________________
271
શ્રી ભક્તામર સ્તોત્ર ગુણોમાંથી કોઈ એક ગુણમાં પણ આપનાથી ચઢિયાતો કોઈ પણ જીવ હોતો નથી. આમ પરમ પરમેશ્વર નામને સાર્થક કરવાને આપ સામર્થ્યવાન હોવાને લીધે જ વંદનીય બનેલા છો. તેથી હું પણ આપને નમસ્કાર કરું છું.
અંતિમ પંક્તિમાં ભક્તને જે સૌથી વિશેષ લાભપ્રદ હોય એવો પ્રભુનો ગુણ દર્શાવીને સ્તોત્રકાર સૂરિજી પ્રભુને નમસ્કાર કરે છે. તેઓ પ્રભુની સ્તુતિરૂપ વાર્તાલાપ આગળ વધારતાં કહે છે કે, ‘ભવરૂપ સમુદ્રનું શોષણ કરનાર હે જિન ! હું તમને વંદન કરું છું.' અહીં સૂરિજીએ પ્રભુ માટે ‘જિન’ શબ્દ પ્રયોજ્યો છે. ‘જિન'નો અર્થ થાય છે જેમણે ઇન્દ્રિયો પર સંપૂર્ણ વિજય મેળવ્યો છે. જિન એટલે કે પ્રભુને પોતાને પ્રાપ્ત થયેલાં એશ્વર્યને-જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યને પ્રગટ કરવા માટે તેમને કોઈ પણ ઇન્દ્રિયની પરાધીનતા રહી નથી. એ સૂચવવા માટે જિન શબ્દનું સંબોધન સૂરિજીએ કરેલું જણાય છે.
પ્રભુ ભવરૂપી સમુદ્રનું શોષણ કરનારા છે. આ જગતના સર્વ પ્રાણીઓ પોતાનાં કર્મને લીધે ભવસમુદ્રમાં ભ્રમણ કરી રહ્યાં છે, એટલે કે જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈને જન્મ-જરામરણનો અનુભવ કરી રહેલાં છે અને તેને લીધે વિવિધ પ્રકારનાં દુ:ખો ભોગવી રહેલાં છે. પરંતુ શ્રી જિનેશ્વ૨દેવનો ઉપદેશ એવો છે કે તે આ ભવસમુદ્રનું શોષણ કરી નાખે છે. એટલે કે ફરી ભવ લેવો ન પડે, એવી સ્થિતિ ઉત્પન્ન કરી દે છે. તેમના આ મહાન ઉપકારને લીધે તેઓ પુનઃ પુનઃ વંદનીય છે.
જગતમાં જે જીવ જન્મે છે તે તેના કર્મ અનુસાર ચોરાશી લાખ જીવયોનિમાંથી એક યોનિમાં જન્મ લે છે. તેના કર્માનુસાર ભવભ્રમણની ભ્રમણા ચાલે છે. પ્રભુએ સ્વયં આ ભવસમુદ્રની ભ્રમણામાંથી છુટકારો મેળવી લીધો છે અને અન્ય જીવોને ભવસમુદ્રનું શોષણ કરી નાખવાનો માર્ગ બતાવે છે. એટલે કે કર્મોના આશ્રવને રોકવારૂપ સંવર અને સત્તામાં રહેલા કર્મની નિર્જરા વડે સંસારરૂપી ભવસમુદ્રની ભ્રમણામાંથી છૂટવાનો માર્ગ પ્રભુએ બતાવ્યો છે. સર્વ કર્મોનો ક્ષય થઈ જવાના કા૨ણે ફરીથી જન્મમરણની જંજાળમાં પડવાનું રહેતું નથી. પ્રભુએ પોતે પ્રાપ્ત કરેલા મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. આ રીતે સંસારરૂપી સમુદ્રને શોષવી નાખનાર અને જગતના જીવોને તે માર્ગ બતાવનાર હે જિનેશ્વરદેવ ! તમારા આ ઉપકારના લીધે આપને નમસ્કાર.
આ રીતે પ્રભુના ગુણોની સ્તુતિમાં અનેક પ્રકારના આત્મિક તેમજ દૈહિક ગુણોનું વર્ણન કરતાં કરતાં છેવટે ભક્તિભાવથી ભાવ-વિભોર બનેલા સૂરિજીનું હ્રદય પ્રભુ તરફ ઢળી જતાં તેમના હૃદયના ઊંડાણમાંથી પ્રભુના સૃષ્ટિના અન્ય જીવો પ્રત્યે કરેલા ઉપકારો અને તેમના ગુણો પ્રત્યે ગુણાનુરાગપૂર્વકના તેમના આ ઉદ્ગારો છે. પ્રભુના ઉપકારક સ્વભાવનો લાભ પોતાને પણ મળે એવો ગુપ્ત ભાવ સૂરિજીને હોય એવું સમજી શકાય છે. સૂરિજીની બૌદ્ધિક પ્રખરતા અને ભક્તિની