બતાવેલ મોક્ષમાર્ગનું વિધાન અને જ્ઞાન-દર્શનચારિત્રરૂપ વિધિ જાણી નથી. તેઓ ફક્ત અર્થપ્રાપ્તિ અને વિષયવાસનાના સંતોષ માટે પંચેન્દ્રિયના પુરુષાર્થમાં મગ્ન રહીને અભિમાનપૂર્વક અહીંતહીં મદોન્મત્ત હાથીની જેમ ભટકી રહ્યા છે તેઓ અનેક કર્મોનું ઉપાર્જન કરે છે. અનેક દોષોને પોતાની પાસે આશ્રય આપી રહ્યાં છે અને તેથી ફળશ્રુતિ રૂપે જન્મમરણરૂપ સંસારમાં ભવભ્રમણા કરતાં અથડાતાં-કૂટાતાં દુઃખી થઈ રહ્યા છે. આવા જીવો સ્વપ્નમાં પણ પ્રભુને જોયા નથી અને તેમણે ભવભ્રમણામાંથી મુક્તિ મેળવવાનો બનાવેલ માર્ગ પણ જાણતા નથી તેનું કારણ છે તેમનામાં રહેલા દોષો.
જ્યારે બીજા જીવો જેમણે પ્રભુના સ્વરૂપને જાણ્યું છે તેમને જોયા છે અર્થાતું પ્રભુએ કરેલ મોક્ષમાર્ગનું વિધાન જાણ્યું છે. અને તેમણે બતાવેલ જ્ઞાન-દર્શન-ચારિત્રની વિધિ જાણી છે તેઓ ધર્મ કરીને મોક્ષ મેળવવા માટે હંમેશાં પ્રવૃત્ત રહે છે. જેને મુનીન્દ્ર માનવામાં આવ્યાં છે તેવા જ્ઞાન-દર્શનચારિત્રના આદર્શ શ્રી જિનેશ્વરદેવનું શરણું સ્વીકારી ચારિત્ર ગ્રહણ કરી, કર્મોનો ક્ષય કરીને જન્મ-મરણરૂપ સંસારની ભવભ્રમણાનો ક્ષય કરી શાશ્વત સુખરૂપ મોક્ષને પામે છે.
સૂરિજીએ અહીં ગર્વ-અભિમાન શબ્દ પ્રયોજ્યો છે. આ ગર્વનું ખંડન કરવા, અભિમાનને ઉતારવા માટે શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ-સ્તવના કરવામાં આવે. તેના ગુણગાન ગાવામાં આવે તો તેનો નાશ થાય છે. અર્થાત્ અભિમાનને ઉતારવા માટે પ્રભુ-સ્તુતિ અતિ આવશ્યક અંગ છે અને આમ કરવું અતિ મહત્ત્વનું છે. કારણ કે અભિમાન દોષોને પોષે છે. અને પ્રભુની સન્મુખ થવા દેતું નથી. તેના પરિણામે સંસારનું ભવભ્રમણ અનંતાનંત જન્મો સુધી થયા જ કરે છે.