________________
શ્રી ભક્તામર સ્તોત્ર = 335 આ શ્લોકમાં અષ્ટમહાપ્રતિહાર્યોના અંતિમ પ્રતિહાર્ય દિવ્યધ્વનિનું વર્ણન કરવામાં આવ્યું છે. સમવસરણમાં બિરાજમાન થઈને પ્રભુ જે ધર્મોપદેશના આપે છે તેનો ધ્વનિ અતિ દિવ્ય હોય છે. તે વાણીનું જે ભવ્યાત્મા શ્રવણ કરે છે તેને દેવગતિ કે મનુષ્યગતિનો બંધ પડે છે. અર્થાત્ તેને ક્યારેય અશુભ ગતિનો બંધ પડતો નથી. પ્રભુની વાણીનો પ્રભાવ જ એવો હોય છે કે આત્મા પોતાના અશુભ ભાવોનો ત્યાગ કરીને શુભ ભાવોને ગ્રહણ કરે છે. તેનું કારણ એ છે કે આત્મા જેમની વાણી સાંભળે છે તે આત્મા પરમાત્મા છે અને તેને પણ તેમના જેવા બનવાની પ્રેરણા મળે છે. એટલે કે આત્મા પણ પરમાત્મ સ્વરૂપ પામવા માટે અશુભ ભાવોનો ત્યાગ કરી શુભભાવોની પ્રરૂપણા કરે છે.
દેશના સમયે પ્રભુ માલકોશ રાગમાં દેશના આપે છે. સર્વજીવો તે પોતપોતાની ભાષામાં સમજી લે છે. આ વિશે ડૉ. સરયૂ મહેતા જણાવે છે કે, “પ્રભુના રોમમાંથી એક જ પ્રકારનો ધ્વનિ છૂટતો જણાય છે તેમ છતાં તે એવો અદ્ભુત છે કે સર્વ જીવ પોતપોતાની ભાષામાં બોધ ગ્રહણ કરે છે. દેવો પોતાની ભાષામાં દેશના સંભળે છે, મનુષ્યો પોતપોતાની ભાષામાં વાણી સમજે છે અને તિર્યંચો તેમની બોલીમાં પ્રભુને સાંભળે છે. આથી દરેકને લાગે છે કે પ્રભુ પોતાની વાણીમાં બોધ પીરસે છે.”૬૭
પ્રભુએ તેમના તીર્થંકર નામકર્મના ઉદયના ત્રણ ભવપૂર્વે સમ્યક દર્શન થયા બાદ ‘સવિ જીવ કરું શાસનરસી' જેવા સમગ્ર જગતના જીવોના કલ્યાણ કરવાના ભાવો ભાવેલા તેના ફળ સ્વરૂપે જુદી જુદી ભાષાનાં ઉત્કૃષ્ટ પુદ્ગલો ગ્રહણ કરેલા તેના પરિણામે તેમની દેશનાની ભાષા જે નિરાક્ષરી છે તે અન્ય ભાષાઓમાં રૂપાંતરિત થઈ જાય છે. આ દેશનામાં પ્રભુ ત્રણે લોકના જીવોને સત્ય ધર્મનું હાર્દ સમજાવે છે. તદ્ઘપરાંત દરેક જીવ પોતપોતાની દશા અનુસાર સાર ગ્રહણ કરે છે. ગણધર ભગવંત પ્રભુની આ વાણીમાંથી આખી દ્વાદશાંગીનું જ્ઞાન ગ્રહણ કરે છે. આચાર્યો, મુનિઓ ઉચ્ચાત્માઓ એમાંથી આત્માનું ઉચ્ચ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરે છે, સામાન્ય શ્રાવકજીવ સંસારનું દુઃખ સમજી વૈરાગ્ય પામે છે. પ્રભુની આ વાણી - ધર્મોપદેશના સર્વ જીવને પોતાની હાજર દશા જે હોય તેનાથી ઊર્ધ્વદશા પ્રાપ્ત કરવામાં નિમિત્તરૂપ થાય છે.
પ્રભુની દિવ્યવાણી સર્વ કોઈ સમજી શકે તેવી હોય છે – સાથે સાથે આ વાણી આત્માને હિતકારી છે. માત્ર આ ભવ માટે નહિ પરંતુ ભવાંતરમાં પણ શુદ્ધ ફળ રૂપે પરિણિત થવાથી ભવ્ય અને કલ્યાણકારી છે. દેશનાની સર્વોપરી વિશેષતા આ જ છે કે તે હંમેશાં તમામ તત્ત્વો અને તત્ત્વોના અર્થોને ગર્ભિત કરે છે. ત્રણે જગતનું જેને જ્ઞાન છે તેવા પ્રભુ – ત્રણે જગતના રહેલા અનંતાનંત પદાર્થોના દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવનું તેમાં નિરૂપણ કરે છે. પ્રભુની વાણીનું પ્રયોજન જ દરેક આત્મા મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરે તેવું છે. તેથી તેમની દેશના મોક્ષમાર્ગની પ્રરૂપણા કરનાર છે. દરેક ભવ્યાત્મા આ માર્ગને અનુસરી મોક્ષની પ્રાપ્તિ કરવા માટે શક્તિવાન - સામર્થ્યવાન બને છે.