________________
340 || ભક્તામર તુલ્યું નમઃ
કલ્યાણમંદિર સ્તોત્રને નજર સમક્ષ રાખીને શ્વેતામ્બરોએ ભક્તામર સ્તોત્રના મૂળ ૪૮ શ્લોકમાંથી ચાર શ્લોક બાદ કરીને ૪૪ શ્લોકવાળું સ્તોત્ર બનાવી દીધું હોય આવું માનવાને માટે કોઈ આધાર જણાતો નથી. જો કાવ્ય પ્રત્યેનું “મમત્વ' કે “મુગ્ધતા' સ્તોત્રના શ્લોકની સંખ્યામાં ફેરફાર કરવામાં નિમિત બની શકતી હોય તો દિગમ્બર સંપ્રદાય પણ કલ્યાણ મંદિર સ્તોત્ર પ્રત્યે એટલું જ મમત્વ ધરાવતો હતો, જેટલો શ્વેતામ્બર સંપ્રદાય ધરાવતો હતો. જો મમત્વના કારણે જ તેઓની સમક્ષ ૪૮ શ્લોકવાળું ભક્તામર સ્તોત્ર રહ્યું હોય તો એને ૪૪ શ્લોકવાળું કેમ ન બનાવી દીધું ? એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જેનો કોઈ જ જવાબ નથી.
શ્વેતામ્બર સંપ્રદાયમાં પ્રચલિત સ્તોત્ર સાહિત્યમાં જોવા જઈએ તો આમાં ભક્તામર સ્તોત્રની જ પ્રધાનતા રહેલી જોવા મળે છે. જ્યારે કલ્યાણ મંદિરનું સ્થાન બીજા નંબર પર આવે છે. શ્વેતામ્બર સંપ્રદાયમાં કોઈ પણ શ્વેતામ્બર એવી સ્વાધીન વ્યક્તિ નથી કે જેને મનમાં આવ્યું તે કરી શકે. મધ્યકાળમાં આ સંપ્રદાય અનેક ગચ્છમાં વિભાજિત હતો. ૧૨મી સદીમાં આ ગચ્છોમાં નાગે, ચન્દ્ર, બૃહદ્હર્ષપુરીય, પૂર્ણતલ્લ, ખત્તર, પોર્ણામિક, ઉજ્જલ, સરવાલ, જાલ્લોધર અને ચિત્રવાલક વગેરે અનેક સુજ્ઞાની, તપસ્વી મુનિઓના ગચ્છ અને થરાદ, મોઢ, વાયટ, ઉકેશ, બ્રાહ્મણ, સંડેર, કોટ, ખંડિલ્લ કે ભાવાચાર્ય અને નાણાકીય જેવા સુખશીલ ચૈત્યવાસી ગચ્છોની પ્રધાનતા હતી. મુનિઓ અને એમના શ્રદ્ધાળુઓની સંખ્યા લગભગ હજારોમાં હતી અને આ સંખ્યા સંપૂર્ણ રાજસ્થાન અને ગુજરાતમાં ફેલાયેલી હતી. જો કોઈ પણ એક ગચ્છના લોકો ભક્તામરના ૪૮
શ્લોકમાંથી ૪ શ્લોકોને દૂર કરી દે તેવા અનુચિત કાર્યને અન્ય ગચ્છવાળા કોઈ પણ જાતના વિરોધ વગર સ્વીકારી લેત નહિ. કોઈ એક ગચ્છે કરેલા અનિચ્છનીય કાર્યનો અન્ય કોઈક ગચ્છે વિરોધ જરૂરથી કર્યો હોત. પરંતુ ક્યાંય પણ આવો ઉલ્લેખ થયેલો જણાતો નથી.
જૂના સમયમાં હસ્તલિખિત પ્રતોનો રિવાજ હતો. પશ્ચિમ ભારતના મુખ્ય નગરોમાં રહેતાં શ્વેતામ્બરો પાસે ઘણા ગ્રંથભંડારો હતા. મોટા ભાગે પ્રતોની નકલ લહિયાઓ કરતા હતા. ભક્તામર સ્તોત્રની જુદાં જુદાં સ્થળોએ લખવામાં આવેલી બધી પ્રતોમાં એકસાથે હળી-મળીને બધામાંથી એકસાથે ચાર શ્લોકો દૂર કરી નાખ્યા હોય તે વાત વિશ્વાસ બેસે તેવી નથી. અને તે પણ ત્યારે કે અષ્ટપ્રતિહાર્યોને શ્વેતામ્બર પણ દિગમ્બરો જેટલા જ ચુસ્તતાથી માનતા હતા. જો ચાર શ્લોકોને દૂર કરવાવાળી વાત કલ્યાણમંદિર સ્તોત્રને નજર સમક્ષ રાખીને થઈ હોય તો આ સૂત્રમાં પણ અષ્ટ મહાપ્રતિહાર્યોવાળા આઠ શ્લોકો તો છે જ. એટલા માટે ભક્તામરમાંથી અષ્ટ મહાપ્રતિહાર્ય સંબંધી ચાર શ્લોક ન કાઢી નાખતાં બીજા કોઈ પણ ચાર શ્લોક કાઢી નાખવામાં આવી શકાય હોત. ઈ. સ. ૧૨મી–૧૩મી સદીની ખંભાત, પાટણ, જેસલમેરના જ્ઞાન ભંડારોમાં સુરક્ષિત તાડપત્રીય પ્રતોમાંથી કોઈ પ્રતો તો એવી મળવી જોઈતી હતી કે જેમાં ૪૮ શ્લોકો હોય પણ એવી કોઈ પ્રત તે સમયની મળી આવતી નથી.
આ સમસ્યાનો ઉકેલ પંડિત શ્રી અમૃતલાલ શાસ્ત્રીએ પોતાની દૃષ્ટિએ પ્રસ્તુત કર્યો હતો. ઈ. સ. ૧૨૨૭માં આચાર્ય પ્રભાચન્દ્રાચાર્ય રચિત પ્રભાવક ચરિતના માનતુંગ ચરિત'ની