________________
પ્રભાવક કથાઓ 425 એક વખત માલવાનો રાજા મહીધર પોતાના સમર્થ શત્રુને જીતવાને અને જીવતો પકડવા માટે સૈન્ય લઈને નીકળ્યો. રસ્તામાં ગાઢ જંગલ આવ્યું અને તે સમયે રાત્રિ પડી ગઈ. સૈન્યને આગળ વધવું મુશ્કેલ થઈ ગયું. આ વખતે લક્ષ્મણ શેઠ પણ રાજા સાથે હતા. તેમણે રાજાને કહ્યું કે, “હે રાજન ! આપ આજ્ઞા આપો તો પૂર્ણ ચન્દ્ર આપને દેખાડું અને સૈન્ય માટે રાત્રિને દિવસ જેવી કરી દેખાડું.”
રાજાએ સંમતિ આપતાં કહ્યું, જો તે પ્રમાણે તું મારા ઉપર ઉપકાર કરીશ તો હું તારું મનોવાંછિત પૂર્ણ કરીશ.'
લક્ષ્મણ શેઠે ભક્તામર સ્તોત્રના ૧૯મા શ્લોકનું ધ્યાન ધરી મણિ ઉછાળી કૃત્રિમ ચન્દ્રમાં ઉત્પન્ન કર્યો અને સૈન્ય શત્રુ રાજા ઉપર સવાર થતાં સુધીમાં હલ્લો કર્યો અને રાજાએ શત્રુ રાજાની રાજધાની કબજે કરી. લક્ષ્મણ શ્રેષ્ઠીને રાજાએ અઢળક ધન આપી સૌથી વધુ ધનવાન બનાવી દીધો. શ્રેષ્ઠીએ કહ્યું કે આ બધો પ્રભાવ ભક્તામર સ્તોત્ર અને તેના ૧૯મા શ્લોકનો છે.
આ શ્લોકના રૂપાંતરમાં કહેવાયું છે કે આકાશમાં રહેલા મણિને પાછો ખેંચવામાં પણ ૧૯મા શ્લોકનું પાછું સ્મરણ કર્યું. આમ પુનઃ આકર્ષણની શક્તિ આ શ્લોકમાં માનવામાં આવેલ છે.
આ શ્લોકમાં અશિવોપશમની વિદ્યાથી મુક્ત જણાવી છે. એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આ શ્લોકના સાતમા, ચોત્રીસમા, છત્રીસમા, સાડત્રીસ અને આડત્રીસમા અક્ષરોને એકસાથે વાંચવામાં આવે તો શિવશાની નિં એવો શબ્દ વાંચી શકાય છે. જેનો અર્થ અશિવને દૂર કરનાર એવો થાય છે. પ્રભાવક કથા-૧૨ (શ્લોક ૨૦)
શ્રી નાગપુર નામના નગરમાં મહીપતિ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને માનીતો સોમદેવ નામનો પુરોહિત હતો. તે નગરમાં વિહાર કરતાં કરતાં શ્રી વિજયસેનસૂરિ નામના જૈનાચાર્ય પધાર્યા. તેઓ હંમેશાં રાત્રિના સમયે ભક્તામર સ્તોત્રનો પાઠ કરતા હતા. ૨૦મા શ્લોકનું ચિંતન કરતાં હતાં તે વખતે શ્રી ચક્રેશ્વરી દેવીએ પ્રગટ થઈને બધી જ જાતના પ્રશ્નોના ઉત્તર જાણવાની વિદ્યા આપી.
મહીપતિ રાજા એક દિવસ દરબાર ભરીને બેઠો હતો તે વખતે તેની રાણીના ગર્ભ સંબંધી સભામાં બેઠેલા રાજપુરોહિતને અને અન્ય જ્યોતિષીઓને પ્રશ્ન કર્યો કે . અમારે ત્યાં પુત્ર થશે કે પુત્રી ? તથા તેના જન્મથી મારે ત્યાં શું થશે ?”
રાજાના આ પ્રશ્નના જવાબમાં રાજપુરોહિત અને અન્ય જ્યોતિષીઓ મૌન રહ્યા. તેથી શ્રી વિજયસેનસૂરિને માનવપૂર્વક દરબારમાં બોલાવી રાજાએ આ જ પ્રશ્ન પૂછ્યો. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે - “આવતી કાલે તમારાં પટ્ટરાણીને ત્રણ નેત્રવાળો એક પુત્ર જન્મશે અને પછી તે બારમા દિવસે આપના મુખ્ય હસ્તિનું મરણ થશે.”