________________
516
।। ભક્તામર તુર્થ્ય નમઃ II
મનમાં ભૌતિક સુખના વિષયોનો દાહ અને કષાયાગ્નિના શમન માટે સુખરૂપી સમુદ્રની ભરતી સમાન અને ધર્મરૂપ અમૃતની શીતલ વર્ષા સમાન છે. એવા પ્રભુના ચરણમાં સર્વસ્વ સમર્પણનો ભાવ હોવો અતિ આવશ્યક છે.
શ્રી માનતુંગસૂરિએ ‘ભક્તામર સ્તોત્ર' દ્વારા પ્રભુના અનંતારૂપનાં દર્શન કરાવ્યાં છે અને પ્રભુએ પ્રરૂપેલા જ્ઞાન-દર્શન-ચારિત્ર્યરૂપી રત્નત્રયી જે મોક્ષમાર્ગ છે તેનું સુંદર રીતે આલેખન કર્યું છે. સૂરિજીની આ રચના માટે મારા જેવી અલ્પ બુદ્ધિ, અલ્પજ્ઞાની વિદ્વાનોની વાડ્મયતામાં ઘણી લઘુ છે. છતાં એટલું તો ચોક્કસ કહીશ જ કે માનતુંગસૂરિજીની આ રચના સમુદ્રમાં દેવો દ્વારા કરવામાં આવેલા અમૃતમંથન જેવી છે, જૈન સ્તોત્ર-શિરોમણિ સમાન છે. શ્રી આદિનાથ ભગવાનના ચરણોમાં સમર્પિત આ સ્તોત્ર સૂરિજીની અદ્ભુત રચના છે. તેમની વર્ણનશક્તિ અર્પણનીય છે. જો તેમના મનઃચક્ષુ સમક્ષ જે ભાવચિત્રો ઉપસ્થિત થતાં હતાં તેવાં ભાવચિત્રો આપણને પણ તાદ્દશ્ય થાય તો અવશ્ય આપણે પણ મોક્ષરૂપી લક્ષ્મી પામી શકીએ.
આ અદ્ભુત અને અહોભાવભર્યા સ્તોત્રમાં પણ સૂરિજીએ સ્તોત્રની સાહિત્યિક રચનાનો ક્રમ જાળવી રાખ્યો છે, જે સ્તોત્રને વધુ અદ્ભુતતાથી અભિભૂત કરે છે. સૌપ્રથમ મંગલાચરણ, પોતે ઉપાડેલા કાર્યની મહત્તા, પ્રભુ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા દ્વારા તેમાંથી પાર ઊતરવાની સંપૂર્ણ ખાતરી આ કાર્યનો હેતુ, પ્રભુના ગુણગાન જ સ્તોત્રની મુખ્ય રચના, કાર્યની ફળસિદ્ધિ એ દરેક વિષયવસ્તુને તેમણે ક્રમબદ્ધ રીતે સ્તોત્રમાં વણી લીધું છે.
ભક્તિભાવપૂર્વક રચેલા સ્તોત્ર દ્વારા સૂરિજીના ભાવો પ્રગટ થાય છે. ભક્ત હૃદયને ભક્તિ કરતાં કેવા અનરા આનંદની પ્રાપ્તિ થાય છે, તેનું સુંદર ઉદાહરણરૂપ આ સ્તોત્ર છે. જે શ્રદ્ધાભક્તિ-પ્રેમથી આ સ્તોત્રની રચના થઈ છે તે પરથી ફલિત થાય છે કે રચનાકારનાં સર્વ બંધનો, સઘળા ઉપસર્ગો દૂર થવા જ જોઈએ અને સ્તોત્રના અંતિમ ચરણોમાં તેમના પર થયેલા ઉપસર્ગ પ્રભુભક્તિથી આપોઆપ દૂર થાય છે.
સૂરિજીએ આ સ્તોત્રના અક્ષરેઅક્ષરમાં ગૂઢ રહસ્ય ભરેલું છે. તેના ગૂઢાર્થને સમજીએ તો આપણે પણ શિવરમણીરૂપ શાશ્વત સુખ આપનારી લક્ષ્મીને પ્રાપ્ત કરી શકીએ.
જય જય શ્રી આદિનાથ