________________
|| ભક્તામર તુભ્યે નમઃ ।
‘રત્નકૂખધારિણી’ છો. ભરતક્ષેત્રના આ કાળના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથનો આત્મા સર્વાર્થસિદ્ધ દેવલોકમાંથી આવી તમારી કુક્ષિમાં અવતરણ પામેલ છે.''
170
܀
વર્તમાન ચોવીસીના ત્રીજા આરાના જ્યારે ચોર્યાસી લાખ પૂર્વ, ત્રણ વર્ષ, આઠ માસ અને પંદર દિવસ બાકી હતા ત્યારે જેઠ વદ - ૪ના શુભ દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં સર્વાર્થસિદ્ધ દેવલોકમાંથી ચ્યવી શ્રી આદિનાથનો જીવ મરુદેવી માતાની કુક્ષિમાં અવતરણ પામેલ. દેવ-દેવીઓએ હર્ષોલ્લાસ સાથે પ્રભુનો ચ્યવન કલ્યાણક મહોત્સવ મનાવ્યો.
મરુદેવી માતા સુખપૂર્વક ધર્મધ્યાનમાં મગ્ન રહી આનંદ સહિત ગર્ભનું વહન કરતાં હતાં. ગર્ભાવસ્થાના નવ મહિના અને સાત દિવસ બાદ ફાગણ વદ ૮ના સુપ્રભાતે સૂર્યોદય સમયે શુભમુહૂર્તમાં શ્રી આદિનાથ ભગવાનનો જન્મ થયો. તેમના શરીરનો વર્ણ સુવર્ણ સમાન પીળો હતો. તેમનું આયુષ્ય ચોર્યાશી લાખ પૂર્વનું હતું. ગત ચોવીસીના અંતિમ તીર્થંકર સમ્મતિનાથ પ્રભુના નિર્વાણ બાદ અઢાર ક્રોડાક્રોડી સાગરોપમ બાદ શ્રી આદિનાથ ભગવાનનો જન્મ થયો. સૌધર્મેન્દ્ર અને બીજા ૬૩ ઇન્દ્રો ભગવાનનો જન્મકલ્યાણક ઊજવવા અયોધ્યા નગરીમાં આવ્યા. ઇન્દ્રાણી શચીએ મરુમાતાની શય્યાની પ્રદક્ષિણા કરી, ભક્તિભાવપૂર્વક પ્રણામ અને સ્તુતિ કરી. ત્યારબાદ મયામયી નિદ્રાથી મરુદેવી માતાને નિદ્રાધીન કરી તેમની સોડમાં પ્રભુના જેવું જ આબેહૂબ બાળક મૂક્યું. પછી બાળપ્રભુને લઈ બહાર આવી. સૌધર્મેન્દ્રએ બાળપ્રભુને હાથમાં લઈ દેવ-દેવીઓ સહિત મેરુપર્વત તરફ આકાશમાર્ગે પ્રયાણ કર્યું. દેવોએ વાંજિત્રોના સૂર તાલબદ્ધ વગાડવા. જન્મોત્સવ જ્યાં ઊજવવાનો હતો તે નવ્વાણુ યોજન ઊંચા મેરુપર્વત પર આવી પહોંચ્યા. મેરુ પર્વતની ઈશાન દિશા બાજુ પાંડુકવન અને પાંડુક શિલા છે આ પાંડુક શિલા પર આવેલ સિંહાસન ૫૨ પ્રભુને બિરાજમાન કર્યા. ૧૦૦૮ કળશોથી પ્રભુનો જલાભિષેક કર્યો. અભિષેક વિધિ સંપૂર્ણ થતાં દેવદુંદુભિના નાદ સાથે પ્રભુને ફરી પાછા અયોધ્યા નગરી લાવી મરુદેવી માતાની કૂખમાં મૂકી દીધા. આ રીતે પ્રભુના જન્મકલ્યાણકનો પ્રસંગ પૂર્ણ થયો.
ઇન્દ્રોએ ભેગા મળી ભગવાનનું નામ ઋષભદેવ પાડ્યું. વૃષ એટલે (ઉત્તમ) ધર્મ અને ભભાતિ એટલે શોભતા. એટલે કે ઉત્તમ ધર્મ વડે શોભાયમાન એવા અર્થમાં ઋષભદેવ.
તીર્થંકર ભગવાનની બાલચેષ્ટાઓ અદ્ભુત અને અદ્વિતીય હોય છે. તેવી જ શ્રી ઋષભદેવની હતી. બાલ્યકાળથી જ અનેક વિદ્યાઓ પ્રાપ્ત હતી.
બાલ્યકાળ પૂરો થતાં પ્રભુ યુવાવસ્થામાં પ્રવેશ્યા. તેમના લગ્ન મહાકચ્છ રાજાની બે બહેનો યશસ્વતી તથા સુનંદા સાથે થયા. દેવોએ પણ પ્રભુનો લગ્ન-મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવ્યો.
યશસ્વતીએ ગર્ભધારણના નવ માસ અને સાત દિવસ પૂર્ણ થતાં શ્રી ઋષભદેવ પ્રભુના જન્મદિવસે ફાગણ વદ ૮ના દિવસે પુત્રને જન્મ આપ્યો. જે ભરત ચક્રવર્તીના નામે પ્રસિદ્ધ થયો. ભરતની સાથે બ્રાહ્મી નામની પુત્રીનો જન્મ થયો.
સુનંદાએ ગર્ભધારણ કરી બાહુબલી નામના પુત્રને અને સુંદરી નામની પુત્રીને જન્મ આપ્યો. યશસ્વતીએ ત્યારબાદ બીજા અઠ્ઠાણું પુત્રોને જન્મ આપ્યો હતો.