________________
274 છે ભક્તામર તુલ્યુ નમઃ આલંબન મળી રહે છે. આ અભિમાનના કારણે તેઓએ આપનો આશ્રય શોધવાની તકલીફ લીધી જ નહિ એટલે કે તેઓએ તમને કોઈ વખત સ્વપ્નમાં પણ જોયા નહિ તો પછી આપનો આશ્રય મેળવવાની તો વાત જ ક્યાં રહી ? અર્થાત્ જ્યાં કોઈ દિવસ સ્વપ્નમાં પણ આપનાં દર્શન ન થયાં હોય - સ્વપ્નમાં પણ આપનો આશ્રય મેળવવાનો વિચાર ન આવ્યો હોય, તો પછી આપનામાં આશ્રય કેવી રીતે મેળવી શકે ? આ એક સ્વાભાવિક ઘટના છે. તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ
નથી.
પ્રભુ ! સર્વ કર્મોનો ક્ષય થતાં આપ વીતરાગી બની ગયા. આપે એટલા બધા ગુણોને આશ્રય આપ્યો કે સર્વ ગુણોથી આપ પરિપૂર્ણ બની ગયા. તેમાં જરા પણ અવકાશ ન રહ્યો. તેથી દોષોને રહેવાનું, આશ્રય મેળવવાનું કોઈ સ્થાન આપનામાં રહ્યું નથી. તેથી દોષો આપની આસપાસ પણ દૃષ્ટિગોચર થતાં નથી. પ્રભુ તારાથી તો દોષ દૂર રહ્યા, સાથે સાથે તારી સમીપ આવનાર જીવોથી પણ દોષો દૂર રહે છે, ને તારામાં રહેલા ગુણો તેમનામાં પણ આવે છે. અહીં સૂરિજીએ ભક્તિ દ્વારા મળતી ફળસિદ્ધિ બતાવી દીધી. જે જેની ભક્તિ કરે છે તે તેના જેવો બને છે. ગુણીજનની ભક્તિ કરવાથી ભક્ત પણ ગુણવાન બને છે. તેનામાં પણ ગુણ આવીને વસે છે. મલનું આવરણ દૂર થાય છે અને અમલ જીવનની શરૂઆત થાય છે. અર્થાત્ રાગરૂપી કર્મોનો ક્ષય થવાથી ગુણનો પ્રવેશ થાય છે અને દોષનો ક્ષય થાય છે.
પ્રભુ! આપ તો સર્વદોષથી રહિત સર્વગુણ સંપન્ન એવા દેવાધિદેવ પરમાત્મા છો. આપમાં એક પણ દોષ નથી. તેથી સર્વગુણ આપનામાં જ શોભે. અન્ય બીજે ક્યાંય નહિ. કારણ અન્ય લૌકિક દેવોમાં હાસ્ય, રતિ, ભય, શોક આદિ અનેક દોષો રહેલા છે, ત્યાં સર્વ ગુણોને સ્થાન ક્યાંથી હોઈ શકે. તેથી સર્વ ગુણોનું આશ્રય સ્થાન આપનામાં જ શોભે. બીજા કોઈની સાથે સર્વગુણો આશ્રય પામી શકતા નથી. અને દોષ આપની પાસે આવતા નથી. કારણ કે દોષને રહેવા માટે આપની પાસે કોઈ સ્થાન જ નથી. તેથી તે સંસારમાં અહીં-તહીં ભટકે છે. ગુણોને આશ્રય આપવાનો આત્માનો નિજ સ્વભાવ છે. રાગાદિ દોષોને આશ્રય આપવાનો આત્માનો સ્વભાવ નથી, તે તો પરાશ્રિત ભાવો છે. પરંતુ જેને રાગાદિ દ્વારા દોષને આશ્રય આપ્યો છે તે જીવો સ્વપ્નમાં પણ આપને જોઈ શકતા નથી અને આત્માના મૂળ સ્વભાવને ઓળખી શકતા નથી.
દોષને આશ્રય આપનારા તો જગતમાં ઘણાય છે. પણ ગુણોનો આધાર તો હે પ્રભુ ! આપ એક જ છો. જે જીવો રાગ-મોહ-માયા આદિને ધર્મ માને છે તેઓ દોષને આશ્રય આપે છે. એવા અજ્ઞાની કે લૌકિક દેવોમાં સર્વગુણોને આશ્રય ન મળ્યો. તેથી તે સઘળા ગુણો આપનામાં આવી આશ્રય પામ્યા.
સૂરિજીએ આ શ્લોકમાં પ્રયોજનપૂર્વક પ્રભુને મુનીશ' નામથી સંબોધ્યા છે. ભગવાનને મુનીશ નામથી સંબોધીને સૂરિજીએ બે વાત કરી છે :