________________
481
'ભક્તામર સ્તોત્ર'માં મંત્ર – યંત્ર – તંત્ર અને અષ્ટકો માનતુંગસૂરિએ રચ્યો છે. જૈન નિગ્રંથકારે આ સ્તોત્ર રચ્યું હોવા છતાં માત્ર એકલાં જૈનોને જ નહીં પરંતુ પ્રત્યેક ધર્મના માનવીને ઉપયોગી થઈ શકે તેવું સ્તોત્ર છે.
શ્રી માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્ર જેવા નાનકડા ગ્રંથમાં સંસ્કૃત સાહિત્યના અનેક તાંત્રિક ગ્રંથોનો સાર આપવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. ઉપનિષદના ૐ (ઓંકાર)થી લઈને શક્તિપૂજાના ચંડીપાઠના ૐ એ હ્રીં ક્લીં આદિ મંત્રશક્તિવાળા મંત્રબીજોનો ઉપયોગ તેઓએ કર્યો છે. અનેક પ્રકારના મંત્રો દ્વારા જુદા જુદા પ્રકારની ફળસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ દરેક મંત્ર પર યંત્રો રચાયાં છે અને તેના પર રચાયેલાં તંત્રોની રચના પણ વિવિધ પ્રકારની જોવા મળે છે.
ચક્રેશ્વરી દેવીનું નામ ભક્તામર સ્તોત્રની મહિમા-કથાઓમાં અનેક સ્થળે મળી આવે છે. દરેકે-દરેક તીર્થંકર ભગવંતના શાસનકાળમાં શાસનની રક્ષા કરનાર યક્ષ-યક્ષિણી હોય છે. ચોવીસ તીર્થંકરના શાસનકાળમાં ઉત્પન્ન થયેલાં આ યક્ષ યક્ષિણીને શાસનદેવ અને શાસનદેવી કહેવામાં આવે છે. જે તીર્થંકર ભગવાનનાં તે શાસનદેવ-દેવી હોય તે જિનેશ્વરદેવની ભક્તિ કરનાર ભક્તને તેઓ અનેક રીતે સહાય કરે છે તેથી તે પણ વંદનીય અને પૂજનીય મનાય છે. દેરાસરમાં જે તીર્થંકર ભગવાન મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત થયા હોય તેમના શાસનદેવ-દેવીની તે દેરાસરના ગર્ભગૃહની બહાર પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
ભક્તામર સ્તોત્રમાં પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ-સ્તવના કરવામાં આવી છે. તેમના શાસનની રક્ષા કરનાર શાસનદેવનું નામ ગોમુખ યક્ષ અને શાસનદેવીનું નામ અપ્રતિચક્રા અર્થાત્ ચક્રેશ્વરી દેવી છે. નિર્વાણ કલિકામાં શ્રી ચક્રેશ્વરી દેવીના સ્વરૂપને વર્ણવતાં કહ્યું છે કે તે જ તીર્થને વિશે અપ્રતિચક્રા નામની યક્ષિણી ઉત્પન્ન થયેલી છે, જેનો વર્ણ સુવર્ણ જેવો (પીળો) છે, જેનું વાહન ગરુડ છે અને જે આઠ ભુજાવાળી છે આ આઠ ભુજાઓ પૈકી તેની જમણી ભુજાઓમાં અનુક્રમે વરદમુદ્રા, બાણ, ચક્ર અને પાશ છે તથા ડાબી ભુજાઓમાં ધનુષ્ય, વજ્ર, ચક્ર અને અંકુશ છે. તેની બંને બાજુની ભુજાઓમાં ચક્ર હોઈ તે ચક્રેશ્વરી કહેવાય છે.
ભક્તામર સ્તોત્રના અમુક શ્લોકો અનન્ય ભક્તિભાવપૂર્વક જાપ કરવામાં આવે તો ચક્રેશ્વરી દેવી કે તેની સેવિકા ઉપસ્થિત થાય છે અને ભક્તને અદ્ભુત રીતે સહાય કરે છે. ચક્રેશ્વરી દેવી પ્રસન્ન થયાના અનેક દાખલાઓ તેની પ્રભાવક કથાઓમાં મળી આવે છે.
શ્રી ગુણાકરસૂરિના મંત્રો
સૌથી પ્રાચીન પ્રતોમાં રુદ્રપલ્લીય ગચ્છના શ્રી ગુણચંદ્રસૂરિના શિષ્ય શ્રી ગુણાકરસૂરિએ વિક્રમ સંવત ૧૪૨૬માં ભક્તામર સ્તોત્ર ૫૨ ૧૭૫૨ શ્લોકપ્રમાણ વૃત્તિ રચી છે. આ સૂરિનું બીજું નામ ગુણસુંદર હતું. આ વૃત્તિ શ્રી જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, સૂરત તરફથી વિક્રમ સંવત ૧૯૯૦માં પ્રકટ થયેલી છે અને શ્રી હીરાલાલ કાપડિયા સંપાદિત શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વારક ફંડના ૭૯મા મણકામાં પણ પ્રસિદ્ધ થયેલ છે.