________________
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના 41 ઘણી ઓછી છે. પંચ-૫૨મેષ્ઠી અર્થાત્ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પર લખવામાં આવેલાં સ્તોત્રોની સંખ્યા અપેક્ષાથી ઘણી ઓછી છે.
જૈન ધર્મમાં ભક્તિનું રૂપ આરાધ્યને ખુશ કરીને કંઈક મેળવી લેવાનું નથી. અહીં ભક્તિનું દાસ્યરૂપ જોવા મળે છે. આરાધ્ય પોતે રાગ-દ્વેષથી રહિત, વીતરાગી હોય છે. તેથી તેઓ કંઈ લેતા પણ નથી અને દેતા પણ નથી. પરંતુ ભક્તને એના સાંનિધ્યથી એક એવી પ્રેરણાશક્તિ મળે છે કે જેનાથી તે સર્વ કંઈ પ્રાપ્ત કરવાની શક્તિ મેળવી લે છે.
જૈન ધર્મનાં પ્રાચીન સ્તોત્ર પ્રાકૃત ભાષામાં લખાયેલાં મળી આવે છે. જેમાં કુંદકુંદાચાર્યકૃત 'સિદ્ધભક્તિ' સ્તોત્ર પ્રાચીન છે. શ્રી ભદ્રબાહુસ્વામી દ્વારા રચવામાં આવેલું ‘ઉવસગ્ગહરં સ્તોત્ર’ પ્રાકૃત ભાષામાં, પાંચ ગાથામાં લખાયેલું પ્રાચીન સ્તોત્ર છે. આ સ્તોત્ર પર અત્યાર સુધીમાં નવ ટીકાઓ લખવામાં આવી છે અને તેને એટલું બધું પ્રભાવશાળી સ્તોત્ર માનવામાં આવે છે કે તેને લગતું ઘણું સાહિત્ય રચાયેલું મળી આવે છે. પ્રાકૃતમાં અન્ય ઉલ્લેખનીય સ્તોત્ર શ્રી નંદિષણ દ્વારા વિરચિત ‘અજિત શાંતિ સ્તોત્ર’, ધનપાલકૃત ‘ઋષભ પંચાશિકા’, દેવસૂરિકૃત અનેક સ્તોત્રો જેવાં કે સમ્યક્ત્વસ્વરૂપ સ્તવ, ગણધર સ્તવ, જિનરાજ સ્તવ, તીર્થમાલા સ્તવ, નેમિચરિત્ર સ્તવ, પંચપરમેષ્ઠી સ્તવ અને સિદ્ધચક્ર સ્તવ, ધર્મઘોષસૂરિનું ઇસિમંડલથોત્ત, નન્નસૂરિનું સત્તરિસયથોત્ત, મહાવીર થવ, જિનચંદ્રસૂરિનું ‘નમુક્કારફળપગરણ' આદિ અને અભયદેવસૂરિવિરચિત ‘જયતિહુઅણસ્તોત્ર’ જે અપભ્રંશ ભાષામાં રચાયેલું છે અને જેમાં સ્તંભન પાર્શ્વનાથની સ્તુતિ છે. જેના પર છ જેટલી ટીકાઓ લખાયાનો ઉલ્લેખ મળે છે. દિગમ્બર સંપ્રદાયમાં પ્રચલિત પ્રાકૃત ભાષામાં રચાયેલ ‘નિર્વાણકાંડ સ્તોત્ર’ પણ છે.
સંસ્કૃત ભાષામાં તો જેન સ્તોત્રો અતિ વિશાળ પ્રમાણમાં અને વૈવિધ્યપૂર્ણ રૂપમાં રચાયેલાં જોવા મળે છે. જેમાં અનેક સ્તોત્રો વિવિધ છંદો અને અલંકારોથી અલંકૃત કરીને ભક્ત કવિઓએ રચ્યાં છે. કેટલાંક દાર્શનિક અને તાર્કિક શૈલીમાં તો કેટલાંક શ્લેષમય ભાષામાં તો કેટલાંક પાદપૂર્તિ રૂપ કાવ્યના રૂપમાં પણ રચાયાં છે.
તાર્કિક શૈલીમાં રચવામાં આવેલાં સ્તોત્રોમાં આચાર્ય સમન્તભદ્રવિરચિત ‘સ્વયંભૂ સ્તોત્ર’, ‘દેવાગમ સ્તોત્ર', આચાર્ય હેમચંદ્રસૂરિકૃત ‘અયોગવ્યવચ્છેદ્વાત્રિંશિકા’ અને ‘અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા' તથા આચાર્ય સિદ્ધસેન દિવાકરની કેટલીક દ્વાત્રિંશિકાઓ વિશેષ રૂપથી ઉલ્લેખનીય છે.
આલંકારિક શૈલીમાં રચવામાં આવેલા સ્તોત્રમાં રામચંદ્રસૂરિવિરચિત ‘અનેક દ્વાત્રિંશિકાઓ', જયતિલકસૂરિકૃત ‘ચતુર્હારાવલીચિત્ર સ્તવ' વગેરે અનેક સ્તોત્રો છે.
શ્લેષમય શૈલીમાં વિવેકસાગરવિરચિત વીતરાગસ્તવ, નયચંદ્રસૂરિરચિત સ્તંભપાર્શ્વ સ્તવ તથા સોમતિલક અને રત્નશેખરસૂરિકૃત અનેક સ્તોત્રો છે.