________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 197 છે, તેમ અનેક જન્મમાં ઉપાર્જન કરેલાં પ્રાણીઓનાં પાપકર્મ આપની સુંદર સ્તવના કરવાથી તત્કાલ સંપૂર્ણ નાશ પામે છે. વિવેચનઃ ગાથા - ૭
અનાદિકાળથી આપણો આત્મા કષાય, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ અને યોગના કારણે કર્મબંધન કરતો રહ્યો છે અને તેનાં ફળો ભોગવવા માટે તેને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. એટલે કે બુદ્ધ જે કારણોથી વૈરાગી થયા હતા તેવી જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈને જન્મ, રા, રોગ, શોક અને મરણાદિનો અનુભવ કરવો પડે છે. આ જુદી જુદી યોનિઓમાં પરિભ્રમણ કરતાં કરતાં અનેક પાપકર્મો એકત્રિત થાય છે. સુજ્ઞજનો સમક્ષ એક મોટી સમસ્યા ઉપસ્થિત થાય છે કે, કર્મબંધનમાંથી મુક્તિ કેમ મેળવવી ? શાસ્ત્રોનો મર્મ જાણનારા મહાન વિદ્વાનો, મહર્ષિઓએ આ સમસ્યાના નિવારણ માટે કેટલાક ઉપાયો દર્શાવ્યા છે. પણ સ્તોત્રકાર સૂરિજી કહે છે કે અનાદિકાળથી – પરંપરાગત–ભવભવાંતરથી આત્મા ઉપર પાપકર્મો છવાયેલાં છે. તેમને હટાવવા માટે તમામ આત્મપ્રદેશો ઉપર જો પરમાત્માનું સંસ્તવન છવાઈ જાય તો પાપ નાશ પામી શકે છે. સંસ્તવન એટલે કે સમ્યક પ્રકારનું સ્તવન, સમ્યક્ પ્રકારનું સ્તવન ત્યારે જ હોય જ્યારે તે સમરૂપ બનીને આપણા તમામ આત્મપ્રદેશોમાં આપણાં અણુએ અણુમા, રોમે રોમમાં, લોહીના કણે કણમાં, આપણાં અસ્થિ અને મજ્જામાં, આપણા ધ્યાનમાં સર્વત્ર એકરૂપ બનીને છવાઈ જાય છે. ત્યારે પાપકર્મનો નાશ થાય છે. આ પાપકર્મો સતત ચાલતી પરંપરા છે. એક પાપ બીજા પાપને, બીજું પાપ ત્રીજા પાપને લાગે છે. પાપની એક વિશિષ્ટ પરંપરા છે, અને આ પાપથી કર્મ આવે છે. એટલે કે કર્મની પણ પરંપરા છે. કર્મ આવે છે તે દુઃખ લાવે છે. આપણે દુઃખને હટાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ પાપને હટાવવાનો પ્રયત્ન કરતા નથી. તેથી સૂરિજીએ પરમાત્મા પાસે દુઃખનો નાશ ન માગ્યો. પરંતુ પાપનો નાશ માગ્યો. જો પાપ જ ન હોય તો કર્મ ન હોય અને કર્મ ન હોય તો દુઃખ ન હોય.
મનુષ્ય બીજું કંઈ પણ ન કરતાં શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરવા લાગે અને તેમના અનંતા ગુણોની અનન્ય ભાવે સ્તુતિ-સ્તવના કરે તો શુભ ભાવોની પરંપરા જાગે છે. અને પરિણામે પાપકર્મોની પરંપરાનો ક્ષણમાત્રમાં ક્ષય થઈ જાય છે.
પાપ તો અનાદિ કાળથી છે. તેનો નાશ ક્ષણમાત્રમાં કેવી રીતે સંભવિત છે. અર્થાત્ અનાદિકાળનાં પાપો જે અનેક ભવોમાં બંધાયાં હોય તેનો ક્ષણમાત્રમાં ક્ષય શી રીતે થાય ? એક સુંદર ઉદાહરણ દ્વારા સૂરિજી આ પ્રશ્નનું સમાધાન કરે છે.
સમગ્ર જગતમાં શ્યામવર્ણી ભ્રમર જેવી અમાવસ્યાની રાત્રિનો ભયંકર અંધકાર ચોમેર વ્યાપેલો હોય છે પણ પૂર્વાકાશમાં સૂર્યનાં કિરણો પ્રકાશિત થતાં જ તેનો નાશ થાય છે. અર્થાત્ સૂર્યનાં કિરણો ફૂટતાંની સાથે જ અંધકારને ક્ષણમાત્રમાં છિન્ન ભિન્ન કરી દે છે અને અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરી દે છે. તેવી જ રીતે શ્રી જિનેશ્વરદેવના ચરણકમળોનું સ્મરણ અનંતાનંત