________________
448 // ભક્તામર તુલ્ય નમઃ | આવ્યું છે. અર્થાતુ ઇન્દ્રિયોનો સમૂહ યુદ્ધરત છે અને તેમાંથી મુક્તિ મેળવવા માટે પણ પ્રભુ નામસ્મરણરૂપ મંત્રનો ઉપયોગ કરવાનું સૂરિજી જણાવે છે.
૪૦મા શ્લોકમાં સાગર એ સંસારનું પ્રતીક છે. સંસારમાં વેદનીય કર્મને હિસાબે કર્મો ભોગવવાના હોય છે. સંસારમાં મોટા મોટા મગરમચ્છરૂપી ભારે કર્મોને પણ ભોગવવાં પડે છે પરન્તુ જો પ્રભુના નામસ્મરણરૂપ આ શ્લોકને મંત્ર રૂપે ગણવામાં આવે તો આ કર્મો થોડાં હળુ કર્મ બની જાય છે. અર્થાત્ કર્મનો આવેશ ધીમો પડી જાય છે.
૪૧મા શ્લોકમાં જલોદર નામના પેટના રોગને પ્રતીક માનવામાં આવ્યો છે. કારણકે આખા શરીરમાં પેટનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. બધા જ રોગોની શરૂઆત પેટથી જ થાય છે. સારા ડૉક્ટરનું સૌપ્રથમ ધ્યાન પેટ પર જ જાય છે અને જલોદરને પેટનો અસાધ્ય રોગ માનવામાં આવ્યો છે. જેવી રીતે પેટના અસાધ્ય રોગ જલોદર છે, તેવી જ રીતે આત્માની વિકૃતિઓમાં કર્મ સૌથી મોટો શત્રુ છે. જેવી રીતે શરીરના રોગમાંથી મુક્તિ મેળવવા માટે પેટ પર અંકુશ મેળવવો જરૂરી છે; તે મેળવ્યા પછી બીજી કોઈ આવશ્યકતા નથી રહેતી તેવી જ રીતે કર્મ પર નિયંત્રણ મેળવી લીધા પછી આત્મા મુક્ત થઈ જાય છે અને શાશ્વત સુખ પામે છે.
૪૧મા શ્લોકમાં બંધનને કર્મનું પ્રતીક માનવામાં આવ્યું છે. સાંસારિક બંધનમાંથી મુક્તિ આત્માને અનંત સુખની પ્રાપ્તિ કરાવે છે. આ બંધનમાંથી મુક્તિ ભક્તિ દ્વારા મેળવી શકાય છે. જિનભક્તિ દ્વારા સર્વ પ્રકારનાં બંધનોને સહજ રીતે તોડી શકાય છે. શ્રેષ્ઠ ભક્તિ ભક્તને સંસારમાંથી વિભક્ત કરી દે છે.
ઉપર્યુક્ત આઠ ભયો માટે સૂરિજીએ આઠ પ્રતીકો વર્ણવ્યાં છે. આ આઠ ભયો છે ગજ (હાથી), સિંહ, દાવાનલ, સર્પ, સંગ્રામ, તોફાની સમુદ્ર, જલોદર અને બંધન શ્રી માનતુંગસૂરિની અન્ય એક રચના “ભયહરસ્તોત્ર' (નમિઊણ)માં પણ આઠ ભયોનું વર્ણન છે. પણ તેની ક્રમબદ્ધતામાં અને નામાન્તર તથા પ્રકારાન્તરથી આઠમાંથી છ ભયો તો ભક્તામર સ્તોત્રના જ છે, પરન્તુ બે ભયમાં ફરક છે. આ સ્તોત્રમાં બંધનના સ્થાને અટવી અને જલોદરના સ્થાને કુષ્ઠરોગ છે.
ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રની રચના દ્વારા ગાગરમાં સાગર ભરવાનો પ્રયત્ન કર્યો છે. એક એક શબ્દ દ્વારા અનેક મંત્રોની રચના થઈ શકે છે. સ્તોત્રનો પ્રત્યેક અક્ષર મંત્રસ્વરૂપ છે. તેથી જ તેને મંત્રશાસ્ત્ર પણ કહેવામાં આવેલ છે. તેથી જ શ્રી માનતુંગસૂરિ માત્ર એક મહાવિદ્વાન કવિ ન હતાં, પરન્તુ ભાષા પર તેમનું અદ્ભુત પ્રભુત્વ હતું. સહજ તેમ જ બુદ્ધિગમ્ય સંસ્કૃત ભાષાનો જેવો પ્રયોગ ભક્તામર સ્તોત્રમાં થયો છે, તેવો અન્યત્ર મળવો દુર્લભ છે. સ્તોત્રની દૃષ્ટિએ તો એ ભવ્ય રચના છે જ પરતુ આત્મવિદ્યાની દૃષ્ટિએ પણ એનું ઘણું મહત્ત્વ છે.