________________
339
પદ્યસંખ્યાની સમસ્યા પ્રારંભમાં કરી હતી. જ્યારે શ્વેતામ્બર વિદ્વાનોએ એના ઉપર મુગ્ધ થઈને અપનાવી લીધું અને એની સાથે સિદ્ધસેન દિવાકરનું પ્રાચીન પ્રસિદ્ધ શ્વેતામ્બર આચાર્યનું નામ પણ જોડી દીધું તથા તેના અનુકરણ પર ભક્તામરના ચાર શ્લોકો (૩૨, ૩૩, ૩૪, ૩૫) કાઢી એને પણ કલ્યાણમંદિર જેવું ૪૪ શ્લોકી બનાવી દીધું અને શ્વેતામ્બર પરંપરામાં એ એ જ રૂપમાં પ્રચલિત થઈ ગયું. બંધારણ, ભાષા, શૈલી, ભાવ વગેરે કોઈ પણ દૃષ્ટિએ ચારેય શ્લોક મૂળભૂત રીતે ભક્તામરની રચના હોવામાં કોઈ પણ વાંધો નથી. તે અસંબદ્ધ કે અસંગત નથી, અને એના વગર સ્તોત્ર અપૂર્ણ અને સદોષ રહી જાય છે. આ ચારેય શ્લોકમાં એવી કોઈ પણ વાત નથી કે જેનાથી કોઈ પણ સંપ્રદાયને ઠેસ લાગતી હોય.''૨
કલ્યાણમંદિર સ્તોત્ર ૧૨મી સદીના પ્રારંભમાં રચાયું એના રચનાકાર દિગમ્બરાચાર્ય કુમુદચંદ્ર છે, સિદ્ધસેન દિવાકર નથી એવું પણ ઘણા વિદ્વાનો માને છે. પરંતુ આને હર્મન યકોબીએ માન્ય નથી કર્યું. આ કુમુદચંદ્ર એ જ છે કે જેમનો ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણમાં બૃહદ્ગચ્છીય શ્વેતપટ્ટ આચાર્ય વાદિ દેવસૂરિ સાથે ઈ. સ. ૧૧૨૫માં સોલંકીસમ્રાટ જયસિંહ દેવ સિદ્ધરાજની સભામાં વાદ થયો હતો. પ્રબંધો અનુસાર કર્ણાટક અને પછી કર્ણાવતીમાં ચાતુર્માસ વ્યતીત કરીને પાટણ ગયા હતા. સંભવતઃ એ જ સમયે ગુજરાતનો શ્વેતામ્બર સંપ્રદાય એમના કલ્યાણમંદિર સ્તોત્રથી પરિચિત થયો હશે.
આ ૧૨મી-૧૩મી સદીના સમયના ગાળા દરમિયાનથી સ્તોત્રની પ્રતિલિપિઓ પણ કદાચ અધિક માત્રામાં થઈ રહી હશે. ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં શ્વેતામ્બર સંપ્રદાયમાં કલ્યાણમંદિરનો પૂરતો પ્રચાર થઈ ચૂક્યો હશે. ત્યારે એ વાતનું વિસ્મરણ થઈ ગયું હશે કે આ સ્તોત્રના રચનાકાર કોણ હતા ? તેઓ કયા સંપ્રદાયના હતા ? તેવા સમયે પ્રભાચન્દ્રે સિદ્ધસેન દિવાકરથી સંબંધિત
કથામાં એમ કહ્યું છે કે દીક્ષા સમયે સિદ્ધસેનનું નામ કુમુદચન્દ્ર હતું અને આ રીતે તેમણે કલ્યાણમંદિર સ્તોત્રના રચનાકાર તરીકે સિદ્ધસેનનું નામ આપીને મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી લીધો. આ રીતે સ્તોત્રને વધુ પૌરાણિકતા અને ગરિમા પ્રાપ્ત થઈ ગઈ.
શ્વેતામ્બર સંપ્રદાયમાં જોવા જઈએ તો ક્યાંય કુમુદચન્દ્ર નામના મુનિ કે આચાર્ય થયા હોવાનો ઉલ્લેખ મળતો નથી. પરંતુ મધ્યકાલીન કર્ણાટકમાં દિગમ્બર સંપ્રદાયના આ નામધારી મુનિઓ મળી આવે છે. કલ્યાણમંદિર સ્તોત્ર ઉપર ભક્તામર સ્તોત્રનો પ્રભાવ હોવા છતાં પણ એની સંરચના, શૈલી, કલ્પના, અલંકારો, રૂપકો અન્ય બધા તત્ત્વો મધ્યકાલીન છે. તેમાં રહેલી કલ્પનાઓ વિકસિત અને ઉદાર હોવા છતાં તેમાં ભક્તામર સ્તોત્ર જેવી પ્રાચીન સ્તુતિ, કાવ્યોની ઉત્કૃષ્ટતા પ્રાસાદિકતા અને તેનાં જેવા લયનો લગભગ અભાવ જણાઈ આવે છે.
શ્રી હીરાલાલ કાપડિયા અને અન્ય થોડા શ્વેતામ્બર વિદ્વાનો કલ્યાણમંદિર સ્તોત્રને જીદ કરીને સિદ્ધસેન દિવાકરની અને શ્વેતામ્બરીય રચના છે, એવું સિદ્ધ કરી રહ્યા છે પરંતુ સ્વયં કાપડિયા દ્વારા કરવામાં આવેલું ભક્તામર અને કલ્યાણમંદિર સ્તોત્રનું તુલનાત્મક અધ્યયન એમની આ માન્યતાનું ખંડન કરે છે.