________________
145
ભક્તામરસ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા થવાથી મંત્રીએ પોતાના ગુરુ મુનિરાજ માનતુંગને બોલાવ્યા, જે એ સમયે વિહાર કરતાં કરતાં ધારાનગરી આવી પહોંચ્યા હતા. રાજસભામાં કોઈ અદ્ભુત ચમત્કાર બતાવીને ધર્મની પ્રભાવના ક૨વાની પ્રાર્થના કરી. ફલશ્રુતિ રૂપે તેમણે સ્વયંને ૪૮ સાંકળોના બંધનથી બાંધીને અને એકની અંદર એક ૪૮ તાળાથી બંધ ઓરડામાં બંદી બનાવીને ભક્તામર સ્તોત્ર'ની રચના કરી. જેના પ્રભાવથી તે બધાં જ તાળાં તૂટી ગયાં અને મુનિરાજ બંધનોથી મુક્ત થઈને રાજસભામાં આવ્યા. આમ ધર્મની અભૂતપૂર્વ પ્રભાવના થઈ.
ઈ. સ. ૧૯૬૦માં પંડિત નથુરામ પ્રેમીએ ભક્તામર સ્તોત્ર'ની ભૂમિકા આપેલી ભટ્ટારક વિશ્વભૂષણકૃત ‘ભક્તામર ચરિત’માં વર્ણિત કથા અનુસાર રાજા ભોજ છે. ઘટનાસ્થળ ઉજ્જયિની અને રાજકવિ કાલિદાસ છે. એ જ નગરીમાં ‘નામમાલા'ના રચનાકાર જૈન મહાકવિ ધનંજય રહે છે. જે નગરના શેઠ સુદત્તના પુત્ર મનોહરને વિદ્યાભ્યાસ કરાવે છે. ધનંજયના ગુરુ કર્ણાટક નિવાસી દિગમ્બરાચાર્ય માનતુંગ છે. રાજસભામાં કાલિદાસ અને ધનંજય વચ્ચે શાસ્રાર્થ થાય છે. અંતમાં માનતુંગને બોલાવવામાં આવે છે અને એમના દ્વારા ૪૮ શ્લોકવાળા ‘ભક્તામર સ્તોત્ર'ની રચનાના ફળ સ્વરૂપે બંધનમુક્ત થવાનો ચમત્કાર વર્ણવ્યો છે. કાલિદાસ, ધનંજય ઉપરાંત ભર્તૃહરિ, વરરુચિ, શુભચંદ્ર આદિ મહાકવિઓ ભોજરાજાના દરબારમાં હતાં એવું પણ જણાવ્યું છે.
આ ઉપરાંત ભટ્ટારક સુરેન્દ્રભૂષણ, કવિ વિનોદીલાલ, નયવિમલલાલ, જયચંદ છાવડા આદિ અનેક વિદ્વાનોએ આપેલી ‘ભક્તામર સ્તોત્ર’ રચનાની કથા પણ લગભગ શ્રી બ્રહ્મરાયમલ્લ અને ભટ્ટારક વિશ્વભૂષણે આપેલી કથા જેવી જ છે.
પુરાતન મહાન વિદ્વાનોની આ સ્થિતિ રહી છે. હર્મન યકોબી જેવા વિદ્વાન આ વિવાદ માટે કહે છે કે જ્યાં સુધી ભક્તામર કે ભયહરનું કોઈ ઉદાહરણ કે નિર્વિવાદ ઉલ્લેખ ચૂર્ણિઓ, ભાષ્યો કે હરિભદ્ર જેવા પ્રાચીન રચનાકારોની કૃતિઓમાં જોવા ન મળે ત્યાં સુધી નિશ્ચયપૂર્વક એટલું જ કહી શકાય કે ઈ. સ. ૧૩મી સદીના અંતભાગમાં (એટલે ‘પ્રભાવકચરિત’ જે માનતુંગ કથાથી સંબંધિત સૌથી પ્રાચીન સ્તોત્ર છે, તેની રચનાના સમયમાં) માનતુંગને એક પુરાતન આચાર્ય માનવામાં આવતા હતા.
જૈન સાહિત્યના આગમો, ભાષ્યો વગે૨ે પ્રાકૃત ભાષામાં રચાતાં હતાં. આ ગ્રંથોની ગૂંથણીની રીત અને ભાષાની અલગતાને કારણે સંસ્કૃતમાં રચાયેલા સ્તોત્રનું ઉદાહરણ કે તેના શ્લોકનો ઉલ્લેખ થવાનો ત્યાં સંભવ નથી. આગમો સિવાયનાં અન્ય ઘણાં ભાષ્યોની રચના માનુતંગસૂરિના સમયની પહેલાં થઈ ચૂકી હશે એ પણ શક્ય છે. જ્યારે પ્રાકૃતમાં રચાયેલી ચૂર્ણિના રચનાકારોએ અને સંસ્કૃત વૃત્તિકારોએ જે ઉદહરણો આપ્યાં છે તે મોટા ભાગે આગમોના સિદ્ધાંતો, ઉપદેશાત્મક સૂત્રો, દાર્શનિકતાનાં સમર્થક પદ્યો કે નીતિપૂરક સુવાક્યોના રૂપમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે સિદ્ધસેન કે સમન્તભદ્રની સ્તુતિઓ દાર્શનિકતાવાળી છે તેથી તેમાંથી કોઈ શ્લોક કે પદ્ય સંદર્ભયોગ્ય મળી જાય છે. હર્મન યકોબીએ કહેલા હરિભદ્રસૂરિના સંદર્ભમાં કહી શકાય કે એક તો ભક્તામર