________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 293 અઘાતી કર્મ એટલે જેનો ઘાત થતો નથી તે અઘાતી કર્મ છે. એટલે કે અઘાતી કર્મનો સંપૂર્ણ નાશ થતો નથી. તેમને ભોગવવાં જ પડે છે. પરંતુ પ્રભુના નામસ્મરણથી તે કર્મો હળવાં બની શકે છે.
કુલ આઠ કર્મો છે. એમાં ઘાતી કર્મ ચાર છે : (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય (૪) અંતરાય અઘાતી કર્મ પણ ચાર છે : (૧) વેદનીયકર્મ (૨) ગોત્રકર્મ (૩) આયુષ્યકર્મ (૪) નામકર્મ
શ્લોકના બે વિભાગ છે. નવ પદ્યમાં પ્રથમ ચાર શ્લોક ચાર ઘાતી કર્મનું પ્રતિનિધિત્વ કરે છે અને પછીના પાંચ શ્લોક અઘાતી કર્મનું પ્રતિનિધિત્વ કરે છે. ઘાતી કર્મમાં મોહનીય કર્મ મુખ્ય છે. કર્મ ઘાતી છે કે અઘાતી તેનું સ્પષ્ટીકરણ તે કર્મોના પ્રતિનિધિત્વ દ્વારા થાય છે.
આ સંદર્ભમાં ડૉ. સાધ્વીજી દિવ્યપ્રભાશ્રીજી જણાવે છે કે, “પ્રથમ વિભાગમાં કહેવામાં આવ્યું છે કે પરમાત્માનું નામસ્મરણ કરવાથી આવનારા ઉપસર્ગો રોકાઈ જાય છે અને બાકીનાં પાંચ પદ્યોમાં કહેવામાં આવ્યું છે કે પરમાત્માનું સ્મરણ આવનારા ઉપસર્ગોથી પાર ઉતારી દે છે.”૪૩
ઘાતી કર્મ છે તે આત્મસ્પર્શી હોય છે. આત્મા જ્યારે ઇચ્છે ત્યારે ઘાતી કર્મને રોકી શકે છે, તોડી શકે છે. પ્રથમ ચાર પદ્યોમાં ચાર ઉપસર્ગો મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ અને સર્પ દ્વારા ભય બતાવવામાં આવ્યો છે. જે આત્માના ભાવોને સ્પર્શે છે. અઘાતી કર્મ એ શરીરને સ્પર્શી છે. તે ભોગવવાં જ પડે છે. તેનો ક્ષય સંપૂર્ણપણે થતો નથી. તેમજ તે સંપૂર્ણપણે રોકી શકાતાં નથી. આ ચાર ઉપસર્ગો યુદ્ધ, સાગર, રોગ તથા બંધન એ શરીર સંબંધી વેદનાપ્રધાન વેદનીયકર્મ છે. અઘાતીમાં વેદના મુખ્ય હોય છે.
સૂરિજીએ કર્મના સ્વરૂપને વિભિન્ન પ્રતીકો દ્વારા હવેના શ્લોકમાં દર્શાવ્યા છે. તે શ્લોક સર્વ કર્મોના પ્રતીક બનીને કર્મક્ષયનો ઉપાય રજૂ કરે છે. સમગ્ર ઘાતી કર્મનું પ્રતિનિધિત્વ કરતાં મદોન્મત્ત હાથીને કામ, માન અને અંતરાયકર્મનું પ્રતીક દર્શાવતાં સૂરિજી કહે છે કે હે પ્રભુ! જે લોકો અંતરના સ્વભાવથી પ્રેરાઈને તમારું શરણ ગ્રહણ કરે છે તેમને સામે આવી રહેલાં એરાવત જેવા મોટા અને દુર્દાત્ત હાથીનો પણ ભય લાગતો નથી. આ હાથી કેવો છે તો કહે છે કે મદ ઝરવાથી જેનું શરીર મલિન બની ગયું છે અને જે નિરંતર ડોલી રહેલો છે. તથા જેના ગંડસ્થળમાંથી ઝરી રહેલાં મદને પીવા માટે મત્ત બનેલા ભમરોના સતત ઝંકારથી જે વિશેષ ક્રોધાયમાન થયેલો છે એવો.
હે પ્રભુ! આસપાસમાં રહેલા ભમરાઓના ગુંજનથી અતિશય કોપાયમાન બનેલો હોય એવો ઇન્દ્રના એરાવત જેવો કદાવર અને મદોન્મત્ત હાથી બેકાબૂ બનીને સર્વનાશ કરવા સામે આવતો હોય તો પણ જે તમારું યથાર્થ સ્મરણ કરે છે તેને એ હાથીનો જરાપણ ભય રહેતો નથી.