________________
172 | ભક્તામર નમઃ | પાલખીમાંથી ઉતારી, ચંદ્રકાંત મણિની શિલા પર બિરાજમાન કર્યા. પ્રભુએ સઘળાં કુટુંબીજનો, નગરજનો અને દેવગણ તરફ અંતિમ વાર એક ભાવભીની નજર કરી પ્રસંગોચિત બે શબ્દ કહ્યા. પ્રભુનો અવાજ સાંભળવા માટે નીરવ શાંતિનું મોજું ફરી વળ્યું. પ્રભુનું પ્રવચન પૂર્ણ થતાં દેવગણોનાં વાજિંત્રોની ગંભીર સૂરાવલીઓ વચ્ચે પ્રભુએ સ્વયં સર્વ વસ્ત્રાલંકારનો ત્યાગ કર્યો અને પોતાના આત્માની તેમજ ઉપસ્થિત સર્વની અને સિદ્ધ ભગવાનની સાક્ષીએ જગતના સર્વજીવોને અભયદાન આપી સમ્યક ચારિત્રરૂપ પંચમહાવ્રત અંગીકાર કર્યા એટલે કે આજીવન સામાયિક વ્રતનું પાલન કરવા અર્થે કરેમિ ભંતે' ઉચરાવ્યું.
આ પૂર્વે ઊંચે આકાશમાં પૂર્વદિશા તરફ નજર કરી નમઃ સર્વ સિદ્ધભ્યનો નાદ કરી પોતાના હાથે, પોતાના મસ્તક પરના કેશનો પંચમુષ્ટિ લોચ કર્યો. શાસ્ત્રકારો અહીં જણાવે છે કે પ્રભુ જ્યારે રાજાના વેશમાં સુંદર વસ્ત્રાલંકારો અને રત્નજડિત આભૂષણોથી લદાયેલા હતા તે કરતાં પ્રભુનું અત્યારનું સાદું રૂપ વધુ મોહનીય દીસતું હતું. આ દીક્ષાનો દિવસ હતો ફાગણ વદ ૮. પ્રભુનો જન્મદિવસ એ જ દીક્ષા દિવસ.
સમ્રાટ ભરત સહિત હાજર રહેલા સર્વએ પ્રભુની ભક્તિપૂર્વક સ્તવના કરી. દીક્ષા વિધિ અહીં સંપૂર્ણ થયાની ઇન્દ્ર દ્વારા જાહેરાત થતાં સૌ પોતપોતાના માર્ગે પ્રયાણ કરવા લાગ્યા અને પ્રભુએ એકાંત વન તરફ પ્રયાણ આદર્યું. સર્વ તીર્થકરોની જેમ જ પ્રભુ જ્યારે મુનિ અવસ્થામાં હોય છે ત્યારે મોક્ષ માર્ગની આરાધના સમયે સર્વથા મૌન જ પાળે છે. મુનિપણામાં તેઓ કોઈને બોધ આપતા નથી. એકલ વિહારી હોય છે. તેમને કોઈ પણ પ્રકારનો શિષ્ય પરિવાર હોતો નથી. આ દરમ્યાન તેઓ વનમાં જ વિહાર કરે છે. પ્રભુએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમણે છ માસના ઉપવાસનું પચ્ચખાણ કર્યું હતું. પ્રભુ મુનિ અવસ્થામાં કર્મના સંવરનિર્જરાના હેતુ સ્વરૂપ પંચમહાવ્રતરૂપ સામાયિક ચારિત્રનું નિરતિચારપૂર્વક પાલન કરતા હતા. નિર્જરા સ્વરૂપ પ્રભુ હંમેશાં સ્વાધ્યાય અને ધ્યાનમાં મગ્ન રહેતા. આને પરિણામે પ્રભુ અલ્પકાળમાં પાંચમા ગુણસ્થાનેથી સીધા સાતમા ગુણસ્થાને આવ્યા. જ્યાં તેમને મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું.
છ માસના ઉપવાસનો કાળ પૂર્ણ થતાં પ્રભુ ભિક્ષાર્થે નગરી કે ગામના માર્ગો પર, ઇર્યાસમિતિપૂર્વક નીચે જોઈ કોઈ ત્રસજીવોની વિરાધના ન થાય તેમ મૌનપણે ચાલતા હતા. તેમને જોઈને લોકોના ટોળેટોળાં તેમની આસપાસ ફરી વળતાં. જાતજાતની ભેટસોગાદો પ્રભુની સમક્ષ ધરતાં. વળી કેટલાક પોતાની દીકરીને વિવાહમાં ગ્રહણ કરવા માટે આગ્રહ કરતાં. પ્રભુ મૌનપણે આ બધી ચેષ્ટા નિહાળતા. કોઈને પણ એવું જ્ઞાન ન હતું કે પ્રભુ ભિક્ષાર્થે વિચરી રહ્યા છે. આહારદાનની વિધિથી તેઓ અજાણ હતા.
છ માસના ઉપવાસના પારણા અર્થે ભિક્ષા લેવા નીકળેલા પ્રભુને ક્યાંય પણ આહારનો યોગ ન થતાં બીજા છમાસના ઉપવાસ થયા. આમ પ્રભુ બારમાસના ઉપવાસી થયા. વિહાર કરતાં કરતાં પ્રભુ હસ્તિનાપુર નગરીની સીમાએ આવી પહોંચ્યા. હસ્તિનાપુર નગરીમાં સોમપ્રભ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમની સાથે તેમના નાના ભાઈ શ્રેયાંસકુમાર રહેતા હતા. તે દિવસે રાત્રીના પાછલા પહોરમાં શ્રેયાંસકુમારે આઠ ઉત્તમ સ્વપ્ન જોયાં. (૧) મેરુ પર્વત, (૨) કલ્પવૃક્ષ, (૩) કેસરીસિંહ,