________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 221 આપના ગુણ સંપૂર્ણ વિકસિત ચંદ્રની કલાના સમૂહ સમાન શુભ્ર છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રની કલાઓ એક જગ્યાએ એકત્ર થાય છે અને આ સંપૂર્ણ ચંદ્રની કલાઓ સમાન શુભ્ર, ઉજ્જવલ આપના ગુણો છે. પ્રભુના ગુણોને શુભ્રની ઉપમા આપવામાં આવી છે. રંગના બે પ્રકાર હોય છે : શ્વેત -શ્યામ. શ્વેત રંગ એ પ્રકાશનું પ્રતિનિધિત્વ કરે છે; જ્યારે શ્યામ અંધકારનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રભુના ગુણોને શુભ્ર કહેવામાં આવે છે. જે ગુણો સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. પ્રભુના ગુણો પૂર્ણિમાના ચંદ્રની જેમ સમગ્ર જગતમાં પ્રસરી રહ્યા છે.
હે પ્રભુ ! સર્વ કળાએ અર્થાત્ સોળે કળાએ ખીલેલા, ચંદ્રની કાંતિ જેવા તમારા ઉજ્વળ ગુણો ત્રણે જગતમાં ફેલાયેલા છે. કારણ કે આપ જ ત્રણે જગતના સ્વામી છો. તમારા જેવા જિનવરનો આશ્રય કરીને આ ગુણો રહે છે તેથી તેમને પોતાની ઇચ્છા પ્રમાણે વિહાર કરતાં કોણ રોકી શકે તેમ છે ? - સ્તોત્રકાર સૂરિજીએ આ શ્લોકમાં પ્રભુનું શરણું સ્વીકારવાથી મોક્ષરૂપી ઉચ્ચગતિ પ્રાપ્ત થાય છે. એ વિચારને દઢતાપૂર્વક પ્રદર્શિત કર્યો છે. સામાન્ય રીતે જગતમાં જોવા મળે છે કે સર્વજીવ – ભવ્યજીવ હોતા નથી કે જે પોતાની ઇચ્છાનુસાર વર્તી શકે. તેઓ કર્મબંધનની બેડીઓથી બંધાઈને તેને વશરૂપ થઈને વર્તી શકે. પરંતુ અહીંયાં આમાંથી સૂરિજીએ એક અપવાદ બતાવ્યો છે. જે જીવ પ્રભુનું, ત્રણ જગતના નાથનું શરણું લે છે અને પછી પોતાની ઇચ્છા પૂર્ણ કરવા ચાહે તો એ ઇચ્છા એની અવશ્ય પૂર્ણ થાય છે. એવો પ્રભુશરણનો મહિમા છે.
આ ત્રણ જગતનો નાથ કોણ હોઈ શકે ? એ અકિંચન છે, જેણે સર્વસ્વ ત્યજી દીધું છે. તે સૌનો નાથ બની ગયો અને આવા પ્રભુના ગુણોનો, એક નાથનો આશ્રય લીધો છે તેનું શરણ સ્વીકાર્યું છે અને આ નાથ પણ એવો જે ત્રણે લોકના અધિપતિ છે. તેનું ગુણોએ શરણ સ્વીકાર્યું છે, આત્માના સ્વાભાવિક ગુણોમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર સમાયેલાં છે. આવા ગુણો ગમે ત્યાં જાય તેને કોણ રોકી શકે. જેમ પૂર્ણિમાના ચંદ્રનાં કિરણો ચારે બાજુ ફેલાઈ જાય છે. તેને કોઈ સીમા નડતી નથી તેમ તમારા ગુણોને પ્રસાર પામતાં કોણ રોકી શકે ?
અહીં સૂરિજીએ ભગવાન શ્રી આદિનાથની સ્તુતિ કરતાં કરતાં એક દાર્શનિક સત્યનું રહસ્યઉદ્ઘાટન કરી દીધું કે ગુણોનો વિકાસ ત્યાગમાંથી થાય છે. અકિંચનમાંથી જ તમામ ગુણોની ઉત્પત્તિ થાય છે અને જે ગુણો અકિંચનમાંથી ઉદ્ભવેલા છે તે જગતમાં પ્રસરી રહ્યા છે. આવા ગુણોને પ્રસરતાં કોણ રોકી શકે. કોઈ જ નહિ. જૈનદર્શનનું સૌથી મોટું સાધનસૂત્ર છે “અકિંચન, જ્યાં પરિગ્રહનો ત્યાગ થાય છે ત્યાં અકિંચનની શરૂઆત થાય છે.
સંસારના ભવભ્રમણ કર્મ-બંધનરૂપ અવસ્થામાંથી મુક્તિ માટે એક અપવાદ છે. પ્રભુના ચરણમાં ક્ષમા, વૈરાગ્ય આદિ ગુણોએ આશ્રય લીધેલો હોવાથી તે જગતવ્યાપી બન્યા છે. ત્રણે જગતમાં સર્વ જીવો જો તે ગુણોનું નિરંતર નામ-કીર્તન કરે તો અવશ્ય ઉચ્ચ અવસ્થા, મોક્ષસુખની પ્રાપ્તિ કરે છે. અહીં શરણ લેનાર ગુણો છે અને આશ્રય આપનાર શ્રી આદિનાથ ભગવાન છે.