________________
જિનભક્તિ ઃ 89
તિસ્થય૨ણામકર્માં બંધઈ અસરેણ કાલેન ||’’
અર્થાત્ સોળ કા૨ણે ભાવનાઓનું ધ્યાન કરવાથી અલ્પ કાળમાં જ તીર્થંકર નામકર્મનો બંધ થાય છે. એ ભાવનાઓમાં એક અરિહંત ભક્તિ પણ છે.
તાત્પર્ય કે અરિહંતની ભક્તિ કરવાવાળો તીર્થંકર બની જાય છે. અર્થાત્ તીર્થંકર નામ-કર્મ બાંધવા માટે અને તેને પામવા માટે અન્ય કારણોમાં અરિહંત-તીર્થંકર-ભક્તિને ગણવામાં આવી છે અને રહેશે. વર્તમાનમાં તેઓ વિહ૨માન ન હોવાથી તેમની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે અને તે દ્વારા તેની ભક્તિ કરવામાં આવે છે.
અરિહંત તીર્થંકરની ભક્તિમાં ભગવાનની મહત્તા બતાવવી અને પોતાની લઘુતા બતાવવી એ ભક્તનો મુખ્ય ગુણ છે. ‘ભક્તામર સ્તોત્ર’ના રચનાકાર શ્રી માનતુંગસૂરિ પોતાની લઘુતા પ્રદર્શિત કરતાં જણાવે છે કે, “હે ભગવન્ ! હું અલ્પજ્ઞાની છું અને વિદ્વાનોને હાંસીને પાત્ર પણ છું, છતાં પણ આપની ભક્તિના કારણે જ આપની સ્તુતિ કરવાને માટે પ્રવૃત્ત થયો છું. આ તો એવું જ છે જેમ કે વસંતઋતુમાં કોકિલ, આમ્રમંજરીઓને કારણે જ મધુર શબ્દનું ઉચ્ચારણ કરે છે.”
લઘુતાની સાથેસાથે જ ભક્ત, પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લે છે. તેને તેમાં સંપૂર્ણ શ્રદ્ધા રહેલી હોય છે, અને તેથી જ તે પરમ-પદની પ્રાપ્તિ કરે છે.
ભક્તને ભગવાનમાં અનંત-ગુણોનાં દર્શન થાય છે. તેના સર્વ ગુણોનું વર્ણન કરવું તો ભક્તને માટે અશક્ય હોય છે. છતાં પણ તે પોતાની સમગ્ર શક્તિથી, પોતાની કુશળતાપૂર્વક, ભક્તિરસધારામાં તરબોળ થઈને ભગવાનના ગુણોનું વર્ણન કરે છે. આ ભક્તિમાં ભક્તને ભગવાન પ્રત્યે આત્મભાવ રહેલો હોય છે. તે પ્રભુના ચરણોની સેવા ક૨વા જ ઇચ્છતો હોય છે. ભગવાનની આવા પ્રકારે ભક્તિ કરવાથી તેનું નામ-સ્મરણ જ સર્વ દુઃખોનું હરણ કરે છે. કલ્યાણમંદિર સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકર જણાવે છે કે, “હે દેવ ! આપના સ્તવનનો તો અચિંત્ય મહિમા છે જ, પરંતુ આપનું નામ લેવા માત્રથી જ આ જીવ સંસારનાં સર્વ દુઃખોથી બચી જાય છે. જેવી રીતે ઘામથી પીડિત મનુષ્યને કમલ-યુક્ત સરોવર જ નહીં પરંતુ એની શીતલ હવા પણ સુખ પહોંચાડે છે, શાતા આપે છે.’’
તેવી જ રીતે પ્રભુની ભક્તિ ક૨વાથી સર્વ પ્રકારનાં કર્મોનો નાશ થાય છે. આવા અરિહંત તીર્થંકર ભગવાનની કોઈની પણ સાથે તુલના કરવી શક્ય નથી. શ્રી માનતુંગસૂરિ ભગવાનને હરિ-હરાદિ દેવો કરતાં ઉચ્ચ કોટિના ગણે છે.
તાત્પર્ય કે તીર્થંકરની ભક્તિ કરવાથી આત્મા પર લાગેલા કર્મનાં આવરણો દૂર થાય છે, અથવા હળવાં બને છે. કર્મનાં આવરણો દૂર થાય, ઘાતિ અને અઘાતિ કર્મનો નાશ થાય તો, આત્મા-પરમાત્મા સ્વરૂપ ધારણ કરે છે. આથી તીર્થંકર ભક્તિ એક અતિ આવશ્યક અને પ્રધાનતમ ભક્તિ છે.