________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 215 જણાવે છે કે “ત્રિભુવનેક લલાયભૂત " આપ ત્રણે લોકમાં લલામભૂત છો. લલામનો એક અર્થ છે તિલક, આપ ત્રણે લોકમાં તિલક સમાન છો. ચક્રવર્તી સમ્રાટના ગળામાં સુશોભિત માળાને પણ લલામ કહેવામાં આવે છે. આપ ત્રણે લોકના લલામ બની ગયા છો. આપના જેવું ત્રણે લોકમાં બીજું કોઈ જોવા મળતું નથી."13
શ્રી જિનેશ્વરદેવને ત્રિભુવનતિલક સમા ગણવામાં આવ્યા છે. સૂરિજીએ પણ પ્રભુને ત્રણ લોકના તિલક સમાન જણાવ્યા છે. પ્રભુ જેવું અન્ય કોઈ નથી કે જેને માટે લલામ' શબ્દનો પ્રયોગ કરી શકાય. કારણ પ્રભુ સિવાયના અન્ય મનુષ્યાદિમાં આનાથી ઊતરતી કક્ષાનાં નામકર્મ, પુણ્ય પ્રકૃતિઓનો ઉદય ઊતરતી કક્ષાનાં હોવાના કારણે બીજા કોઈ જીવના દેહનું રૂપ-લાવણ્ય-લાલિત્ય ભગવાનના દેહની તુલનામાં આવી શકતું નથી.
આ પંક્તિઓ દ્વારા સૂરિજી પોતે એ બોધ ગ્રહણ કરે છે, તેમજ અન્યને ગ્રહણ કરવા પ્રોત્સાહન આપે છે કે જેમ જેમ પોતાના ભાવોનું ઊર્ધીકરણ થતું જશે તેમ તેમ ઉત્તમ વસ્તુઓ, ઉત્તમના આકર્ષણથી વિના પ્રયત્ન પ્રાપ્ત થતી જશે. ભાવોનું ઊર્ધીકરણ કરવા માટે પ્રભુના ગુણોમાં લીન બનવું એ જ ભક્તજન માટે પરમ કર્તવ્ય છે. એમ કરવાથી પ્રભુનું અનન્યપણે ભક્તને યથાર્થ સમજાતું જશે.
સ્તોત્રકાર સૂરિજીની આ સમગ્ર સ્તુતિ શાંતરસ ઉપર આધારિત છે. રાગ-દ્વેષરૂપ કષાયનો ઘાત થવાથી શાંતરસની પ્રાપ્તિ થાય છે. તેવો આ સ્તુતિનો નિચોડ છે. પ્રભુનું સૌંદર્ય અપ્રતિમ હોય છે. જેમનો દેહ કાંતિ, શાંતિ, પવિત્રતા, નિર્મળતા, વીતરાગતા આદિથી પ્રભાવિત હોય છે. તેમનું આભામંડળ પવિત્ર બની જાય છે અને સાથે સાથે આજુબાજુના વાતાવરણ અને તેમના સંસર્ગમાં આવતા દરેક આત્માઓને તેમના જેવા બનાવી દે છે તેનું કારણ છે મુખમંડળમાંથી ટપકતો શાંતરસ.
શાસ્ત્રકારોએ વર્ણવેલા નવ રસોમાંથી ભક્તામર સ્તોત્રના આ શ્લોકમાં શાંતરસને વર્ણવવામાં આવ્યો છે, જે સૌંદર્યશાસ્ત્રની અદ્ભુત મીમાંસા છે. અહીં સૂરિજીએ ખૂબ સુંદર રીતે સૌંદર્યને સમ્યક રૂપે વ્યાખ્યાયિત કરી છે, જે અધ્યાત્મ અને સૌંદર્યશાસ્ત્ર બંને માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ રીતે સૂરિજીએ સુંદર પ્રિય, નયનહારી, મનોહારી દેહપર્યાયના વિશિષ્ટ દર્શનીય પરમ આભાવાન મુખમંડળનાં દર્શન કરાવ્યાં છે. બ્લોક ૧૩મો
वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारि, निःशेषनिर्जितजगत् त्रितयोपमानम् । बिम्बं कलङ्कमलिनं क्व निशाकरस्य यद्वासरे भवति पाण्डुपलाशकल्पम् ।।१३।।