________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 227 રહેવું શક્ય છે. પરંતુ સામાન્ય જીવાત્મા માટે આ શક્ય નથી. આ અશક્યને શક્ય બનાવી શકાય તેમ છે અને તેના માટે ભક્તામર સ્તોત્રનું આલંબન લેવું જોઈએ અને સાથે સાથે રાગી અને વિકારીભાવ લાવનારી પ્રણાલી વિશે પણ જાણવું જરૂરી છે. માનવીના આચારવ્યવહારનું નિયંત્રણ આપણામાં રહેલી બે પ્રણાલીઓ કરે છે. આ બે પ્રણાલીઓ છે : રાસાયણિક પ્રણાલી અને વિદ્યુતનિયંત્રણ પ્રણાલી. રાસાયણિક પ્રણાલીમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કામ કરે છે જે માનવીના વ્યવહાર અને આચરણને પ્રભાવિત કરે છે. આ સ્ત્રાવોમાં ધ્યાનની વિદ્યુતપ્રણાલી દ્વારા પરિવર્તન કરી શકાય છે. અર્થાત્ કામ, ક્રોધ જેવા વિકારો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવને બદલી શકે છે. વિકારોવાળા ભાવ ભક્તિમાં બદલાય જાય છે. અર્થાતુ પ્રભુના ધ્યાનથી વિદ્યુતપ્રણાલીમાં પરિવર્તન આવી શકે છે. પ્રભુના શાંતરસ પરમાણુઓનું ધ્યાન કરવાથી આપણા વિદ્યુત તંત્રમાં ઉત્પન્ન થતા અશુદ્ધ તરંગોનું શુદ્ધતામાં પરિવર્તન થઈ જાય છે.
આ સંદર્ભે ડૉ. સાધ્વીજી દિવ્યપ્રભા સોદાહરણ સમજાવતાં જણાવે છે કે, “આ વાતના સંદર્ભમાં એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ કર્યો. તેમણે બિલાડીના મગજને શાંત કરવા માટે તેના માથા પર ઇલેક્ટ્રોડ લગાડ્યો અને ઉદરના મગજને ઉત્તેજિત કરવા માટે તેના માથા પર ઇલેક્ટ્રોડ લગાડ્યો. તેનાથી બંનેના મગજમાં વિદ્યુત પરિવર્તન ઘટિત થયું. પરિણામે બિલાડી ઉંદરની સામે શાંત ઊભી રહી અને ઉદર બિલાડી ઉપર આક્રમણ કરવા લાગ્યો. કેવી ઊંધી વાત થઈ ! આ રીતે આક્રમણના કેન્દ્રને બદલીને તેમાં ઉપશમન લાવી શકાય છે અને ઉપશમનના કેન્દ્રને બદલીને આક્રમણતા લાવી શકાય છે. વીતરાગીનું ધ્યાન ધરવાથી આક્રમણતા ઉપશમનમાં પરિણમીને પરિવર્તિત થઈ જાય છે.”૧૭
પ્રભુના ધ્યાનમાં મહાન શક્તિ રહેલી છે. જે ગમે તેવાં વિકારીભાવમાં પણ પરિવર્તન લાવી શકે છે. કર્મબંધન જે કષાય અને યોગના કારણે બંધાય છે તેનો નાશ કરવા માટે પ્રભુનું ધ્યાન, ભક્તિ, સંવેગ એકમાત્ર માર્ગ છે. થોડા જ કષાયોના નાશ માટે નહિ પણ ઘાતી અને અઘાતી સર્વ કર્મના ઘાત માટે પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. જેના કારણે આપણે પણ પ્રભુ જેવા સમરૂપ થઈ શકીએ છીએ. અર્થાત્ શિવરમણીરૂપી મોક્ષસુખને પામી શકીએ છીએ.
જ્યારે જ્યારે પ્રભુનો દીક્ષાકાળ નજીક આવતો હોય છે ત્યારે તેમના જીવનમાં એક ઘટના બને છે જે તેમના મનમાં વૈરાગ્ય ભાવ ઉત્પન્ન કરે છે અને તેઓ દીક્ષા ગ્રહણ કરે છે. આ શ્લોકના સંદર્ભમાં શ્રી આદિનાથ ભગવાન અને શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા પ્રસંગ પૂર્વે બનેલી ઘટના આ પ્રમાણે છે.
સૌધર્મેન્દ્રએ ભગવાન ઋષભદેવનો દીક્ષાકાળ નજીક જાણી ભગવાનના જન્મદિવસે (કાગણ વદ આઠમ) તેની ઉજવણી માટે નૃત્યનાટિકાનું આયોજન કરેલું હતું. તેમાં નીલાંજના નામની દેવીનું આયુષ્ય નૃત્યનાટિકા દરમ્યાન પૂરું થઈ જાય છે. ક્ષણભંગુર દેહ અને સંસારના સ્વરૂપનો વિચાર કરતાં ભગવાન વૈરાગ્ય પામ્યા અને સભામંડપમાં જ દીક્ષા ગ્રહણ કરવાનો નિશ્ચય કર્યો.