________________
શ્રી ભક્તામર સ્તોત્ર 281 આદિનાથ પ્રભુના શરીરને નિહાળીને પછી સિંહાસનને નિહાળ્યું. આ સિંહાસન દેવોરચિત છે. તે રત્નોથી જડિત અને મણિઓથી વિભૂષિત થયેલું છે. આ રત્નો અને મણિઓમાંથી ચારે તરફ કિરણો પ્રકાશિત થઈ રહ્યાં છે. જેમાંથી કિરણો પ્રકાશિત થાય છે, તે સિંહાસન પર બિરાજેલા પ્રભુનો સુવર્ણ કાંતિવાળો દેહ અતિશય શોભી રહ્યો છે. પ્રભુનું સુવર્ણ જેવા ગૌર વર્ણવાળું મુખ અતિ ઊંચા એવા ઉદયાચલ શિખર પરથી ઉદય થતા સૂર્ય જેવું લાગે છે.
સૂર્યનું આસન ઉદયાચલ પર્વત છે. તેના શિખર પર બેસીને સુવર્ણરંગી સૂર્ય આકાશમાં ચારે બાજુ પોતાનાં કિરણો ફેલાવે છે અને તે વખતે તેની શોભા કેવી અનન્ય લાગે છે. એ દશ્ય તો જેણે જોયું હોય તેને જ તેની ભવ્યતા સમજાય. દેવોરચિતરત્ન જડિત સિંહાસન પર બેસીને દેશના પ્રકાશતા પ્રભુ પણ સૂરિજીને આવા જ ભવ્ય જણાયા છે.
સ્તોત્રકાર સૂરિજીએ તુલના કરી છે તે કેટલી અલૌકિક છે. એક તરફ ઉદયાચલ શિખર અને બીજી તરફ શ્રી આદિનાથનું સિંહાસન. બંને સમાન લાગી રહ્યાં છે. એક તરફ ઉદયાચલ શિખર પરથી ચારે તરફ સૂર્યનાં કિરણો પથરાઈ રહ્યાં છે. બીજી તરફ સિંહાસનના રત્નમણિનાં કિરણો ચારે તરફ પથરાઈ રહ્યા છે. આ ઉદયાચલના કિરણોની વચ્ચે જેવી રીતે સૂર્યનું બિંબ ચમકી રહ્યું છે તેવી જ રીતે સિંહાસનના પ્રકાશની વચ્ચે પ્રભુનું શરીર સુવર્ણની જેમ ચમકી રહ્યું છે.
આ શ્લોકની પંક્તિને સમજાવતાં શ્રી કાનજી સ્વામી જણાવે છે કે, “સિંહાસન પર બિરાજમાન પ્રભુને દેખીને સ્તુતિકાર કહે છે કે, “હે દેવ ! સુવર્ણાચલ પર્વત ઉપર ઊગતો સૂર્ય તેનાં હજારો સોનેરી કિરણો સહિત આકાશમાં જેમ શોભી ઊઠે છે, તેમ દિવ્ય મણિરત્નનાં કિરણોથી ઝગમગતા સુવર્ણના સિંહાસન ઉપર સુવર્ણ દેહવાળા આપ અતિશય શોભી રહ્યા છો. જેમ નવીન વરસાદને જોઈ મોરલા નાચી ઊઠે છે તેમ આપને દેખીને ભવ્ય જીવોનું ચિત્ત પ્રસન્નતાથી ખીલી ઊઠે છે.”
સૂર્ય ઉદયાચલ પર્વતના શિખર પર બિરાજે છે, અને તે પોતાના કિરણોથી આકાશ અને અન્ય સર્વને શોભાયમાન કરી દે છે. એ જ રીતે મણિરત્નથી જડિત સિંહાસન પર બિરાજમાન સૂર્ય જેવા તેજસ્વી પ્રભુ ૐ નાદરૂપ કિરણો ચારે બાજુ ફેલાવે છે અને સર્વેને શાંતિમાં લીન કરી દે છે. જેમ સૂર્યનાં કિરણો ફેલાતાં અંધકારનો નાશ થાય છે તેમ પ્રભુની દેશનાના દિવ્ય ધ્વનિથી ભવ્ય જીવોના આત્મા પરથી અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે છે. અને તે જીવોનું ચિત્ત વિશેષ પ્રસન્નતાથી ખીલી ઊઠે છે. સૂરિજીએ બીજા અતિશયને અભિવ્યક્ત કરતી વખતે સૂર્યની ઉદયાવસ્થાની ઉપમા લીધી છે.
સિંહાસનનો વાસ્તવિક અર્થ ‘ઉત્કૃષ્ટ વિશુદ્ધ પુન્યાસન' એવો થાય છે. તીર્થંકર પરમાત્મા પોતાના પરમ નિજ સ્વરૂપમાં હંમેશાં પ્રતિષ્ઠિત હોય છે. છતાં પણ અહીંયાં પ્રભુને વિશે, સિંહાસન પર બિરાજમાન કરવાનું જે વર્ણન છે તે ભક્ત સાથે એક વિશેષ ભાવાત્મક સંબંધનું પ્રતીક છે. ભક્તિમાં ભક્તાત્માનો ભક્તિભાવ જ પ્રભુને બિરાજવાનું એક ઉત્કૃષ્ટ આસન છે.
પરમાર્થ દષ્ટિએ આ શ્લોક સમજીએ તો મણિ એટલે નાભિ અને મયૂખ એટલે કિરણો,