________________
સાધનાની કેડીએ
પદલાલિત્ય તથા ભક્તિરસથી ભરપૂર કાવ્યાત્મક અને સાધના માટેના સંકેતો પૂરા પાડતા આ સ્તોત્રનો મહિમા પ્રખ્યાત છે. તેની ભાવથી સ્તુતિ કરનારનું કલ્યાણ અવશ્ય થાય છે, મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે સાધક બને છે તેની તો આધ્યાત્મિક ઉન્નતિનું તે મહાન કારણ બને છે. તે હેતુથી તેની રચના મંત્રાત્મક અને અનેક ઉપદ્રવોનું નિવારણ કરનાર પણ છે. ભક્તામર એટલે ભક્ત, અમર એવો પ્રકાશ પામે તે માટેના મંગળ ઉપાયરૂપ આ સ્તોત્ર છે. પરંતુ ભક્તિ કેવી રીતે કરવી ? કામના એટલે કે ઇચ્છારહિત, પ્રેમ વગર ભક્તિ ઉત્પન્ન થતી નથી. ભક્તિભાવ વગર અને ચિત્તની એકાગ્રતા થયા વગર ધ્યાન ઉત્પન્ન થતું નથી. ધ્યાન વગર ભગવાન સાથે તાદાત્મય સાધી શકાતું નથી. તાદાત્મ વગર ભગવાનના સ્વરૂપનો અનુભવ થતો નથી. એટલે કે તેની ઓળખ થતી નથી. આવા અનુભવનો ઉપકાર જીવ ઉપર થાય તે પરમાત્માની કૃપાથી જ શક્ય બને છે. સાધના અને ઉપકાર વગર સિદ્ધિ નથી. ભક્તિભાવ વગરની સ્તુતિ ફળ આપતી નથી. તે માત્ર વાણીનો વિલાસ બને છે અને ભાવપૂર્ણ રીતે કરવામાં આવેલી સ્તુતિનું ફળ નિશ્ચિત હોય છે. છેવટે પાપનો નાશ તો ભાવથી જ થાય છે. ઉલ્લસિત હૃદય અને એકાગ્ર શાંત ચિત્ત સાધના માટે પ્રાણ સમાન છે.
ડૉ. રમણલાલ શાહ જણાવે છે કે, “ભક્તામરના પઠન વખતે ભાવપૂર્ણ હર્ષોલ્લાસ હોવો અને તીર્થંકર પરમાત્માના સ્વરૂપ સાથે તદ્રુપતા હોવી એ જ સૌથી મહત્ત્વની વાત છે. એનું પઠન કરતી વખતે આંખમાં હર્ષાશ્રુ આવે એ એની એક સાચી કસોટી છે.”