________________
284 * । ભક્તામર તુભ્યે નમઃ ।।
સુવર્ણરંગી શિખરની આજુબાજુમાં નિર્મળ પાણીનાં ઝરણાં વહે છે. અને તે ઝરણાં તાજા ઉદય પામેલા ચંદ્રમા જેવાં શ્વેત હોય છે.
આ શ્વેત જળધારાઓ મેરુશિખરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. પ્રભુની બંને બાજુઓએ દેવતાઓ દ્વારા મોગરાના પુષ્પ જેવા શ્વેત ચામરો વીંઝાય છે. ત્યારે સુવર્ણ વર્ણવાળા પ્રભુને જોઈને સૂરિજીને નિર્મળ શ્વેત ઝરણાની અનેરી શોભાથી દીપતા મેરુપર્વતના સુવર્ણ શિખરની સ્મૃતિ થાય છે. શ્રી આદિનાથ પ્રભુ પણ મેરુપર્વતના શિખર જેવા સુવર્ણ વર્ણના છે. પર્વતના શિખર ઉપરથી નિર્મળ ઝરણું જળની શ્વેત ધારા નીચે પાડી રહ્યું હોય, તેવી જ રીતે દેવતાઓ દ્વારા, મોગરાના પુષ્પ જેવા લાગે છે એવા ચામરો હાથમાં ગ્રહણ કરે છે. આ ચામરો પ્રભુને વીંઝાય છે, તે વહેતા ઝરણાં જેવા લાગે છે. આ ચામરો નીચેથી ઉ૫૨ ત૨ફ વીંઝાય છે. અર્થાત્ જાણે કે આ ચામર કહે છે કે, પ્રભુ પાસે નીચા નમો અને પછી ઊંચું પદ પામો.' પ્રભુને ઢોળાતા ચામર પહેલાં નીચે ઢળીને પછી ઉપર જાય છે તે એમ દર્શાવે છે કે જે જીવ જિન ચરણોમાં અભિભૂત થાય છે તે ઊંચી પદવીને પામે છે. એ વાત કલ્યાણમંદિર સ્તોત્રમાં કરી છે :
હે સ્વામિશ્રી અતિ દૂર નમીને ઊંચે ઊછળતાં, માનુ શુચિ સુર-ચામરના વૃંદ આવું વદંતા; જેઓ એહી યતિપતિ પ્રતિ રે પ્રણામો ફરે છે નિશ્ચે તેઓ ઊરધ ગતિને શુદ્ધભાવે લહે છે.'
નીચે નમીને ઊંચે ઊછળતાં તે ચામર જાણે એમ બોલી રહ્યા છે કે હે જીવો ! તમારે ઉચ્ચ
પદ પામવું હોય તો આ પ્રભુચરણમાં ભક્તિથી નમી જાઓ.
આ શ્લોકમાં સૂરિજીએ પ્રભુનો બીજો એક ગુણ પણ જણાવ્યો છે તે છે અવિચલતા. અહીં પ્રભુને મેરુપર્વતના ઉચ્ચ શિખર સાથે સરખાવ્યા છે. તેથી મેરુશિખરની જેમ પ્રભુના અવિચલતાનો ખ્યાલ આપણને થાય છે. જેમકે ચંદ્રમાની શ્વેત કાંતિ જેવા, વહેતી નિર્મળ જળધારા મેરુશિખરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. છતાં પણ મેરુશિખર તો સ્થિર અને અવિચલ જ છે. તે જ રીતે દેવો દ્વારા વીંઝાતાં દિવ્ય અને મોગરાનાં પુષ્પ જેવાં જે ઝરણાંઓ કરતાં પણ અધિક સુંદર છે તે ચામરો પ્રભુના અતિશયોમાં વધારો કરે છે. પણ પ્રભુ તો અવિચલ જ રહે છે. તેમનામાં કોઈ પણ ચલાયમાનપણું આવતું નથી.
શ્વેત ચામરોની મેરુપર્વત પર વહી જતી શ્વેત ધારાઓ સાથે અને શ્રી આદિનાથ પ્રભુના સુવર્ણ વર્ણીય શરીરની, મેરુશિખરની સુવર્ણ ભૂમિકા સાથે અતિ સુંદર તુલના સૂરિજીએ
કરી છે.